IPL 14 નાં બીજા તબક્કા માટે તમામ ટીમોની તૈયારીઓ વચ્ચે શનિવારે અચાનક એક ખેલાડીનું નામ બધાની સામે આવ્યુ. આ ખેલાડી ટિમ ડેવિડ છે, જેને વિરાટ કોહલીનાં નેતૃત્વમાં આરસીબીએ તેમની ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો – Cricket / અફઘાનિસ્તાન ક્રિકેટમાં થયો મોટો ફેરફાર, અઝીઝુલ્લાહ ફઝલી બન્યા કાર્યકારી અધ્યક્ષ
ટી 20 ક્રિકેટની દુનિયામાં ટિમ ડેવિડ નામ નવું નથી. તે IPL માં કોઈપણ ટીમ માટે રમનાર પ્રથમ સિંગાપોરનો ક્રિકેટર બન્યો છે. 25 વર્ષીય ટિમ ડેવિડ ઓલરાઉન્ડર છે. તે ધમાકેદાર બેંટિંગની સાથે સાથે ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. આઈપીએલ પહેલા, ટિમ બિગ બેશ લીગ, પાકિસ્તાન સુપર લીગ અને ઈંગ્લેન્ડનાં ટી-20 બ્લાસ્ટમાં પણ જોવા મળ્યો હતો. સિંગાપોર માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ટિમ ડેવિડની અત્યાર સુધીની ટૂંકી કારકિર્દી રહી છે પરંતુ આ સમય દરમિયાન તેણે સૌ કોઇનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યુ છે. જેના કારણે તેને કીવી ખેલાડી ફિન એલેનની જગ્યાએ IPL માં RCB તરફથી રમવાની તક મળી છે. ટિમ ડેવિડે 14 આંતરરાષ્ટ્રીય ટી 20 મેચમાં 46.50 ની સરેરાશ અને 158.52 ની સ્ટ્રાઇક રેટથી 558 રન બનાવ્યા છે. જેમાં ચાર અર્ધસદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ચ સ્કોર 92* અણનમ છે. આ દરમિયાન તેણે 5 વિકેટ પણ પોતાના નામે કરી છે. ટિમ ડેવિડે ટી 20 ક્રિકેટમાં કુલ 49 મેચ રમી છે, જેમાં તેણે 45 ઇનિંગ્સમાં 36.59 ની સરેરાશ અને 155.09 ની પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટથી 1171 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – WI vs PAK / વિન્ડિઝનાં ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ઇન્ડોર ક્રિકેટ રમતા જોવા મળ્યા, Video
16 માર્ચ, 1996 નાં રોજ સિંગાપોરમાં જન્મેલા 6 ફૂટ 5 ઇંચ ઉંચા ટિમ ડેવિડ લાંબી સિક્સર ફટકારવામાં નિષ્ણાત છે. તેણે ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધી 91 ચોક્કા અને 59 છક્કા ફટકાર્યા છે. ડેવિડ અત્યાર સુધી બિગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેન્સ અને પર્થ સ્કોર્ચર્સ માટે રમી ચૂક્યો છે. વળી, તે પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર્સ અને કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ લુસિયા કિંગ્સનો ભાગ રહ્યો છે. તાજેતરમાં, સરે તરફથી રમતા, ટિમ ડેવિડે ગ્લૂસેસ્ટરશર સામે શાનદાર સદી (102) ફટકારી હતી અને તેની ટીમને 50 ઓવરની મેચ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચાડી હતી. 72 બોલની આ ઇનિંગ દરમિયાન ડેવિડે 11 ચોક્કા અને પાંચ છક્કા ફટકાર્યા હતા. આ સિવાય તેણે 140 રનની ધમાકેદાર ઇનિંગ પણ રમી હતી. આપને જણાવી દઇએ કે, ટિમ ડેવિડનાં પિતા રોડ ડેવિડનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તે વ્યવસાયે એન્જિનિયર હતો, તેથી તે કામ માટે સિંગાપુર આવ્યો હતો. જ્યાં તેણે સિંગાપોર માટે ક્રિકેટ રમી હતી. 1997 માં, તે આઇસીસી ટ્રોફીમાં સિંગાપોર ટીમનાં સભ્ય હતા. ટિમનો જન્મ સિંગાપોરમાં થયો હતો પરંતુ 2 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. તેનો ઉછેર પર્થમાં થયો હતો. તેને બાળપણથી જ ક્રિકેટમાં રસ હતો અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા માટે ગ્રેડ ક્રિકેટ રમતો હતો. આવી સ્થિતિમાં તેને વર્ષ 2017-18માં બિગ બેશ લીગમાં પાર્થ સ્કોર્ચર્સ તરફથી રમવાની તક મળી.
