Morbi News/ રફાળેશ્વર મગફળી ગોડાઉન અગ્નિકાંડ: લાઈટ-હવા વગર આગ કેવી રીતે લાગી?

સ્થાનિકોના જણાવ્યા મુજબ આગ (Fire)લાગ્યા બાદ તાત્કાલિક નિર્ણય લઈ શકાય તેવા અધિકારીઓ સ્થળ પર હાજર ન હોવાથી બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો

Gujarat Others
મોરબી (Morbi)ના રફાળેશ્વર (Rafaleshwar)નજીક આવેલી એક બંધ સિરામિક ફેક્ટરીમાં કાર્યરત સરકારી મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ (Fire)હવે માત્ર અકસ્માત નહીં પરંતુ અનેક સવાલો ઉભા કરતી ઘટના બની ગઈ છે

Morbi News : મોરબી (Morbi)ના રફાળેશ્વર (Rafaleshwar)નજીક આવેલી એક બંધ સિરામિક ફેક્ટરીમાં કાર્યરત સરકારી મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ (Fire)હવે માત્ર અકસ્માત નહીં પરંતુ અનેક સવાલો ઉભા કરતી ઘટના બની ગઈ છે. આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગની કામગીરી ચાલુ છે, પરંતુ ઘટનાને લઈને અનેક રહસ્યમય મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સ્થાનિકો અને ખેડૂતો તંત્રની કામગીરી તેમજ આગ લાગવાના કારણોને લઈને ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.

લાઈટ કનેક્શન ન હતું, હવાની અવરજવર પણ નહીં; છતાં આગ કેવી રીતે લાગી?

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન આગ (Fire)લાગવાના કારણને લઈને ઊભો થયો છે. માહિતી મુજબ ગોડાઉન સંપૂર્ણપણે બંધ હતું. તમામ દરવાજા અને બારીઓ સીલ હોવાથી અંદર હવાની અવરજવર પણ થઈ શકતી ન હતી. ઉપરાંત ગોડાઉનમાં વીજળીનું કોઈ કનેક્શન કે વાયરિંગ પણ ન હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં આગ કેવી રીતે લાગી તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. જોકે આગનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

સમયસર નિર્ણય ન લેવાતા નુકસાન વધ્યું

સ્થાનિકોના જણાવ્યા મુજબ આગ (Fire)લાગ્યા બાદ તાત્કાલિક નિર્ણય લઈ શકાય તેવા અધિકારીઓ સ્થળ પર હાજર ન હોવાથી બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. જો શરૂઆતમાં જ દીવાલ તોડીને અંદર રહેલી મગફળી (Groundnut)ની બોરીઓ બહાર કાઢવામાં આવી હોત તો આગને વધુ ફેલાતી અટકાવી શકાય તેમ હતું. પરંતુ સરકારી સીલ તોડવાના કાનૂની પ્રશ્નોને કારણે કોઈએ જોખમ લેવાનું ટાળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

40 કરોડથી વધુનો જથ્થો બળીને ખાખ

ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી અંદાજે 1.59 લાખ બોરી મગફળીનો જથ્થો સંગ્રહિત હતો. પ્રાથમિક અંદાજ મુજબ આ જથ્થાની કિંમત 40 કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે. આગ બાદ બહાર કાઢવામાં આવતી મોટાભાગની મગફળી સળગી ગયેલી અથવા પાણીમાં પલળી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે.

જેસીબી અને લોડર મોડા પહોંચતાં કામગીરી પ્રભાવિત

પ્રાથમિક તબક્કે જો લોડર અને જેસીબી જેવી ભારે મશીનરી ઉપલબ્ધ થઈ હોત તો સળગતો અને સુરક્ષિત જથ્થો અલગ કરી શકાય તેમ હતો. જોકે જરૂરી સાધનો સમયસર ન મળતાં આગ વધુ ફેલાઈ હતી. રવિવારે સવારે મશીનરી પહોંચ્યા બાદ જ માલ બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ હતી.

ફાયર વિભાગે પણ સ્વીકારી સાધનોમાં વિલંબ

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું કે શનિવારે બપોરે 1:40 વાગ્યે ફાયર કોલ મળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ જો શરૂઆતમાં જ લોડર, જેસીબી અને પૂરતા પાણીના ટેન્કરો ઉપલબ્ધ થઈ ગયા હોત તો મગફળીનો મોટો હિસ્સો બચાવી શકાય તેમ હતો. હાલ કૂલિંગ અને નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી ચાલુ છે.

તપાસ બાદ જ સામે આવશે સત્ય

આ સમગ્ર ઘટનામાં આગનું વાસ્તવિક કારણ શું હતું, તેમાં કોઈ માનવીય બેદરકારી કે અન્ય પરિબળ જવાબદાર છે કે નહીં, તે અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. હાલ અનેક પ્રશ્નો ઉભા થયા છે, પરંતુ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય ગણાશે નહીં.


આ પણ વાંચો : અમેરિકામાં આગની દુર્ઘટનામાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, ઈકોનો લોજમાં ગુંગળાઈ જવાથી કરુણ અંત

આ પણ વાંચો : રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ પર બસ-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, આગ લાગતા 8 ના મોત

આ પણ વાંચો : જેસલમેરમાં AC બસમાં આગ લાગતા 15થી વધુનાં મોતની આશંકા :કલેક્ટરે કહ્યું- ગાડીમાં ફક્ત મૃતદેહો