Patan News: પાટણમાં યુજીવીસીએલનો લાંચિયો એન્જિનિયર એન્ટિ કરપ્શન બ્યૂરોના છટકામાં સપડાઈ ગયો છે. વડોદરાના વાઘોડિયા રોડના નિવાસી યુજીવીસીએલના જુનિયર એન્જિનિયર ચિંતનકુમાર શૈલેષબાઈ પટેલ લાંચ લેવા જતાં ભ્રષ્ટાચાર વિરોધી એકમના હાથમાં સપડાઈ ગયો છે. ખેડૂતને ખેતીની જમીનમાં વીજ જોડાણ આપવા માટે રૂ.50,000ની લાંચ માંગવી તેને ભારે પડી ગઈ છે. તેને કલ્પના પણ નહીં હોય કે તે આ રીતે પકડાઈ શકે છે, પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી એકમની ચુસ્ત કાર્યવાહીએ રંગ રાખતા તેની ધરપકડ થઈ હતી.
એન્ટિ કરપ્શન બ્યૂરોનું માનવું છે કે આના કારણે કેટલાય ભૂતિયા કનેક્શનોનું પણ રહસ્ય ખૂલી શકે છે. ગ્રામીણ વિસ્તારમાં આ રીતે યુજીવીસીએલના કર્મચારીને લાંચ આપીને ક્યાંક કટકો નાખી, કયાંક લંગસિયુ નાખી વીજ જોડાણ મેળવી લેવુ જાણે સામાન્ય બાબત બની ગઈ છે. આ ઉપરાંત વીજ ચોરીની પણ અનેક ઘટનાઓમાં યુજીવીસીએલના લાંચિયા કર્મચારીઓની સંડોવણી અગાઉ પણ બહાર આવી છે.
પાટણમાં આ લાંચ માગનારા જુનિયર એન્જિનયર સામે ખેડૂતે ફરિયાદ કરી હતી. ફરિયાદી ખેડૂતે પોતાના ખેતરમાં વીજ જોડાણ કરવા માટે અરજી કરી હતી, તેના માટે યુજીવીસીએલના જુનિયર એન્જિનિયરે લાંચની રકમ માંગી હતી. હવે ખેડૂતને થયું કે મેં કોઈ ગેરકાયદેસરનું કામ કર્યું નથી તો તેના માટે લાંચ કેમ આપું. તેથી તેઓએ પાટણ એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને લેખિતમાં ફરિયાદ પણ આપી હતી. તેના પગલે પાટણ એસીબીએ રવિવારના રોજ લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. આ લાંચના છટકા દરમિયાન જ આ કામના આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના રૂ. 50,000ના નાણા સ્વીકારતા તે રંગે હાથ પકડાઈ ગયો હતો. એસીબીએ આરોપીને અટકાયતમાં લઈને આગળ કાર્યવાહી હાથ ધરી છે.
આ લાંચિયા અધિકારીને પકડનારા અધિકારીઓમાં ટ્રેપિંગ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી, એસીબી પોલીસ સ્ટેષન પાટણ, સુપરવિઝન અધિકારી કે.એચ. ગોહિલ હતા, જે એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક પણ છે.
આ પણ વાંચો: Patan News/પાટણના હારીજ બજારમાં હિટ એન્ડ રન, બેફામ ચાલતી કારે દુકાનને ટક્કર મારી પલટાઈ
આ પણ વાંચો: Patan News/અંગદાનની ઝૂંબેશમાં પાટણના ધારપુરનું પ્રથમ પ્રેરણાદાયી પગથિયું…ત્રણ લોકોને નવજીવન મળ્યું…
આ પણ વાંચો: Patan News/પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને દેવા માફીની માંગ કરી
