Gandhinagar News/ ઉત્તમ ડેરી વિવાદ વકર્યો, પશુપાલકોએ રસ્તા પર દૂધની નદીઓ વહાવી વિધાનસભા તરફ કૂચ કરી

Uttam Dairy અને પશુપાલકો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો. ૧૫ હજાર પશુપાલકો પાયમાલ થતા વિધાનસભા તરફ કૂચ કરી અને રસ્તા પર દૂધ વહાવી વિરોધ નોંધાવ્યો.

Gandhinagar Top Stories Gujarat
Uttam Dairy Milk Producer Protest

Uttam Dairy Milk Producer Protest: ઉત્તમ ડેરી અને પશુપાલકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે રસ્તા પર આવી ગયો છે. દૂધના પૂરતા ભાવ ન મળવા અને મધુર ડેરીમાં દૂધ ભરાવવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે હજારો પશુપાલકો રોષે ભરાય છે. આંદોલનના પ્રથમ દિવસે જ ગાંધીનગર અને દહેગામ પંથકમાં ઉગ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં પશુપાલકોએ સરકાર અને ડેરી તંત્ર સામે મોરચો માંડ્યો છે.

15 હજાર પશુપાલકોના હક પર તરાપ?

આ વિવાદને કારણે અંદાજે 91 દૂધ મંડળીઓ સાથે જોડાયેલા 15 હજાર પશુપાલકો પાયમાલીના આરે આવી ગયા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ દિવસથી તેમનું 2 લાખ લિટર દૂધ ડેરી દ્વારા સ્વીકારવામાં આવતું નથી અને લાખો રૂપિયાનું દૂધ વેડફાઈ રહ્યું છે, જેના કારણે તેઓ આર્થિક રીતે તૂટી રહ્યા છે. આ પરિસ્થિતિથી રોષે ભરાયેલા પશુપાલકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે, “ઉત્તમ ડેરીના ચેરમેન સામે સરકાર કેમ નમી રહી છે?”

Uttam Dairyના ચિલિંગ સેન્ટરને તાળાબંધી કરવા પહોંચ્યા

વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે પશુપાલકો ઉત્તમ ડેરીના ચિલિંગ સેન્ટરને તાળાબંધી કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં તૈનાત બાઉન્સરોને જોઈને મામલો વધુ બિચક્યો હતો. ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ ચિલિંગ સેન્ટરના દરવાજે જ કેન ઠાલવી દીધા હતા, જેના કારણે રસ્તા પર દૂધની નદીઓ વહેતી થઈ હતી. આટલેથી ન અટકતા, પશુપાલકો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને નેહરુ ચોકડીથી સીધા વિધાનસભા તરફ કૂચ કરવા નીકળ્યા હતા.

ગામડાઓમાં પૂતળા દહન અને નનામી

શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. અનેક ગામડાઓમાં પશુપાલકોએ ઉત્તમ ડેરીના ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રતીકાત્મક પૂતળા દહન તેમજ નનામી કાઢી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પોલીસ છાવણીમાં ફેરવાયું દહેગામ

તણાવપૂર્ણ સ્થિતિને જોતા ઠેર-ઠેર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જોકે, પશુપાલકો મક્કમ છે કે જ્યાં સુધી દૂધના યોગ્ય ભાવ નહીં મળે અને મધુર ડેરીમાં દૂધ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ નહીં થાય, ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં. આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.


આ પણ વાંચો: દહેગામના પશુપાલકો દૂધના ભાવને લઈને આંદોલનના મિજાજમાં, ગાંધીનગર છાવણીમાં ફેરવાયુ

આ પણ વાંચો: દૂધ વિવાદ વકર્યો! પશુપાલકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ, મધુર ડેરીમાં દૂધ ભરાવવા માંગ

આ પણ વાંચો: દહેગામમાં દૂધ ખરીદી વિવાદ, પશુપાલકોનો વિરોધ, રસ્તા પર દૂધ રેડીને પ્રદર્શન