uttarakhand news/ ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતાં પહેલાં 10 વાર વિચારજો! કલાકો સુધી ટ્રાફિક જામ

Uttarakhand Chardham Yatra Crowd: દેશમાં ભીષણ ગરમી વચ્ચે લાખો લોકો હિમાચલ અને ઉત્તરાખંડ તરફ દોડ્યા છે. મનાલીમાં 50 કિમી કાપવામાં 8 કલાક અને જોશીમઠમાં 20 કિમી લાંબો જામ થતાં પ્રવાસીઓ મોટી મુસીબતમાં ફસાયા છે.

Top Stories NATIONAL India
Uttarakhand Chardham Yatra Crowd

Uttarakhand Chardham Yatra Crowd: ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં અત્યારે સૂર્યનારાયણ કોપાયમાન થયા છે. દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં પારો 45 થી 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચતા કાળઝાળ ગરમી અને લૂથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આ અસહ્ય ઉકળાટમાંથી થોડીક રાહત મેળવવા અને ઠંડકનો અહેસાસ કરવા માટે લાખો લોકોએ એકસાથે પહાડી વિસ્તારો તરફ દોટ મૂકી છે. હિમાચલ પ્રદેશના મનાલી-રોહતાંગથી લઈને ઉત્તરાખંડના નૈનીતાલ અને ચારધામ રૂટ પર પ્રવાસીઓનો એવો ભારે ધસારો થયો છે કે આખું હિલ સ્ટેશન તંત્ર લાચાર બન્યું છે. હોટલો હાઉસફૂલ છે, પાર્કિંગ ખૂટી પડ્યા છે અને રસ્તાઓ પર કલાકો સુધી લાંબો મહાજામ જોવા મળી રહ્યો છે.

Uttarakhand : 50 કિમીનું અંતર કાપવામાં લાગ્યા 8 કલાક!

હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક મેળાવડો જામ્યો છે. મે મહિનાના આ અંતિમ દિવસોમાં પણ સમુદ્ર સપાટીથી આશરે 13 હજાર ફૂટની ઊંચાઈએ આવેલા રોહતાંગ પાસ ખાતે બરફ જોવાની ઘેલછા લોકોને આકર્ષિત કરી રહી છે. પરંતુ, આ બરફ જોવાની મજા અત્યારે મોટી સજામાં ફેરવાઈ ગઈ છે. શનિવારે આ હાઈવે પર અભૂતપૂર્વ ચક્કાજામ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે સવારે 6 વાગ્યે મનાલીથી નીકળેલા પ્રવાસીઓ છેક બપોરે 1 થી 2 વાગ્યે રોહતાંગ પહોંચી શક્યા હતા. માત્ર 50 કિલોમીટરની આ નાનકડી સફર પૂરી કરવામાં 7 થી 8 કલાકનો સમય લાગી રહ્યો છે. સ્થાનિક વેપારીઓના મતે મઢીથી ગ્રામફૂ વચ્ચે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાથી લોકો રસ્તાના કિનારે જ આડેધડ વાહનો પાર્ક કરી દે છે, જે જામનું મુખ્ય કારણ છે.

નૈનીતાલમાં બોટિંગ માટે લાંબી કતારો

સરોવર નગરી તરીકે વિશ્વવિખ્યાત ઉત્તરાખંડના નૈનીતાલમાં પણ પ્રવાસીઓનો મસમોટો ઠઠ ખડકાયો છે. વીકેન્ડના લીધે માલ રોડ, સ્નો વ્યુ, ચિડીયાઘર અને કેવ ગાર્ડન જેવા તમામ જોવાલાયક સ્થળો પ્રવાસીઓથી ખચોખચ ભરાઈ ગયા છે. નૈની તળાવમાં બોટિંગ કરવા માટે પ્રવાસીઓને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે.

હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટે પોતાની 100% ક્ષમતા સાથે ફૂલ ચાલી રહ્યા છે. બીજી તરફ, પ્રખ્યાત બાબા નીમ કરૌલી મહારાજના આશ્રમ ‘કૈંચીધામ’ માં પણ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. આગામી દિવસોમાં કૈંચીધામ આશ્રમનો સ્થાપના દિવસ હોવાથી અહીં આગામી સમયમાં ભીડ હજુ પણ ભયજનક સ્તરે વધવાની આશંકા છે.

જોશીમઠમાં 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચારધામ યાત્રા અત્યારે પિક (Peak) પર છે. બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબની પવિત્ર યાત્રાની સાથે મોટી સંખ્યામાં પર્યટકો ઓલી અને નીતિ-માણા ઘાટી તરફ વળ્યા છે. આ કારણે જોશીમઠ વિસ્તાર સૌથી વધુ ટ્રાફિકનું દબાણ ઝીલી રહ્યો છે. મારવાડીથી ગોવિંદઘાટ અને જોશીમઠથી સેલંગ સુધીના મુખ્ય માર્ગો પર 15 થી 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

વહીવટીતંત્રે ટ્રાફિક કંટ્રોલ કરવા વન-વે સિસ્ટમ લાગુ કરી હોવા છતાં, વાહનો એટલા વધારે છે કે લોકોને ગેટ ખુલવા માટે 2 થી 3 કલાક સુધી અટવાઈ રહેવું પડે છે. જોકે, આ ઊંચાઈવાળા વિસ્તારોમાં હજુ પણ હળવો વરસાદ અને બરફવર્ષા ચાલુ હોવા છતાં ભક્તોની આસ્થા અતૂટ છે. બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં 7.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે, જ્યારે સમગ્ર ચારધામ યાત્રામાં કુલ યાત્રીઓનો આંકડો 24 લાખને પાર કરી ગયો છે.

અતિશય ઠંડીના લીધે સ્વાસ્થ્ય બગડવાનો ખતરો

આ રેકોર્ડબ્રેક ભીડ વચ્ચે બદ્રીનાથ ધામ અને રોહતાંગ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની તબિયત એકાએક બગડવાના કિસ્સા પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર, દિલ્હી, મુંબઈ કે ગુજરાતના મેદાની વિસ્તારોની 45 ડિગ્રી જેટલી અતિશય ગરમીમાંથી લોકો સીધા જ પહાડોના એકદમ ઠંડા વાતાવરણમાં પહોંચી જાય છે. અચાનક થતા આ ક્લાઈમેટ ચેન્જના કારણે શરીર તાપમાન સેટ કરી શકતું નથી, જેથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ભારે થાક, ઉલ્ટી-ચક્કર અને ‘એક્યુટ માઉન્ટેન સિકનેસ’ (Acute Mountain Sickness) જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે પ્રવાસીઓએ સીધા જ ઊંચા પહાડો પર ચઢવાને બદલે થોડો સમય તળેટીના વિસ્તારોમાં રોકાવું જોઈએ જેથી શરીર ત્યાંના વાતાવરણને અનુકૂળ (Acclimatize) થઈ શકે.


આ પણ વાંચો:  હિમાચલ અને ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, તેજ આંધી અને વીજળી પડતા જનજીવન બેહાલ

આ પણ વાંચો:  કાશ્મીર,ઉત્તરાખંડમાં ભૂસ્ખલન, દિલ્હીમાં આજે વાવાઝોડા માટે રેડ એલર્ટ,10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ભયાનક બસ અકસ્માત, અલ્મોડામાં બસ ખીણમાં પડતાં 6નાં મોત