Vadodara Iskcon Atria Fire: સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી રોડ પર આવેલી જાણીતી હાઈરાઈઝ બિલ્ડિંગ ‘ઈસ્કોન એટ્રિયા’માં (Iskcon Atria) આજે બપોરે આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.
Vadodara : ઉપરના માળેથી નીકળી આગની જ્વાળાઓ
ગોત્રી રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલી આ લક્ઝરિયસ બિલ્ડિંગના સૌથી ઉપરના માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. ઉપરના માળે આગ લાગતા નીચે રહેતા પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. બિલ્ડિંગના રહીશોમાં અફરાતફરી અને ભયના દ્રશ્યો જોવા મળ્યા હતા.

10થી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો મારો
આગની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ હરકતમાં આવી હતી. હાલ ઘટનાસ્થળે વડીવાડી, દાંડિયાબજાર અને છાણી ફાયર સ્ટેશનના 10થી વધુ ફાયર ટેન્કરો અને હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથેનો કાફલો પહોંચી ગયો છે. બિલ્ડિંગની ઊંચાઈ વધુ હોવાથી ફાયર ફાઈટરોને આગ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી, છતાં જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
સદનસીબે જાનહાનિ ટળી
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોંડલના કોંગ્રેસના ઉમેદવારનો ધમકી-હેરાનગતિનો દાવો
આ પણ વાંચો: કોંગ્રેસ બાદ હવે આપના ઉમેદવારો અજ્ઞાત સ્થળે
