World News: યુક્રેન-રશિયા યુદ્ધ (Ukraine Russia War) વચ્ચે રવિવારે યુક્રેને રશિયા પર અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલાઓમાંનો એક કર્યો. રશિયન અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે અને મોસ્કો નજીક વાઇલ્ડબેરીઝના વિશાળ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. રશિયાએ મોટી સંખ્યામાં ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે 24 કલાક દરમિયાન 1,478 યુક્રેનિયન ડ્રોન અને 9 ક્રુઝ મિસાઈલ તોડી પાડ્યાનો દાવો કર્યો છે, જોકે આ આંકડાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું કે લગભગ 600 ડ્રોન મોસ્કો ક્ષેત્ર તરફ આવ્યા હતા. બીજી તરફ, અન્ય અહેવાલોમાં રશિયાએ રાતોરાત 822 ડ્રોન તોડી પાડ્યાનો આંકડો આપ્યો છે.
મોસ્કો નજીક ગોડાઉનમાં ભીષણ આગ | Ukraine Russia War
આ ડ્રોન હુમલો (Drone Attack) મોસ્કો નજીક આવેલા વાઇલ્ડબેરીઝના કોએલેડિનો ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર સુધી પહોંચ્યો હતો. હુમલા બાદ વિશાળ ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. રોઇટર્સ અનુસાર આ ગોડાઉન મોસ્કોથી આશરે 45 કિલોમીટર દક્ષિણે આવેલું છે. આ હુમલામાં મોસ્કો વિસ્તારમાં એક 83 વર્ષીય વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે રશિયાના અન્ય વિસ્તારોમાં પણ ડ્રોન હુમલાથી જાનહાનિ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
રશિયાએ 1400થી વધુ ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો
રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)માં ડ્રોન હુમલાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે 1,478 ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે. જોકે, અલગ-અલગ સમયગાળાના સત્તાવાર આંકડાઓમાં તફાવત જોવા મળી રહ્યો છે અને આ સંખ્યાની સ્વતંત્ર ચકાસણી શક્ય નથી. મોસ્કોના મેયરે આ હુમલાને છેલ્લા બે વર્ષમાં રાજધાની પર થયેલા સૌથી મોટા હવાઈ હુમલાઓમાંથી એક ગણાવ્યો છે. યુક્રેને છેલ્લા કેટલાક મહિનામાં રશિયાના આંતરિક વિસ્તારો સુધી લાંબા અંતરના ડ્રોન પહોંચાડવાની ક્ષમતા વધારી છે.
રશિયાના હુમલામાં યુક્રેનમાં પણ 7નાં મોત
રશિયાએ પણ રવિવારે યુક્રેનના વિવિધ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયાના અહેવાલ છે. કિવમાં બેલેસ્ટિક મિસાઈલ હુમલાથી અનેક સ્થળોએ આગ લાગી હતી અને પુસ્તક બજારનો મોટો ભાગ બળી ગયો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી (Ukrainian President Volodymyr Zelenskyy)એ રશિયા પર નાગરિક વિસ્તારો અને માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પશ્ચિમી દેશોને વધુ પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ અને ઇન્ટરસેપ્ટર મિસાઈલો મોકલવાની અપીલ કરી છે.
યુક્રેનની લાંબા અંતરની હુમલાની ક્ષમતા વધી
યુક્રેન હવે લાંબા અંતરના ડ્રોન અને મિસાઈલો દ્વારા રશિયાના સરહદી વિસ્તારો ઉપરાંત દેશના અંદરના વ્યૂહાત્મક સ્થળોને પણ નિશાન બનાવી રહ્યું છે. રશિયાની ઓઇલ રિફાઇનરી, ગોડાઉન, બંદરો અને લોજિસ્ટિક્સ કેન્દ્રો પર હુમલાઓ વધ્યા છે.
વાઇલ્ડબેરીઝ (Wildberries)ની સુવિધાઓ પણ તાજેતરના હુમલાઓમાં વારંવાર નિશાન બની છે. યુક્રેનનો દાવો છે કે કંપનીની કેટલીક લોજિસ્ટિક્સ સુવિધાઓ લશ્કરી સપ્લાય સાથે જોડાયેલી છે. બીજી તરફ રશિયા યુક્રેનના ડ્રોન હુમલાઓને મોટા પાયે રોકવાનો દાવો કરી રહ્યું છે. આ સ્થિતિમાં બંને દેશોની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા પર ભારે દબાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો:યુક્રેન રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર, અમેરિકાએ કર્યો પ્રસ્તાવ
આ પણ વાંચો:યુક્રેન રશિયા સાથે યુદ્ધવિરામ માટે તૈયાર, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટો સમક્ષ આ શરત મૂકી
આ પણ વાંચો:યુક્રેન રશિયા સાથે યુધ્ધ હારી જશે તો ત્રીજુ વિશ્વ યુધ્ધ શરૂ થશે
