Gandhinagar News/ TP સ્કીમોને મંજૂરી,અમદાવાદ-રાજકોટ-સુરતને વિકાસની ભેટ

સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA)ની TP Scheme નં. 47 (ખોલવડ-ભાડા)માં રાજ્ય સરકારે સુધારા જાહેર કર્યા છે

Gujarat Gandhinagar Top Stories
જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન અને આંબાવાડી વિસ્તારની TP Schemeને અંતિમ મંજૂરી આપવામાં આવી છે

Gandhinagar News : રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની વિવિધ ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને મંજૂરી આપીને શહેરી વિકાસને નવી દિશા આપી છે. જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન અને આંબાવાડી વિસ્તારની TP Schemeને અંતિમ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે વિરોચનનગર-ખોરજ વિસ્તારની TP સ્કીમને નામંજૂર કરવામાં આવી છે.

સરકારના નિર્ણય અનુસાર મંજૂર કરાયેલી તમામ TP સ્કીમોના નકશા, દસ્તાવેજો અને રીડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટ જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ રહેશે. નાગરિકો સંબંધિત સત્તામંડળની કચેરીઓમાં કાર્યકારી દિવસો દરમિયાન આ દસ્તાવેજોનું નિરીક્ષણ કરી શકશે.

અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન (ચોથી ફેરફારિત) TP સ્કીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. ફાઈનલ પ્લોટોના વિસ્તાર અને ઉપયોગ અંગે સુધારા કરાયા છે, જેને અનુરૂપ અધિકૃત દસ્તાવેજોમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે.

 

આંબાવાડી TP સ્કીમમાં સામાજિક સુવિધાઓ માટે વિશેષ જમીન અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની વધતી વસતિ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ રહે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.

બીજી તરફ, વિરોચનનગર-ખોરજ વિસ્તારની TP Schemeને મંજૂરી મળી નથી. પરિણામે આ વિસ્તાર માટે નવી દરખાસ્ત અથવા સુધારેલી યોજના રજૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે.

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) દ્વારા રજૂ કરાયેલી ઘંટેશ્વર-પરાપીપળિયા વિસ્તારની પ્રાથમિક TP Scheme નં. 36/3ને પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. સ્કીમ અંતર્ગત કેટલાક પ્લોટોને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ અને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ નિર્ણયથી વિસ્તારમાં આયોજનબદ્ધ વિકાસ અને આધુનિક સુવિધાઓના નિર્માણને વેગ મળશે.

સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA)ની TP Scheme નં. 47 (ખોલવડ-ભાડા)માં રાજ્ય સરકારે સુધારા જાહેર કર્યા છે. કેટલાક ફાઈનલ પ્લોટના ક્ષેત્રફળ અને ઉપયોગ સંબંધિત વિગતોમાં ફેરફારો કરવામાં આવ્યા છે તેમજ કેટલાક ક્રમાંકો રદ કરવામાં આવ્યા છે. નવા સુધારાઓને અનુરૂપ તમામ દસ્તાવેજો અને નકશાઓમાં જરૂરી ફેરફારો અમલમાં મૂકવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગના આ નિર્ણયોથી અમદાવાદ, રાજકોટ અને સુરતના વિવિધ વિસ્તારોમાં માર્ગો, જાહેર સુવિધાઓ, ખુલ્લી જગ્યાઓ અને આધુનિક શહેરી માળખાના વિકાસને વધુ ગતિ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન : ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 2 દાયકામાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી…

આ પણ વાંચો : આ 2 સરકારી સ્કીમોમાં પૈસા રોકીને કમાવી શકો છો શ્રેષ્ઠ વ્યાજ