અમદાવાદમાં સતત વધતા કોરોના કેસોથી કોર્પોરેશન એક પછી એક મહત્વના નિર્ણયો લઇ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વના નિર્ણયમાં સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. શહેરમાં શાકભાજીના ફેરિયા, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરાશે
અમદાવાદમાં વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ OSDએ આ નિર્ણય કર્યો છે. આજે OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમાં હોમ ડિલિવરી બોયના એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શહેરમાં 15થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરાશે અને ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર આપવામાં આવશે. જો સોસાયટીમાં કેસ વધશે તો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
મહત્વનું છે કે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી અને ક્રિકેટ મેચને કારણે કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તંત્ર હવે હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં રાત્રી કરર્ફ્યુનો સમય વધાર્યા પછી શનિ-રવિમાં મોલ, સિનેમાઘરો, ગેમિંગ ઝોન પણ બંધ કરાવાયા છે.
