બ્રિટિશ હાઈકોર્ટે સોમવારે નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય નીરવ મોદીના માનસિક સ્વાસ્થ્યના આધારે આપવામાં આવ્યો છે. આ સાથે ભાગેડુ નીરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણના પ્રયાસોને આંચકો લાગ્યો છે. નીરવના વકીલે તેના પ્રત્યાર્પણ સામે અપીલ દાખલ કરી હતી. આમાં વકીલે દલીલ કરી હતી કે જો નીરવ મોદીને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવે તો તેના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.
કેસમાં મોદીના વકીલ એડવર્ડ ફિટ્ઝગેરાલ્ડે હાઇકોર્ટમાં અપીલ કરી. નીરવ મોદી ડિપ્રેશનનો શિકાર છે. તેણે માનસિક સ્વાસ્થ્યના આધારે ભારતને તેના પ્રત્યાર્પણને રોકવા માટે હાઇકોર્ટ સમક્ષ માંગ કરી હતી. હાઈકોર્ટને આપવામાં આવેલી અરજીમાં મોદીના વકીલે લખ્યું છે કે જો તેમને કોરોના પ્રભાવિત મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલવામાં આવે તો તેમના મનમાં આત્મહત્યાના વિચારો પ્રવર્તે છે.
ઉલ્લેખનીય છે કે એક સમયે હોલિવૂડ અને બોલિવૂડ સ્ટાર્સને જ્વેલરી સપ્લાય કરનાર હીરાના વેપારી નીરવ મોદી ભારતમાં છેતરપિંડીના કેસનો સામનો કરી રહ્યા છે. તેમના પર પંજાબ નેશનલ બેંક સાથે લગભગ 2 અબજ ડોલરની ગેરરીતિ કરવાનો આરોપ છે. આ સાથે, ભારત સરકારે પુરાવા સાથે ચેડાં કરવા અને સાક્ષીઓને છેતરવા બદલ તેના પર કેસ કર્યો છે. માર્ચ 2019 માં લંડનમાં તેની ધરપકડ બાદ તેને વોન્ડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં સુનાવણી દરમિયાન જજ સેમ્યુઅલ ગૂઝીએ નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો.
