Ahmedabad News/ હોળી પ્રગટાવતી વખતે રસ્તાને નુકસાન ન થાય તે માટે AMCની જાહેર જનતાને અપીલ

હોળીના તહેવાર દરમિયાન રસ્તા વચ્ચે ખાડા ખોદીને અથવા ડામરના રસ્તા પર હોળી પ્રગટાવવાથી શહેરના રસ્તાઓને ભારે નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC ) નાગરિકોને જવાબદારીપૂર્વક હોળી ઉજવવાની અપીલ કરી છે અને રસ્તાને નુકસાન ન થાય તેવા વિકલ્પ સૂચવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
(AMC)

અમદાવાદ (AMC): હોળીના પવિત્ર તહેવારને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ હોળી પ્રગટાવવાની પરંપરામાં થતી કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓ શહેરના રસ્તાઓને ભારે નુકસાન પહોંચાડી રહી છે. સામાન્ય રીતે નાગરિકો રસ્તા વચ્ચે ખાડા ખોદીને અથવા સીધા ડામરના રસ્તા પર હોળી પ્રગટાવે છે, જેના કારણે રસ્તાની સપાટીને મોટું નુકસાન થાય છે. ખાડા પાડવાથી ડામરના ભાગમાં પોલાણ સર્જાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન તેમાં વરસાદનું પાણી ઉતરવાની શક્યતા વધી જાય છે. પરિણામે રસ્તાની નીચેની સરફેસ નબળી પડે છે અને અનેક સ્થળોએ રસ્તા બેસી જવા અથવા તૂટવાની સમસ્યા ઉભી થાય છે.

AMC
AMC

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC )દ્વારા અનુરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ મુદ્દે નાગરિકોને મહત્વપૂર્ણ અનુરોધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ, હોળી રસ્તાની વચ્ચે પ્રગટાવવાને બદલે રસ્તાની એક બાજુ ઇંટો અથવા પેવર બ્લોક ગોઠવી તેના ઉપર રેતી પાથરીને હોળી પ્રગટાવવી જોઈએ. આ રીતે રસ્તાને થતું નુકસાન અટકાવી શકાય અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય.

ઓવરહેડ લાઈનોની નીચે હોળી ન પ્રગટાવવાની સૂચના

આ ઉપરાંત, AMCએ નાગરિકોને ઝાડની નીચે તેમજ ઇલેક્ટ્રિક અને અન્ય કેબલની ઓવરહેડ લાઈનોની નીચે હોળી ન પ્રગટાવવાની સૂચના આપી છે. ઝાડની નીચે હોળી પ્રગટાવવાથી વૃક્ષો અને તેમાં વસતા પક્ષીઓને નુકસાન થવાની શક્યતા રહે છે, જ્યારે ઓવરહેડ લાઈનની નજીક આગ લગાવવાથી વીજળી સંબંધિત અકસ્માતો અને ગંભીર નુકસાન થવાનો ખતરો રહે છે.

નાગરિકોને તેમના વિસ્તારની વોર્ડ ઓફિસનો સંપર્ક કરવો

કોર્પોરેશને નાગરિકોને તેમના વિસ્તારની વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને યોગ્ય સ્થળ અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન લેવા પણ અપીલ કરી છે. હોળીનો તહેવાર આનંદ અને ભાઈચારોનું પ્રતિક છે, પરંતુ સાથે સાથે જાહેર સંપત્તિ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ દરેક નાગરિકની જવાબદારી છે.

AMCએ શહેરવાસીઓને સુરક્ષિત અને જવાબદારીપૂર્ણ રીતે હોળી ઉજવવાની અપીલ કરી છે, જેથી ઉત્સવનો આનંદ પણ રહે અને શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા પર્યાવરણ પણ સુરક્ષિત રહી શકે.


આ પણ વાંચો:લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી

આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે

આ પણ વાંચો:ગુજરાતનો સૌથી મોટો ટેક પ્રોજેક્ટ! ધોલેરામાં ₹25,000 કરોડના ખર્ચે સ્થપાશે દેશનું સૌથી મોટું ‘ગ્રીન AI ડેટા સેન્ટર’