Business News : Indusind Bank ના સ્ટોકમાં કડાકો બોલી જતા RBI એ મોટુ નિવેદન આપ્યું છે. જેને કારણે રોકાણકારોની ચિંતા કંઈક અંશે દૂર થઈ છે. ઈન્ડસઈન્ડ બેન્કે પોતાના ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં ગરબડના કારણે હિસાબમાં ગોટાળાની જાહેરાત થતાં જ બેન્કના શેરમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. તેના રોકાણકારો પણ ભયભીત બન્યા છે. જો કે, આરબીઆઈએ ગઈકાલે ઈન્ડસઈન્ડ બેન્કની નાણાકીય સ્થિતિ મુદ્દે સ્પષ્ટતા કરતાં આવતીકાલે નવા સપ્તાહે બેન્કના શેરમાં સુધારો જોવા મળી શકે છે.
આરબીઆઈએ નોટિફેશન જાહેર કરી સ્પષ્ટતા આપી હતી કે, આ બેન્કની નાણાકીય સ્થિતિ સ્થિર છે અને પર્યાપ્ત મૂડી ધરાવે છે. બેન્કનો 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂર્ણ થતાં ત્રિમાસિકમાં 16.46 ટકા કેપિટલ એડેકવન્સી રેશિયો અને 70.20 ટકાનો પ્રોવિઝન કવરેજ રેશિયો ધરાવે છે. તેમજ 9 માર્ચ, 2025 સુધી તેનો લિક્વિડિટી કવરેજ રેશિયો 113 ટકા હતો, જે 100 ટકાની રેગ્યુલેટરી જરૂરિયાત કરતાં વધુ છે.
આરબીઆઈએ ઈન્ડસઈન્ડ બેન્ક સંબંધિત આ માહિતી રજૂ કરતાં ગ્રાહકોને અપીલ કરી છે કે, તેઓ બેન્ક મુદ્દે કોઈપણ પ્રકારની અટકળો પર ધ્યાન ન આપે. ઈન્ડસઈન્ડ બેન્કની નાણાકીય સ્થિતિ મજબૂત છે. તે સતત રેગ્યુલેટરની નજરમાં છે.
ઈન્ડસઈન્ડ બેન્કનો શેર છેલ્લા ચાર દિવસમાં 26 ટકા તૂટ્યો છે. માર્ચમાં અત્યારસુધી બેન્કનો શેર 32.15 ટકા તૂટ્યો છે. તેના હિસાબમાં ગોટાળાની જાહેરાત થતાં જ શેર 25 ટકા સુધી તૂટ્યો હતો. 10 માર્ચે 909.25ના સ્તરે ખૂલ્યા બાદ 13 માર્ચે 672.65 પર બંધ રહ્યો હતો. જેના લીધે રોકાણકારોને ચાર દિવસમાં જ 18489.8 કરોડ ડૂબ્યા છે.
ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં મંદીની શરૂઆત બેન્કના સીઈઓનો કાર્યકાળ માત્ર એક વર્ષ સુધી લંબાવવાના નિર્ણયથી થઈ હતી. આરબીઆઈએ બેન્કના સીઈઓનો કાર્યકાળ ત્રણ વર્ષના બદલે એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. જેથી બેન્કનું મેનેજમેન્ટ ખુશ ન હતું. ત્યારબાદ તમામ બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ ઘટાડવાનો શરૂ કરતાં શેરમાં ઘટાડો શરૂ થયો હતો.
આ પણ વાંચો: ક્રિપ્ટો વેચાણમાં વધારો થવાથી બિટકોઈન તેની સર્વકાલીન ઊંચાઈથી 25% ઘટ્યો
આ પણ વાંચો: દુબઈની કંપનીમાંથી $1.5 બિલિયન મૂલ્યના ક્રિપ્ટો ચોરી, FBI એ ઉત્તર કોરિયા સમર્થિત હેકર્સ પર આરોપ લગાવ્યો
આ પણ વાંચો: ક્રિપ્ટો માર્કેટમાં થયો ઘટાડો, બિટકોઈનનો ભાવ ઘટીને $95,700 થયો