Washington News:વિશ્વ રાજનીતિમાં હલચલ મચાવનાર એક મહત્વપૂર્ણ બેઠક સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે યોજાઈ. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી તેમજ યુરોપિયન દેશોના અગ્રણી નેતાઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી. ગયા અઠવાડિયે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકને લઈને સ્પષ્ટ સંકેત મળ્યો છે કે ફેબ્રુઆરી 2022 થી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે હવે કઈંક નિર્ણાયક દિશામાં આગળ વધવાની શક્યતા છે.

ટ્રમ્પે ફરી કર્યો ભારત-પાકિસ્તાનનો ઉલ્લેખ
ઝેલેન્સ્કી સાથેની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “યુદ્ધ સમાપ્ત થવાનું છે. મને ખબર નથી કે ક્યારે થશે પરંતુ યુદ્ધનો અંત આવવાનો છે. આ યુદ્ધ પુતિન અને ઝેલેન્સ્કી બંને સમાપ્ત કરવા માંગે છે. આખી દુનિયા આ યુદ્ધથી કંટાળી ગઈ છે.” ટ્રમ્પે આગળ કહ્યું કે, “મેં અત્યાર સુધી છ મોટા યુદ્ધો સમાપ્ત કર્યા છે, જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ પણ શામેલ છે. મેં વિચાર્યું હતું કે કદાચ યુક્રેન યુદ્ધનો અંત લાવવો સૌથી સરળ હશે, પરંતુ એવું નથી.”
ટ્રમ્પના આ નિવેદનથી વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ છે. તેમણે પોતાના ભાષણમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધો સાથે આફ્રિકાના દેશો રવાન્ડા અને કોંગોમાં ચાલી રહેલા લાંબા યુદ્ધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, “અમે છ યુદ્ધો સમાપ્ત કર્યા છે અને ઈરાનની ભાવિ પરમાણુ ક્ષમતાને પણ પૂરેપૂરી રીતે ખતમ કરી છે. મને વિશ્વાસ છે કે યુક્રેન યુદ્ધનો અંત પણ જલ્દી આવશે.”

યુરોપિયન નેતાઓ સાથે વિશાળ બેઠક
વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ઝેલેન્સ્કી સાથે સાથે અનેક યુરોપિયન નેતાઓ હાજર રહ્યા. તેમાં યુરોપિયન કમિશનની પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ઇટાલીની વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ તથા નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં મુખ્યત્વે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાની બાબતો પર ચર્ચા થઈ. અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ શાંતિ કરારમાં અમેરિકા સક્રિય ભાગ ભજવશે અને યુક્રેનને નાટો જેવી સુરક્ષા ગેરંટી આપવામાં આવશે.
ઝેલેન્સ્કીનો દૃઢ વલણ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે શાંતિ માત્ર સમયસર ન હોવી જોઈએ પરંતુ કાયમી હોવી જોઈએ. તેમણે કહ્યું, “આઠ વર્ષ પહેલાં રશિયાએ ક્રિમિયા અને પૂર્વીય યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં કબજો કર્યો હતો અને તેને નવા હુમલાના પ્લેટફોર્મ તરીકે વાપર્યો હતો. તેથી આ વખતે શાંતિ એવી હોવી જોઈએ કે ભવિષ્યમાં ફરીથી યુદ્ધની શક્યતા ન રહે.”
ઝેલેન્સ્કીએ વોશિંગ્ટનમાં પહોંચ્યા બાદ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આપણે બધા જ એકસરખી રીતે યુદ્ધનો અંત લાવવા માંગીએ છીએ, પરંતુ શાંતિ કાયમી હોવી જોઈએ. અમેરિકા અને યુરોપિયન દેશો સાથે મળીને જ યુક્રેન પર દબાણ કરી શકાય છે કે તે રશિયાને સાચી શાંતિ સ્વીકારવા માટે મજબૂર કરે.”

ટ્રમ્પનો ઝેલેન્સ્કી પર દબાણ
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ઇચ્છે તો રશિયા સાથેનો યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થઈ શકે છે, અથવા તેઓ લડાઈ ચાલુ રાખી શકે છે.” આ નિવેદનને ઝેલેન્સ્કી પર દબાણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
જવાબમાં ઝેલેન્સ્કીએ લખ્યું, “આપણા બધાની ઇચ્છા એ છે કે યુદ્ધનો અંત આવે, પરંતુ તે શાંતિ વિશ્વસનીય અને કાયમી હોવી જોઈએ.”
અમેરિકા-યુરોપના સંબંધોની કસોટી
આ બેઠક માત્ર યુક્રેન યુદ્ધને લઈને જ મહત્વપૂર્ણ નથી, પરંતુ અમેરિકાના તેના યુરોપિયન સાથીઓ સાથેના સંબંધોની પણ કસોટી છે. તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસને કેટલાક યુરોપિયન દેશો પર ટેરિફ વધારી દીધા હતા, જેને કારણે તણાવ ઊભો થયો હતો. તેમ છતાં યુરોપિયન દેશો યુક્રેન મુદ્દે અમેરિકા સાથે જોડાયા છે.
યુદ્ધવિરામની આશા
આ બેઠક પછી આંતરરાષ્ટ્રીય સ્તરે આશા ઊભી થઈ છે કે કદાચ રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે કોઈ માર્ગ મળી શકે. ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે આવનારા સમયમાં ત્રિપક્ષીય બેઠક યોજાઈ શકે છે.
ઝેલેન્સ્કીએ પોતાના સંદેશમાં કહ્યું કે “અમેરિકા અને યુરોપ સાથે મળીને, આપણે એક કાયમી અને વિશ્વસનીય શાંતિ સ્થાપિત કરી શકીએ છીએ.”
આ પણ વાંચો:ચીન-રશિયાની જાપાન સમુદ્રમાં ગુપ્ત લશ્કરી કવાયત, પુતિન-શીની યોજના, US સબમરીનનો જવાબ!
આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરતા લોકો માટે ખરાબ સમાચાર!સમાપ્ત થઈ શકે છે OPT પ્રોગ્રામ,નહીં મળે નોકરી
