National News : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભારે ઉથલપાથલની ચર્ચા શરૂ થઈ છે. અહેવાલો મુજબ, શિવસેના (UBT)ના 9માંથી 6 લોકસભા સાંસદો બળવાખોરીના મૂડમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ રાજકીય અટકળો સાચી સાબિત થાય તો શિવસેનાના સ્થાપના દિવસ પહેલાં જ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને મોટો રાજકીય ઝટકો લાગી શકે છે.
મળતી માહિતી અનુસાર, કેટલાક સાંસદો દિલ્હીમાં પહોંચ્યા છે અને બાકીના સાંસદો પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચે તેવી ચર્ચા છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે આ સાંસદો અલગ જૂથ બનાવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ શકે છે.
આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના કેમ્પે નુકસાન અટકાવવા માટે તાત્કાલિક સક્રિયતા દાખવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અનિલ દેસાઈ અને સંજય રાઉત (Sanjay Raut)પણ દિલ્હીમાં પહોંચ્યા હોવાનું કહેવાય છે. બંને નેતાઓ બળવાખોરીની શક્યતાઓ અટકાવવા પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
રાજકીય ગરમાવો વધતા ઉદ્ધવ ઠાકરેએ પોતાના સાંસદોની બેઠક માતોશ્રી ખાતે બોલાવી હતી. જોકે, બેઠકમાં તમામ સાંસદોની હાજરી નોંધાઈ નહોતી. આ ઘટનાએ રાજકીય અટકળોને વધુ વેગ આપ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ‘ઓપરેશન ટાઈગર’ (Operation Tiger)ની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જોકે, એકનાથ શિંદેએ અગાઉ આવા દાવાઓને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે હવે કોઈ નંબર ગેમની જરૂર નથી.
બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે કોઈને જવું હોય તે જઈ શકે છે, પરંતુ શિવસેના છોડનારા લોકોને ભવિષ્યમાં પસ્તાવો થશે. તેમના આ નિવેદનને રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જૂન 2022માં એકનાથ શિંદે (Eknath Shinde)ની આગેવાનીમાં થયેલી બળવાખોરી બાદ શિવસેનામાં મોટી તૂટ પડી હતી. જો હાલની ચર્ચાઓ હકીકતમાં ફેરવાય તો છેલ્લા ચાર વર્ષમાં ઉદ્ધવ ઠાકરે માટે આ બીજો મોટો રાજકીય આંચકો સાબિત થઈ શકે છે.
