UP Weather Update/ ઉત્તર પ્રદેશમાં ચોમાસું નબળું પડતાં ઉકળાટમાં વધારો, 57 જિલ્લાઓમાં વીજળી પડવાની આગાહી

ઉત્તર ઓડિશાના કિનારે સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર પ્રદેશ (UP) માં ચોમાસાની સક્રિયતા ઘટી છે.

Top Stories India
UP

UP Weather Update: ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર ઓડિશા કિનારા નજીક સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના પ્રભાવને કારણે ઉત્તર પ્રદેશમાં ચોમાસાની ગતિવિધિમાં તાત્કાલિક ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો ઉકળાટભરી ગરમીનો સામનો કરશે.

લો પ્રેશરની અસરથી વરસાદમાં ઘટાડો, ઉકળાટમાં વધારો

હવામાન મુજબ હાલ રાજ્યમાં અન્ય કોઈ સક્રિય હવામાન તંત્ર કાર્યરત નથી. તેથી આગામી બે દિવસ સુધી મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ જિલ્લાઓમાં જ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. ત્યારબાદ ચોમાસું ફરી સક્રિય બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

57 જિલ્લાઓમાં ગાજવીજ અને આકાશી વીજળીનું એલર્ટ

સોમવારે રાજ્યના કુલ 57 જિલ્લાઓમાં ગાજવીજ સાથે આકાશી વીજળી પડવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. ખાસ કરીને પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાના બનાવો બની શકે છે. આ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ ગાજવીજ અને વીજળી સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

આગામી બે દિવસ તાપમાન અને ભેજમાં થશે વધારો

ચોમાસાની ગતિવિધિમાં ઘટાડાને કારણે આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. સાથે જ હવામાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ વધુ અનુભવાશે. રવિવારે લખનૌ સહિત અનેક શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. લખનૌમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.1 ડિગ્રી વધુ રહી 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બાંદામાં સૌથી વધુ 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન બાંદામાં 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે ઉરઈમાં 40 ડિગ્રી અને પ્રયાગરાજમાં 38.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું. જોકે સાંજના સમયે લખનૌ સહિત કેટલાક વિસ્તારોમાં પવન અને હળવી વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.


આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વોટરફોલમાં 100 પ્રવાસીઓ ફસાતા દોરડાથી બચાવાયા

આ પણ વાંચો : દેશના અનેક રાજ્યોમાં વરસાદી સ્થિતિમાં મોટો ફેરફાર, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક વરસાદની ભારે અછત

આ પણ વાંચો : હિમાચલના કિન્નૌરમાં પૂર-ભૂસ્ખલનથી NH બંધ, અંદાજે ₹16 કરોડનું નુકસાન, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો