World News: ઇઝરાયેલ(Israel)માં બે બ્રિટિશ સાંસદો(British MPs)ની અટકાયત કરવામાં આવી છે. બ્રિટન(Britain)ના વિદેશ સચિવ ડેવિડ લેમીએ શનિવારે કહ્યું હતું કે ઇઝરાયલ દ્વારા બે બ્રિટિશ સાંસદોની અટકાયત અને તેમને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ ‘અસ્વીકાર્ય’ અને ‘ગંભીર ચિંતાનો વિષય’ છે.બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, શાસક લેબર પાર્ટીના સાંસદો યુઆન યાંગ અને અબ્તિસામ મોહમ્મદ લંડનથી ઈઝરાયલ જવા રવાના થયા હતા, પરંતુ ઈઝરાયલી સત્તાવાળાઓએ તેમને પ્રવેશતા અટકાવ્યા હતા અને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
‘અસ્વીકાર્ય અને ચિંતાજનક’

એક સત્તાવાર નિવેદનમાં, લેમીએ કહ્યું: ‘તે અસ્વીકાર્ય, પ્રતિકૂળ અને ઊંડી ચિંતાનો વિષય છે કે ઇઝરાયેલી સત્તાવાળાઓએ બે બ્રિટિશ સાંસદોની અટકાયત કરી અને તેમને પ્રવેશ નકાર્યો જેઓ સંસદીય પ્રતિનિધિમંડળનો ભાગ હતા.’તેમણે કહ્યું, ‘મેં ઇઝરાયેલ સરકારમાં મારા સમકક્ષોને સ્પષ્ટ કરી દીધું છે કે બ્રિટિશ સાંસદો પ્રત્યે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી. અમે બંને સાંસદોના સંપર્કમાં છીએ અને તેમને શક્ય તમામ સહયોગ આપી રહ્યા છીએ.
યુદ્ધવિરામ ભંગ થયા બાદ સૈન્ય કાર્યવાહી વધુ તીવ્ર બની છે
લેમીએ કહ્યું કે બ્રિટિશ સરકારનું પ્રાથમિક ધ્યેય યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાનું, બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં ચાલી રહેલી હિંસાનો અંત લાવવા વાટાઘાટોને આગળ વધારવાનો છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને અસ્થાયી યુદ્ધવિરામ ભંગ થયા બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં ફરી સૈન્ય કાર્યવાહી તેજ કરી છે. ઇઝરાયેલનું કહેવું છે કે તે હમાસ દ્વારા બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે વિસ્તાર પર નિયંત્રણ વધારી રહ્યું છે.
અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોના મોત
હમાસ શાસિત ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલે ફરીથી બોમ્બમારો શરૂ કર્યો ત્યારથી 1,249 લોકો માર્યા ગયા છે. યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 50,609 પર પહોંચી ગયો છે. હમાસે ઑક્ટોબર 7, 2023 ના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યા પછી યુદ્ધ શરૂ થયું, જેમાં ઇઝરાયેલના આંકડા અનુસાર 1,218 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના નાગરિકો હતા.
આ પણ વાંચો:બ્રિટનનું ખોટું સ્વપ્ન બતાવીને 20 લાખની છેતરપિંડી, ગુજરાતમાં એક સંબંધીએ આચરી છેતરપિંડી
આ પણ વાંચો:બ્રિટનમાં એસ જયશંકરની સુરક્ષામાં મોટી ભૂલ, ભારત સરકારે આપી આકરી પ્રતિક્રિયા
આ પણ વાંચો:બ્રિટનના ઉત્તર સમુદ્રમાં જહાજ તેલ ટેન્કર સાથે અથડાયું, જહાજમાં 37 લોકો હતા સવાર
