Bihar News/ બિહારના મધુબની સ્ટેશન પર ઉધના એક્સપ્રેસના કોચમાં લાગી ભયાનક આગ

બિહારના મધુબની રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર ઉભેલી ઉધના એક્સપ્રેસ (Udhna Express) ના એક ખાલી કોચમાં વહેલી સવારે ભયાનક આગ લાગી હતી. RPF અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો.

NATIONAL India
Udhna Express Train Fire Madhubani

Udhna Express Train Fire Madhubani: બિહારના મધુબની રેલવે સ્ટેશન પર ગુરુવારે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાતા સર્જાતા રહી ગઈ છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઉભેલી ટ્રેન નંબર 22563 ઉધના એક્સપ્રેસ (Udhna Express) ના એક ખાલી કોચમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે આખા કોચને પોતાની લપેટમાં લઈ લીધો હતો, જેના કારણે પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ભારે નાસભાગ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટના સમયે બોગી સંપૂર્ણ ખાલી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે.

Udhna Express Train Fire Madhubani

Udhna Express : જોતજોતામાં આખો કોચ સળગીને રાખ થયો

મળતી માહિતી અનુસાર, આ ઘટના ગુરુવારે વહેલી સવારે ત્યારે બની જ્યારે ઉધના એક્સપ્રેસ મધુબની સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર યાર્ડમાં ઉભી રાખવામાં આવી હતી. ટ્રેનના કોચ નંબર 154788 માંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવાના શરૂ થયા હતા. મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આગની જ્વાળાઓ આખા કોચમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે કોચની અંદરની તમામ સીટો, બર્થ અને અન્ય સામાન બળીને સંપૂર્ણ રાખ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા દળ (RPF) અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગને ટ્રેનના અન્ય કોચ સુધી ફેલાતી અટકાવી દીધી હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ જો સમયસર આગ પર કાબૂ ન મેળવાયો હોત તો આખી ટ્રેન આગની ઝપેટમાં આવી શકી હોત.

Udhna Express Train Fire Madhubani

આગનું કારણ અકબંધ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ

આ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે અન્ય કોઈ ટેકનિકલ ખામી કે કોઈની બેદરકારીના લીધે, તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ઘટનાની ગંભીરતાને જોતા સમસ્તીપુર ડિવિઝનના ડીઆરએમ (DRM) જ્યોતિ પ્રકાશ મિશ્રા ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે મધુબની સ્ટેશન પર પહોંચ્યા હતા અને સળગી ગયેલા કોચનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસ અહેવાલ આવ્યા બાદ જ આગનું સાચું કારણ સ્પષ્ટ થશે.

Udhna Express Train Fire Madhubani

3 વર્ષ જૂની ઘટનાની યાદો થઈ તાજી

નોંધનીય છે કે, જયનગર સ્ટેશન પહોંચ્યા બાદ આ ટ્રેનને ખાલી હાલતમાં મેન્ટેનન્સ અને હોલ્ડિંગ માટે મધુબની સ્ટેશન પર લાવવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આશરે 3 વર્ષ પહેલા પણ મધુબની સ્ટેશન પર એક ખાલી બોગીમાં આ જ પ્રકારે રહસ્યમય રીતે આગ લાગવાની ઘટના બની હતી. ફરી એકવાર આવી જ ઘટના પુનરાવર્તિત થતાં રેલવેની સુરક્ષા વ્યવસ્થા અને યાર્ડ મેનેજમેન્ટ સામે સ્થાનિક લોકો અને મુસાફરોમાં ગંભીર સવાલો અને ચિંતા ઊભી થઈ છે.


આ પણ વાંચો: બિહારના રોહતાસમાં ભયાનક માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

આ પણ વાંચો: બિહારમાં ‘ગંભીરા બ્રિજ’ જેવી દુર્ઘટના, ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા પુલનો સ્લેબ તૂટ્યો

આ પણ વાંચો: ઉધના સ્ટેશન પર શ્રમિકોની લાચારી! UP-બિહારના લોકો પર લાઠીચાર્જ, બંગાળી મતદારો માટે ફ્રી AC ટ્રેન