અમદાવાદ,
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું ગામ હડિયોલની ઓળખ છે શિક્ષકોવાળું ગામ. આ ગામમાં તમે કોઈ પણ ઘરે જશો તો તમને એક શિક્ષક જ અવશ્ય મળશે. આ ગામની વસ્તી કુલ 6000 છે જેમના હજાર લોકો તો અધ્યાપક છે. 790 વ્યક્તિ અત્યારે પણ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે જયારે બાકીના 200 શિક્ષક રીટાયર થઇ ગયા છે. આખા ગુજરાતમાં એવો કોઈ જિલ્લો બાકી નથી કે જેમાં હડિયોલ ગામના શિક્ષક ભણાવતા ન હોય.

સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજય પટેલ એ જણાવ્યું હતું કે આ ગામની ઓળખનો પાયો વર્ષ 1955માં પડ્યો હતો.
સૌપ્રથમ ગામના 3 વ્યક્તિએ જ શિક્ષક તરીકે નોકરી ચાલુ કરી હતી. આ સમય દરમ્યાન ત્યાંનું દંપતી ગીવીંદભાઈ રાવલ અને સુમતિ બહેને વિશ્વ મંગલ સંસ્થા દ્વારા શિક્ષણનું મહત્વ સમજવાનો પ્રયાસ શરુ કર્યો હતો અને બસ તે સમયથી આ સિલસિલો ચાલુ જ રહ્યો છે અને આજ સુધી કાયમ છે.
વર્ષ 1959માં આ રાવલ દંપતીએ ગામમાં પહેલી શાળા ખોલી. તમને જાણીને નવાઈ લાગશે કે આ શાળા તેમણે એક મંદિરમાં ખોલી હતી. ત્યારબાદ શિક્ષા માટે ‘ વિશ્વ્ મંગલમ અનેરા ‘ નામની સંસ્થા બનાવી. આ સંસ્થા હેઠળ અત્યાર સુધીમાં 5000 દીકરીઓ ભણી ચુકી છે. હડિયોલ ગામની આ આગવી ઓળખથી પ્રેરાઈને આજુબાજુના ગામડા એટલે કે ગઠોડા, આકોદરા અને પુરાલ ગામમાં પણ શિક્ષકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
આ ગામના એક રીટાયર શિક્ષક શંકરભાઇ પટેલ જણાવે છે કે જો ગામમાં કોઈનો પણ લગ્ન સંબંધ નક્કી થાય તે પહેલા જોવામાં આવે છે કે સામે રહેલું પાત્ર શિક્ષક છે કે નહીં. એટલું જ નહીં પણ ગામના લોકો તેમની દીકરીઓના વિવાહ કોઈ શિક્ષક સાથે જ થાય તે વાત ને વધારે મહત્વ આપે છે.
