Ahmedabad Fake Ghee Racket: અમદાવાદ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતું વધુ એક મોટું કૌભાંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ઝડપી પાડ્યું છે. નિકોલ વિસ્તારના એક રહેણાંક બંગલામાં કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર ધમધમતા ડુપ્લીકેટ ઘી બનાવવાના યુનિટ પર ત્રાટકીને અધિકારીઓએ આશરે 400 કિલો ભેળસેળિયું ઘી જપ્ત કર્યું છે. વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી આ ‘ઝેર’ તૈયાર કરવામાં આવતું હતું.
Ahmedabad રહેણાંક મકાનમાં ચાલતો હતો ગોરખધંધો
AMCના હેલ્થ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે નિકોલની ચિત્રકૂટ આવાસ યોજના પાસે આવેલા રોયલ બંગ્લોઝના એક મકાનમાં ગેરકાયદે ઉત્પાદન ચાલી રહ્યું છે. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, અહીં કોઈપણ રજીસ્ટ્રેશન કે FSSAI લાયસન્સ વગર જ ‘મંગલમૂર્તિ ગાયનું ઘી’ બ્રાન્ડના નામે પેકિંગ કરીને લોકોને છેતરવામાં આવતા હતા.
પામોલીન તેલ અને ફેટનું ખતરનાક મિશ્રણ
આ એકમમાં ગાયના શુદ્ધ ઘીના નામે વેજીટેબલ ફેટ અને સસ્તા પામોલીન તેલનું મિશ્રણ કરવામાં આવતું હતું. તપાસમાં સામે આવ્યું છે કે પેકિંગ પર કઠવાડાની ‘મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ’ને ઉત્પાદક તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવતા હતા, એટલું જ નહીં પણ જાર પર છાપેલા લાયસન્સ નંબરની મુદત પણ પૂરી થઈ ગઈ હતી. ફૂડ વિભાગે આ કાર્યવાહી દરમિયાન ₹1.60 લાખની કિંમતનું 400 કિલો ઘી, 500 કિલો ખાલી જાર, લેબલો, ગેસ સિલિન્ડર અને મોટા તપેલા સહિતના સાધનો સીઝ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે.

AMCની કડક કાર્યવાહી, નમૂના લેબમાં મોકલાયા
ફૂડ વિભાગની ટીમે ઝડપાયેલા ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે FSSAI અને GPMC એક્ટ હેઠળ કડક પગલાં લેવાશે. હાલ પોલીસ અને કોર્પોરેશન એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ નકલી ઘી શહેરના કયા-કયા વેપારીઓને સપ્લાય કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: AMCની મોટી જાહેરાત: એડવાન્સ ટેક્સ પર 15% સુધી રાહત, 9 એપ્રિલથી સ્કીમ શરૂ
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનો ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 495 સેમ્પલમાંથી 10 પનીર સબ-સ્ટાન્ડર્ડ
આ પણ વાંચો: હોળી પ્રગટાવતી વખતે રસ્તાને નુકસાન ન થાય તે માટે AMCની જાહેર જનતાને અપીલ
