America News: અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે જે સૈનિકને યુદ્ધ સ્મારક પાસે શાંતિ જાળવવા માટે ઠપકો આપ્યો હતો, એ જ સૈનિકને હવે પોતાના હાથે મેડલ આપીને સન્માનિત કર્યો છે. સૈનિક થોમસ ઇગ્લેસિયસે (Thomas Iglesias Medal) 11 નવેમ્બરે વેટરન્સ ડેના કાર્યક્રમ દરમિયાન હેગસેથ અને તેમની ટીમને શાંતિ જાળવવા સૂચના આપી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સૈનિકના વર્તનની પ્રશંસા થઈ હતી.
ગુરુવારે પેન્ટાગોન ખાતે યોજાયેલા સમારોહમાં હેગસેથે ઇગ્લેસિયસને ‘જોઇન્ટ સર્વિસ કોમેન્ડેશન મેડલ’ એનાયત કર્યો હતો. આ સન્માનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં હેગસેથે લખ્યું હતું કે, તેઓ પોતાના સૈનિકો, શિસ્ત (US Military Discipline) અને નક્કી કરાયેલા ધોરણો પર ગર્વ અનુભવે છે.
Thomas Iglesias Medal: યુદ્ધ સ્મારક પાસે હસતા લોકોને સૈનિકે ટોક્યા
11 નવેમ્બરે વાર્ષિક વેટરન્સ ડે (Veterans Day) નિમિત્તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને રક્ષા મંત્રી પીટ હેગસેથ આર્લિંગ્ટન નેશનલ કબ્રસ્તાન (Arlington National Cemetery) પહોંચ્યા હતા. અહીં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ બાદ હેગસેથ તેમની પત્ની જૅનિફર અને ત્રણ સલાહકારો સાથે ‘ટોમ્બ ઑફ ધ અનનોન સોલ્જર’ પાસે તસવીરો પડાવી રહ્યા હતા. આ દરમિયાન જૂથના કેટલાક લોકો વાતો કરી રહ્યા હતા અને હસવાનો અવાજ સંભળાયો હતો.
ત્યાં ફરજ પર તૈનાત સૈનિક થોમસ ઇગ્લેસિયસે તરત જ તેમને ટોક્યા હતા. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે દરેક વ્યક્તિએ દરેક સમયે શાંતિ અને સન્માન જાળવવું જોઈએ. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.
પેન્ટાગોને પણ સૈનિકના વર્તનને યોગ્ય ગણાવ્યું
વીડિયો સામે આવ્યા બાદ પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે સૈનિકનું સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સૈનિકે યોગ્ય અને સન્માનજનક રીતે લોકોને સ્મારક પાસે શાંતિ જાળવવાની યાદ અપાવી હતી.
શું છે ટોમ્બ ઑફ ધ અનનોન સોલ્જર?
અમેરિકાનું ‘ટોમ્બ ઑફ ધ અનનોન સોલ્જર’ દેશનાં પ્રતિષ્ઠિત યુદ્ધ સ્મારકોમાંનું એક છે. અહીં એવા સૈનિકોને દફનાવવામાં આવ્યા છે, જેમનાં યુદ્ધમાં મૃત્યુ બાદ ઓળખ થઈ શકી નહોતી. તેમાં પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ અને કોરિયન યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોનો સમાવેશ થાય છે.
આ સ્મારકની સુરક્ષા અમેરિકન સેનાની ત્રીજી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ કરે છે, જેને ‘ધ ઓલ્ડ ગાર્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1948થી અહીં દિવસ-રાત સૈનિકો પહેરો આપે છે. તેમની જવાબદારી સ્મારકની સુરક્ષા ઉપરાંત મુલાકાતીઓ શાંતિ અને સન્માન જાળવે તે સુનિશ્ચિત કરવાની પણ છે. તેથી સ્મારકની નજીક ઊંચા અવાજે વાત કરવી કે હસવું યોગ્ય માનવામાં આવતું નથી.
આ પણ વાંચો: અદાણીના હાથ લાગ્યો ચિલીનો ‘કોપર ખજાનો’, અમેરિકા-ચીનની વધશે ચિંતા!
આ પણ વાંચો: અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખુશખબર! SBIએ ટેક્સાસમાં ખોલી નવી બ્રાન્ચ
આ પણ વાંચો: ઓમાનના અખાતમાં અમેરિકાનો મોટો હુમલો: નાકાબંધી તોડતા કાર્ગો જહાજ પર બોમ્બમારો
