Gujarat News Breaking/ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: અનેક જિલ્લાઓમાં ઓરેન્જ-યલો એલર્ટ, હાઈવે ધોવાયો, ડેમ ઓવરફ્લો

ગુજરાતમાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ! આગામી ત્રણ કલાક માટે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર. સુરતમાં કોઝવે બંધ, જૂનાગઢમાં હાઈવે ધોવાયો, ઓઝત ડેમ ઓવરફ્લો અને રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Torrential rain in Gujarat

Gujarat News: ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાહેર કરી છે. સાથે જ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી, ક્યાં જિલ્લામાં થશે ધોધમાર વરસાદ (Torrential rain)

Torrential rain in Gujarat

હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, આણંદ, ખેડા, વડોદરા, ડાંગ, વલસાડ અને દમણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સુરતના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા

સુરત (Surat)માં ભારે વરસાદના કારણે તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધતા રાંદેર-સિંગણપોર કોઝવે પર વીયર કમ ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ હતી. કોઝવે પર પાણીની સપાટી 5.95 ફૂટ સુધી પહોંચતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. રાહદારીઓ અને વાહનચાલકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદને કારણે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી વરસાદી માહોલ

અરવલ્લી જિલ્લામાં મોડીરાતથી વરસાદી માહોલ જામ્યો હતો. મોડાસા અને મેઘરજ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકોને સમયસર વરસાદ મળતા ખેતીને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ બનાસકાંઠાના ધાનેરા, દિયોદર, ભાભર, લાખણી અને વાવ-થરાદ વિસ્તારમાં પણ સીઝનનો પ્રથમ નોંધપાત્ર વરસાદ પડતા ખેડૂતોમાં રાહતનો માહોલ છે.

મોડાસા-રેલ્લાવાડા રોડ પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેલ્લાવાડા પેટ્રોલ પંપ નજીક માર્ગ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોએ વારંવાર સર્જાતી સમસ્યા અંગે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. મેઘરજ વિસ્તારમાં અંદાજે એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. કડી અને જોટાણા તાલુકામાં ચાર-ચાર ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સતલાસણા અને ઊંઝામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ખેરાલુ, બેચરાજી, વિજાપુર, મહેસાણા, વિસનગર અને વડનગરમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો.

સૌરાષ્ટ્રમાં નદી અને ડેમ છલકાયા

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે નોળી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સોમનાથ-પોરબંદર હાઈવે પર આશરે 40 ફૂટ જેટલો રસ્તો ધસી પડતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે. પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા ગોઠવીને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

જૂનાગઢ (Junagadh)નો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતાં ડેમના 12 દરવાજા ખોલી 2700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે કણઝા, વંથલી સહિત નીચાણવાળા છ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં સતત વરસાદને કારણે અડધો ડઝનથી વધુ ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. છેલ્લા બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં 18 ઇંચ સુધી વરસાદ પડતા જળસંકટમાં નોંધપાત્ર રાહત મળી છે. હાલમાં 27 ડેમોમાં સરેરાશ 25 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લેતા પૂરનું સંકટ ટળી ગયું છે. નદીઓની જળસપાટીમાં ઘટાડો નોંધાતા સ્થિતિ સામાન્ય બની રહી છે. જ્યારે વડોદરામાં 20 કરોડ રૂપિયાના ગટર પ્રોજેક્ટ પર સવાલો ઊભા થયા છે. પાંજરાપોળથી ખોડીયારનગર સુધી ચાલી રહેલી નવી ગટર કામગીરી પૂર્ણ થાય તે પહેલાં જ ગટરમાં પાણી ભરાઈ જતાં અને ગંદુ પાણી બહાર આવતાં સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.

 

 


આ પણ વાંચો :રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

આ પણ વાંચો :રાજ્યના 225 તાલુકામાં વરસાદ, જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22.24 ઈંચ વરસાદ

આ પણ વાંચો :હવામાન વિભાગની મોટી આગાહી: રાજ્યમાં 7 દિવસ વરસાદનો કહેર