Usa News : અમેરિકામાં આવનારી મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે અને તાજેતરના સર્વે પરિણામો Donald Trump માટે ચિંતાજનક સંકેત આપી રહ્યા છે. રોઇટર્સ-ઇપ્સોસ, વેરાસાઇટ અને AP-NORC દ્વારા કરવામાં આવેલા પોલ્સ મુજબ ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને 33%થી 36% સુધી આવી ગયું છે, જે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરોમાં ગણાય છે.
અર્થતંત્ર અને મોંઘવારી સૌથી મોટા મુદ્દા
સર્વે મુજબ, લગભગ 70% અમેરિકનો માને છે કે દેશનું અર્થતંત્ર નબળું છે અને United States ખોટી દિશામાં જઈ રહ્યું છે. ટ્રમ્પની આર્થિક નીતિઓને માત્ર 30% લોકોનો સમર્થન મળ્યો છે, જે અગાઉ કરતાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. જીવનનિર્વાહના ખર્ચ અંગે 76% લોકો અસંતોષ વ્યક્ત કરે છે, જ્યારે માત્ર 23% લોકો સરકારની કામગીરીથી સંતોષમાં છે.
ઈમિગ્રેશન નીતિથી રાજકીય નુકસાનની ભીતિ

ટ્રમ્પની કડક ડિપોર્ટેશન પોલિસી હવે તેમની પોતાની પાર્ટી માટે પડકારરૂપ બની રહી છે. 52% મતદારો એવા ઉમેદવારને મત આપવાનું ટાળી રહ્યા છે, જે આ નીતિને સમર્થન આપે છે. ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ મતદારોમાં વિરોધ વધુ જોવા મળે છે. કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનો બાદ વહીવટી કાર્યવાહી પણ ધીમી પડી છે.
વિદેશ નીતિ અને ઈરાન મુદ્દે અસંતોષ
વિદેશ નીતિના મોરચે પણ ટ્રમ્પ(Trump)ને ઝટકો લાગ્યો છે. 67% અમેરિકનો Iran સાથેના સંઘર્ષ મુદ્દે તેમની નીતિને નકારી રહ્યા છે. વધુમાં, 61% લોકો માને છે કે ઈરાન સામે વધુ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર નથી.
સમર્થકોનો બેઝ હજી મજબૂત
આ નકારાત્મક ટ્રેન્ડ વચ્ચે ટ્રમ્પ (Trump)માટે સકારાત્મક પાસું એ છે કે રિપબ્લિકન પાર્ટીના 83% સમર્થકો હજુ પણ તેમની પાછળ મજબૂત રીતે ઊભા છે. વોટર આઈડી અને નાગરિકતાના પુરાવા ફરજિયાત બનાવવાના મુદ્દે પણ 75% લોકો ટ્રમ્પના પક્ષમાં છે.
ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ
આગામી મિડ-ટર્મ ચૂંટણીમાં મતદારો માટે મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:
- અર્થતંત્ર – 29%
- લોકશાહી સામેના જોખમો – 24%
- હેલ્થકેર – 12%
- ગુનાખોરી – 10%
આ રીતે, આર્થિક પડકારો, વિદેશ નીતિ અને ઈમિગ્રેશન જેવા મુદ્દાઓ વચ્ચે ટ્રમ્પ માટે ચૂંટણી પહેલાંની સ્થિતિ વધુ કઠિન બની રહી છે.
