જો મનુષ્યની રાતની ઊંઘ બરાબર પૂરી ન થાય તો એની ખરાબ અસરો આખો દિવસ એની દિનચર્યા પર વર્તાય છે. ઊંઘ પૂરી ન થાય તો માણસ ચિડાયેલો રહે છે એટલું જ નહિ, પરંતુ એની તબિયત પણ ઢીલી થઇ જાય છે. આને લીધે વ્યક્તિ શારીરિક સ્તરે સતત થાક લાગતો હોવાનું અનુભવે છે તથા દરેક કામ કરવામાં તેને આળસ આવે છે. આ જ કારણ પર્યાપ્ત છે, કે આપણે રાત્રિના સમયે શાંતિપૂર્વક નિંદ્રા લેવી જોઇએ. અલબત્ત, ઘણીવાર ખાણીપીણીની કેટલીક વસ્તુઓ પણ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમે રોજ રાત્રે નિશ્ચિંત થઇને નિંદ્રાધીન થવા માગો છો તો એ અતિ આવશ્યક છે કે આટલી વસ્તુઓના સેવનથી દૂર રહો.
કેફીન
રાત્રિના સમયે કેફીનયુક્ત પદાર્થો લેવાથી હંમેશા બચવું જોઈએ, ખાસ કરીને, તમે ઊંઘવા જઇ રહ્યા હો તેવા સમયે કેફીનયુક્ત પીણાં જેવા કે ચા, કૉફી, ઍનર્જી ડ્રિંક્સ અથવા તો ચૉકલેટ જેવા પદાર્થો ખાવું સદંતર ટાળવું જોઇએ. વાસ્તવમાં, તમે કેફીનયુક્ત પદાર્થોનું સેવન કરો છો તો એ તમારા મસ્તિષ્કને સક્રિય રાખે છે, જેનાથી ઊંઘ આવવામાં વિલંબ થઇ શકે છે. આ ઉપરાંત, ઊંઘની ગુણવત્તા પર પણ અસર થાય છે. ઍક્સપર્ટસ ના મતે, તમે સૂવા જાઓ એના ઓછામાં ઓછા 6 કલાક અગાઉ કેફીનયુક્ત પદાર્થોનું સેવન સદંતર બંધ કરી દેવું જોઇએ.
ભારે ભોજન
રાત્રિના સમચે વ્યક્તિએ હંમેશા હળવું ભોજન લેવું અને પછી જ ઉંઘવા જવું જોઇએ, અને આ હળવું ભોજન ઊંઘવાના થોડા કલાકો અગાઉ જ કરી લેવું હિતાવહ છે. રાત્રે ભારે અને તેલવાળો આહાર લેવાનું ટાળવું જોઇએ. રાત્રિના સમયે વધુ ઑઇલી ફાસ્ટ ફૂડ અથવા મસાલેદાર ખોરાક ખાવાથી તમારું પાચનતંત્ર નબળું પડે છે. આ પ્રકારનું ભોજન મહદ્અંશે પેટ ખરાબ કરે છે જેનાથી તમને રાત્રે ઊંઘ આવવામાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.
પ્રવાહી પદાર્થોનું સેવન ઓછું કરો
રાત્રે ઊંઘતા પહેલા પ્રવાહી પદાર્થોનું સેવન વધુ પડતું ન કરવું. જો તમે આમ કરશો તો રાત્રે તમારે વારંવાર પેશાબ કરવા જવું પડી શકે છે, જે તમારી ગાઢ નિંદ્રામાં વારંવાર ખલેલ પહોંચાડશે. જો તમને તરસ લાગે તો કેવળતરસ છિપાવવા પૂરતું, થોડી માત્રામાં જ પાણી પીવું. આ ઉપરાંત, ઊંઘવાના 1-2 કલાક અગાઉથી જ પ્રવાહી પદાર્થોનું સેવન સદંતર બંધ કરી દેવું જોઇએ.
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
આ પણ વાંચો:ચિયા બીજ ખાતી વખતે સાવધાન થઈ જજો સાવધાન, કારણ જાણી ચોંકી જશો!
આ પણ વાંચો: આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
