Not Set/ આજ સુધી આપણને “ધન” માટે હવા હતી અને આજે હવા માટે ધન ચૂકવવું પડે છે!

સાચવજો, સંભાળજો. “મને તમારી તંદુરસ્તીની ખેવના છે !”ના હોંકારામાં મારા મન, હ્રદય ને આત્માનો બુલંદ “ખોંખારો” છે. મારી ભાવસભર વાણી જ મારો ચહેરો, મારી આંખો !

Trending
nilesh dholakiya આજ સુધી આપણને "ધન" માટે હવા હતી અને આજે હવા માટે ધન ચૂકવવું પડે છે!

સાચવજો, સંભાળજો. “મને તમારી તંદુરસ્તીની ખેવના છે !”ના હોંકારામાં મારા મન, હ્રદય ને આત્માનો બુલંદ “ખોંખારો” છે. મારી ભાવસભર વાણી જ મારો ચહેરો, મારી આંખો ! સ્મિતાળ, સ્નેહાળ હેતાળ, પ્રેમાળ વાણી દ્વારા પ્રવર્તમાન, કપરા કોરોનાકાળમાં પોતીકાને કહેતા રહેજો કે, ચિંતા ન કરો, હું છું ને તમારી સાથે ! મેં તો સાચે જ આ હ્રદયથી અનુભવ્યું છે. કોઈ માટે દિલથી પ્રાર્થના તથા પ્રેમસભર લાગણી મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારાના માધ્યમે સર્વશક્તિમાન સુધી પહોંચવાની એકમાત્ર કેડી છે. આશય વગર, હેતુ વગર, પ્રતિભાવની આશા વગર અણનમ સાથ આપવાની પ્રતિબદ્ધતા જ તો કાળજીની કમાલ કહેવાય ! શ્વાસની માફક પોતીકાનો પ્યાર જેમ હંમેશા સાથે હોય તેમ, હૂંફ, સ્પર્શ તથા શુભેચ્છાનું સ્વેટર બને એવા સુવિચારની સેવા અદ્ભૂત તેમજ અલૌકિક હોય છે – જેનું વર્ણન ન થાય બલ્કે અનુભૂતિ જ શક્ય છે.

વાત સદગુણોની છે. સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, ત્યાગ જેવા સિદ્ધાંતો સાથે આત્મશુદ્ધિ તથા એક્તા સહ વિશ્વબંધુત્વનો સંદેશ આપીએ. અત્યારના સમયે સતત સંપર્કમાં રહી પરસ્પર સધિયારો વ્હેંચતા શીખીએ. સંકોચ વિના પોતાની મુશ્કેલીઓ અને જરૂરિયાતો અન્યોને કહો, બનતી મદદ મેળવો અથવા સહાય કરો. દવા સાથે દુઆના દ્રાવણનું મિશ્રણ ચમત્કાર સર્જી શકે છે. દરરોજ થોડી પળો હસો અને પરિવારને ય હસાવો. સમજ્યા વિનાની અર્થહીન કે અતાર્કીક અફવાઓનું ખંડન કરી આત્મબળ સુધારતી વાતો વહાવીએ. રઘવાયા થયેલા સ્વજનો, આપ્તજનો, પ્રજાજનોને નવશક્તિની ઊર્જા પ્રજ્જવલિત થાય તેવી માણસાઈની મહેંક પ્રસરાવવાના ઉમદા તથા જોશીલા, વિચારવંત કાર્યોને જ અગ્રિમતા આપવી. માનસિક્તા જ્યાં – જેમની નબળી પડતી જણાય ત્યાં – તેમને પ્રોત્સાહક પ્રસંગો સંભળાવીને જલ્દી સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવા વાણી, વર્તન, વ્યવ્હારનું સર્જન કરીએ. કોઈ ફેંકવામાં, કોઈ ટોકવામાં ને કોઈ વિરોધમાં હોશિયાર ભલે હોય – ચાલો, આપણે ઓમીક્રોન રોકવામાં ને માણસાઈ મહેંકાવવાના નિમિત્ત બનવાનો નમ્ર પ્રયાસ કરીએ !

કોઈ કારણોસર મરનાર મજબૂર હોઈ શકે પણ જીવનાર ને જીવાડનાર મજબૂત જ હોય છે. ભૂંડો ભૂંડાઈ ન મૂકે તેમ ભલો ભલાઈ પણ ન જ ભૂલે. હાલમાં શારીરિક રોગનું મુખ્ય કારણ માનસિક હોવાનું વધુ સંભવ છે. આજ સુધી આપણને “ધન” માટે હવા હતી અને આજે હવા (પ્રાણવાયુ = ઓક્સિજન) માટે ધન ચૂકવવું પડે છે ! આજની જાગતિક વિપદામાં ગજબના સંયમ અને ધોધમાર ધૈર્યની આવશ્યક્તાની તાતી જરૂરિયાત છે. એ માટે આપણાં સહુમાં ખભેખભો મિલાવવાની સમજ, સંવેદના, સમર્પિતતા હોવી ઘટે. આત્મિયતા ચાહનારે બીજા માટે પણ આત્મિયતા અવશ્ય પીરસવી. સ્વજન ઈચ્છો છો તો સ્વજન પણ બનો ! દંભી નહીં પણ દાખલો બનીએ. રાષ્ટ્ર/સમાજ ઉપર આફત આવે ત્યારે, કોઈની ય ભૂલ, દોષ, ટીકા કે અવહેલના કરવાને બદલે સાયુજ્ય સજ્જ સમાજ ઘડતર કાજે આપણે આપણો નાગરિક ધર્મ નિભાવીએ. આ રાષ્ટ્રસેવા જ છે. સૌના સદા તંદુરસ્ત જીવન અને દુન્યવી વ્યવહારોના સુચારુ સંચાલનની મનોકામના અર્થે વંદન, સ્પંદન, અભિનંદન !!