Supreme Court DNA Test Verdict: ભારતીય ન્યાયતંત્રમાં વૈજ્ઞાનિક પુરાવાઓને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે, જો DNA ટેસ્ટ દ્વારા એ સાબિત થઈ જાય કે કોઈ વ્યક્તિ બાળકના જૈવિક (Biological) પિતા નથી, તો તે વ્યક્તિને બાળકના ભરણપોષણ માટે મજબૂર કરી શકાય નહીં.
શું હતો સમગ્ર મામલો?
આ કેસ વર્ષ 2016માં લગ્ન કરનાર એક દંપતીનો હતો. લગ્ન બાદ વિખવાદ થતાં પત્નીએ પોતાના અને બાળકી માટે ભરણપોષણની માંગ કરી હતી. જોકે, પતિએ બાળકની પિતૃત્વતા પર શંકા વ્યક્ત કરી DNA ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. મેજિસ્ટ્રેટની પરવાનગી બાદ થયેલા આ ટેસ્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે તે વ્યક્તિ બાળકીના પિતા નથી.
આ રિપોર્ટના આધારે ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે બાળકીને ભરણપોષણ આપવાનો ઈનકાર કર્યો હતો. આ નિર્ણયને પત્નીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.

Supreme Courtની મહત્વની ટિપ્પણી
સામાન્ય રીતે ભારતીય પુરાવા અધિનિયમ (Evidence Act) મુજબ, લગ્ન દરમિયાન જન્મેલા બાળકને તેના પતિનું જ સંતાન માનવામાં આવે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસમાં સ્પષ્ટ કર્યું છે કે જ્યારે વૈજ્ઞાનિક પુરાવા અને કાયદાકીય ધારણા વચ્ચે ટકરાવ થાય ત્યારે હંમેશા વિજ્ઞાનની જીત થવી જોઈએ. જો DNA રિપોર્ટ સત્તાવાર રીતે સાબિત કરતો હોય કે વ્યક્તિ પિતા નથી, તો તે વાસ્તવિક સત્યને નકારી શકાય નહીં. ખાસ કરીને જ્યારે પતિએ પોતે સંમતિથી ટેસ્ટ કરાવ્યો હોય અને તેના પરિણામને પડકાર્યું ન હોય, ત્યારે તે પુરાવો આખરી ગણાય છે.
બાળકીના ભવિષ્ય માટે કોર્ટની ચિંતા
જોકે, આ કાયદાકીય લડાઈમાં માસૂમ બાળકીનું ભવિષ્ય ન અંધકારાય તે માટે સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. અદાલતે મહિલાની અપીલ ફગાવી દેતા ‘મહિલા અને બાળ વિકાસ વિભાગ’ને આદેશ આપ્યો છે કે તેઓ આ બાળકીની સ્થિતિની તપાસ કરે અને તેના ઉછેર માટે જરૂરી જણાય તો યોગ્ય પગલાં ભરે.
આ ચુકાદો સાબિત કરે છે કે આધુનિક ન્યાય પ્રણાલી હવે પરંપરાગત માન્યતાઓ કરતા વૈજ્ઞાનિક તથ્યોને વધુ પ્રાધાન્ય આપી રહી છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે મહિલાઓની ‘પીરિયડ્સ લીવ’ ની અરજી ફગાવી, જાણો કેમ?
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ આજે યુજીસીના નિયમો વિરુદ્ધ અરજી પર સુનાવણી કરશે
આ પણ વાંચો: બંગાળમાં કાયદો-વ્યવસ્થા પડી ભાંગી, 7 અધિકારીઓને બંધક બનાવાતા સુપ્રીમ કોર્ટ નારાજ; DGP પાસે માંગ્યો જવાબ
