Government Launch CNAP System India: ભારતમાં વધતા જતા ટેલિફોન ફ્રોડ અને ફેક કોલ્સ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર અને ટ્રાઈ (TRAI) એ કમર કસી છે. ટૂંક સમયમાં જ તમારા મોબાઈલની સ્ક્રીન પર કોલ કરનારનું એ જ નામ દેખાશે જે તેના આધાર કાર્ડ કે સત્તાવાર KYC દસ્તાવેજમાં હશે. આ નવી વ્યવસ્થાને ‘કોલિંગ નેમ પ્રેઝન્ટેશન’ (CNAP) નામ આપવામાં આવ્યું છે અને તેનું ટેસ્ટિંગ હવે અંતિમ તબક્કામાં છે.
શું છે આ CNAP સિસ્ટમ?
અત્યાર સુધી આપણે અજાણ્યા નંબરની ઓળખ માટે ‘Truecaller’ જેવી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતા હતા. પરંતુ આ એપ્સ હંમેશા સાચી માહિતી નથી આપતી કારણ કે તે યુઝર્સના ડેટા પર આધારિત હોય છે. જ્યારે નવી ‘CNAP’ સિસ્ટમ ટેલિકોમ કંપનીઓના સત્તાવાર KYC ડેટા પર કામ કરશે. એટલે કે, જે વ્યક્તિએ સિમ કાર્ડ લેતી વખતે જે સાચું નામ નોંધાવ્યું હશે, તે જ નામ કોલ આવતી વખતે તમારી સ્ક્રીન પર ફ્લેશ થશે.

31 માર્ચ, 2026 સુધીમાં આખા દેશમાં લાગુ થશે
ભારત સરકારે તમામ ટેલિકોમ ઓપરેટર્સને 31 માર્ચ, 2026 સુધીમાં આ સેવા ફરજિયાતપણે શરૂ કરવાના આદેશ આપ્યા છે. જેના પગલે Jio, Airtel અને Vi જેવી ખાનગી કંપનીઓએ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં પોતાના સફળ ટ્રાયલ્સ પૂર્ણ કરી લીધા છે. બીજી તરફ, સરકારી ટેલિકોમ કંપની BSNL પણ આગામી 3 થી 4 મહિનામાં આ સેવા પૂર્ણપણે શરૂ કરવાની તૈયારીમાં છે.
તમારા ફોન પર આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
જો કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે અને મોબાઈલમાં નંબર સેવ ન હોય, તો તેનું ઓફિશિયલ (આધાર કાર્ડ મુજબનું) નામ સ્ક્રીન પર દેખાશે. પરંતુ જો કોઈ નંબર ‘હુલામણા નામ’ થી સેવ કર્યો હશે, તો કોલ આવતી વખતે પહેલા થોડી સેકન્ડ માટે ઓફિશિયલ નામ દેખાશે અને પછી સેવ કરેલું નામ જોવા મળશે. આ નવી સુવિધા શરૂઆતમાં માત્ર 4G અને 5G નેટવર્ક પર જ ઉપલબ્ધ થશે.
પ્રાઇવસીનું પણ રખાશે ધ્યાન
આ વ્યવસ્થા મોબાઈલ કંપનીઓ માટે ફરજિયાત હશે અને તે ‘બાય ડિફોલ્ટ’ એક્ટિવ રહેશે. જોકે, જો કોઈ યુઝર એવું ઈચ્છતા હોય કે તેમનું નામ બીજાને ન દેખાય, તો સરકાર તેમને આ સુવિધા બંધ (Opt-out) કરવાનો વિકલ્પ પણ આપશે.
ફ્રોડ અને સ્પામ કોલ્સ પર લાગામ
આ નવી સિસ્ટમ આવવાથી બેન્ક ફ્રોડ, ફેક લકી ડ્રો કોલ્સ અને અજાણ્યા નંબરથી થતી હેરાનગતિમાં મોટો ઘટાડો આવશે. હવે કોઈ પણ વ્યક્તિ ખોટી ઓળખ આપીને તમને છેતરી શકશે નહીં.
