Kerala News : કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Thiruvananthapuram Airport)પર 20 ઓક્ટોબરે પાંચ કલાક માટે વિમાન સેવાઓ સ્થગિત રાખવામાં આવશે. જોકે, આ નિર્ણય કોઈ ટેકનિકલ ખામી કે ખરાબ હવામાનને કારણે લેવામાં આવ્યો નથી. શ્રી પદ્મનાભસ્વામી મંદિર (Padmanabhaswamy Temple)ની સદીઓ જૂની ધાર્મિક પરંપરાને માન આપવા માટે એરપોર્ટ પર ફ્લાઇટનું સંચાલન અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવશે. આ દરમિયાન મંદિરની પરંપરાગત અલ્પાસી આરત્તુ શોભાયાત્રા એરપોર્ટના રનવે પરથી પસાર થશે.
Thiruvananthapuram Airport પર 5 કલાક ફ્લાઇટ સેવા બંધ
તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Thiruvananthapuram Airport)નું સંચાલન કરતી કંપનીના જણાવ્યા અનુસાર, 20 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તમામ ફ્લાઇટ કામગીરી સ્થગિત (Airport closed on October 20)રહેશે. આ પાંચ કલાક દરમિયાન વિમાનોનું ટેકઓફ અને લેન્ડિંગ થઈ શકશે નહીં.
આ નિર્ણયના કારણે કેટલીક ફ્લાઇટના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર થઈ શકે છે. તેથી મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં પોતાની સંબંધિત એરલાઇનનો સંપર્ક કરીને ફ્લાઇટનું અપડેટેડ શેડ્યૂલ તપાસવાની સલાહ આપવામાં આવી છે.
શું છે અલ્પાસી આરત્તુની ધાર્મિક પરંપરા?
અલ્પાસી આરત્તુ (Alpassi Arattu)શ્રી પદ્મનાભસ્વામી મંદિર (Padmanabhaswamy Temple)સાથે જોડાયેલી એક વિશેષ ધાર્મિક પરંપરા છે. આ પ્રસંગે ભગવાનની ઉત્સવમૂર્તિઓને પરંપરાગત શોભાયાત્રા દ્વારા શાંગુમુગમ બીચ સુધી લઈ જવામાં આવે છે. ત્યાં ધાર્મિક વિધિ અંતર્ગત મૂર્તિઓને પવિત્ર સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ શોભાયાત્રા ફરી મંદિર તરફ પરત ફરે છે.
આ યાત્રાની સૌથી અનોખી બાબત એ છે કે તેનો પરંપરાગત માર્ગ તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પરથી પસાર થાય છે. આથી ધાર્મિક શોભાયાત્રા સરળતાથી પસાર થઈ શકે તે માટે નિર્ધારિત સમયગાળા દરમિયાન વિમાન સેવાઓ રોકવામાં આવે છે.
1932થી જળવાઈ છે પરંપરા
તિરુવનંતપુરમ એરપોર્ટ (Thiruvananthapuram Airport)ની સ્થાપના 1932માં થઈ હતી. આ એરપોર્ટ સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાનાં મૂળ ત્રાવણકોરના રાજવી શાસનકાળ સુધી પહોંચે છે. ઐતિહાસિક વર્ણનો અનુસાર, તત્કાલીન રાજા શ્રી ચિત્રા તિરુનાલના સમયથી ભગવાન પદ્મનાભની આરત્તુ શોભાયાત્રા માટે એરપોર્ટનો માર્ગ ખુલ્લો રાખવાની પરંપરા જળવાઈ છે.
આ ધાર્મિક શોભાયાત્રા વર્ષમાં બે વખત યોજાતી હોવાનું જણાવવામાં આવે છે. આ પ્રસંગે એરપોર્ટના સમયપત્રકમાં ફેરફાર કરીને પરંપરાનું પાલન કરવામાં આવે છે. આધુનિક હવાઈ પરિવહન અને વર્ષો જૂની ધાર્મિક આસ્થાનો આવો સમન્વય તિરુવનંતપુરમ એરપોર્ટને વિશેષ બનાવે છે.
