Chhota Udepur News : છોટાઉદેપુરના તુરખેડામાં થોડા દિવસ પહેલા એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા ખરાબ રસ્તાના કારણે 108 ગામ સુધી પહોંચી શકી ન હતી. જેના કારણે પ્રસૂતાને 3 કિમી સુધી ઝોળીમાં ઊંચકીને 108 સુધી પહોંચાડવી પડી હતી. આવી જ વધુ એક ઘટના નસવાડીના ખેંદા ગામે બનવા પામી છે. જ્યાં રસ્તાના અભાવે 108 પહોંચી ન શકતા પ્રસૂતા મહિલાને ઘરે જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. પ્રસૂતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકીની તબિયત બગડતાં રાજપીપળા હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી.છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા નસવાડી તાલુકાના ખેંદા ગામે આજે સવારે એક પ્રસૂતા મહિલા સવિતાબેન સુનિલભાઈ ભીલને પ્રસૂતિની પીડા ઉપડી હતી.
સવિતાબેન સુનિલભાઈ ભીલને સવારે 7 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડતાં 108ને ફોન કરતા 108 ખેંદાથી ત્રણેક કિલોમીટર દૂર વાડિયા સુધી પહોંચી હતી, પરંતુ રસ્તાના ઠેકાણા ન હોવાથી ખેંદા સુધી પહોંચી ન હતી. જેને લઇને પરિવારજનો ખાનગી વાહનની શોધમાં લાગી ગયા હતા. દરમિયાન સવિતાબેનને લગભગ 11થી 12 વાગ્યાના અરસામાં પ્રસૂતિ થઈ ગઈ હતી અને ગામમાં જે ખાનગી વાહન હતું તે નસવાડી ગયું હતું. લગભગ 12 વાગ્યાના અરસામાં વાડિયા આવતા 108ના ઇ.એમ.ટી.હિતેશ ડામોર ખાનગી વાહનમાં બેસીને ખેંદા સુધી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાને પ્રસૂતિ થઈ ગઈ હતી.108ના ઇ.એમ ટી.હિતેશ ડામોર ખાનગી વાહનમાં સવિતાબેન ભીલને બાળકી સાથે વાડિયા સુધી લઈ આવ્યા હતા અને ત્યાંથી 108માં દુગ્ધા રેફરલ હોસ્પિટલ સુધી લઈ આવ્યા હતા. જ્યાં નવજાત બાળકીની તબિયત બગડતાં બાળકીને રિફર કરવાનું જણાવતા પરિવારજનો બાળકીને વધુ સારવાર માટે માતા સવિતાબેન ભીલને સાથે રાખીને રાજપીપળા લઈ ગયા હતા.
સરકાર દ્વારા વિકાસના મોટા મોટા દાવા છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પોકળ સાબિત થઈ રહ્યા છે અને રસ્તાના અભાવે જિલ્લાની જનતા ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે.થોડા દિવસ અગાઉ તુરખેડા ગામના માનુક્લા ફળિયાની વધુ એક પ્રસૂતા મહિલા રમીલા જુવાનસિંગ રાઠવાને પ્રસૂતિની પીડા ઉપડતાં તેમને કાપડની ઝોળી બનાવીને ઉચકીને ત્રણ કિલોમીટર દૂર આંબા ડુંગર લઈ જવાઇ હતી અને ત્યાંથી 108માં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાઇ હતી. ત્યાં રાત્રે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, છોટા ઉદેપુર જિલ્લામાં રસ્તાના અભાવે છેલ્લા એક મહિનામાં પ્રસૂતા મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે. એક તરફ સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરે છે અને બીજી બાજુ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રસ્તાના અભાવે સરકારની 108 પહોંચી શકતી નથી.
જેને લઇને બીમાર વ્યક્તિઓ અને ખાસ કરીને પ્રસૂતા મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ગત 1 ઓકટોબરના રોજ કવિતાબેન ભીલ નામની મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા ઝોળીમાં નાખીને ઉંચકીને પાંચ કિલોમીટર દૂર લઈ જતી વખતે રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ હતી. બાળકીને જન્મ આપ્યા બાદ કવિતાબેનનું મોત નિપજ્યું હતું. જેના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પી.આઇ.એલ.દાખલ કરી હતી અને સરકારને રિપોર્ટ રજૂ કરવા નોટિસ ફટકારી હતી.ત્યારબાદ તંત્ર એકશનમાં આવ્યું હતું અને તુરખેડાના ત્રણ ફળીયામાં 9 કિલોમીટરનો રસ્તો રૂ.18.50 કરોડના ખર્ચે બનાવવાનું મંજૂર કર્યું હતું. પરંતુ બાકીના ત્રણ ફળિયા મનુકલા ફળિયા, ખૈડી ફળિયા અને બુડની ફળિયામાં હજુ રસ્તો મંજૂર કરવામાં આવ્યો નથી અને ત્યાં પણ રસ્તાના અભાવે ખૂબ જ કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે.3 ઓક્ટોબરે હાઈકોર્ટમાં જજ બિરેન વૈષ્ણવ અને નિશા ઠાકોરની બેન્ચ દ્વારા ગત 2 ઓક્ટોબરના રોજ દિવ્ય ભાસ્કર અને ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલને આધારે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી.
જજ બિરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું હતું કે તેમનું માથું આ સમાચાર વાંચીને શરમથી ઝૂકી ગયું છે. આદિજાતિના જિલ્લા છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઊપડતાં તેને ઝોળીમાં નાખીને પરિવારના લોકો ચાલતા 5 કિમી દૂર લઈ જતા હતા, જ્યાં 108 એમ્બ્યુલન્સ આવવાની હતી. ત્યાંથી 108 મહિલાને પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ જવાની હતી, જે 25 કિમી દૂર હતું, પરંતુ રસ્તામાં જ મહિલાને પ્રસૂતિ થઇ ગઈ, તેણે દીકરીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી. આ તેની છેલ્લી યાત્રા બની રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર: HCએ રાજ્યના ચીફ સેક્રેટરી પાસે ખુલાસો માગ્યો હતો.
આ પણ વાંચો: ગાંધીનગરમાં કાયદાના ડ્રાફ્ટિંગના તાલીમ વર્ગ યોજાશે
આ પણ વાંચો: ગાંધીનગરમાં BNSના નવા કાયદા હેઠળ નોંધાઇ ફરિયાદ
આ પણ વાંચો: ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બે દિવસમાં ફરીથી મળી ધમકી
