Vadodara News/ Vadodara Marathon 2026 : 1 લાખ દોડવીરોથી ગુંજી ઉઠ્યું સંસ્કારી નગરીનું નવલખી ગ્રાઉન્ડ!

વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની (Vadodara Marathon 2026) 13 મી આવૃત્તિમાં 1 લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો. નશામુક્તિના શપથ અને પર્યાવરણ સંરક્ષણ માટે યુવકે પીઠ પર છોડ બાંધી દોડ પૂરી કરી.

Top Stories Gujarat Vadodara
Vadodara Marathon 2026 Updates

Vadodara Marathon 2026: સંસ્કારી નગરી વડોદરામાં આજે વહેલી સવારે એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. તારીખ 1 ફેબ્રુઆરીના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતેથી ‘વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોન’ની 13મી આવૃત્તિનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં શહેરના અને વિદેશના મળીને 1 લાખથી વધુ દોડવીરો જોડાયા હતા.

નશામુક્ત ભારત અને સામાજિક એકતાના શપથ

મેરેથોનનું પ્રારંભ રાજ્યમંત્રી મનીષાબેન વકીલ અને અન્ય મહાનુભાવો દ્વારા ફ્લેગ-ઓફ આપીને કરવામાં આવ્યો હતો. દોડ શરૂ કરતા પહેલા હજારો યુવાનોએ ‘નશામુક્ત ભારત’ ના નિર્માણ માટે સામૂહિક શપથ લીધા હતા. આ વર્ષની વિશેષતા એ હતી કે, મહારાણી રાધિકારાજે ગાયકવાડની પ્રેરણાથી પ્રથમ વખત ‘ગજરા રન’ નું આયોજન થયું હતું, જેમાં LGBTQ+ સમુદાયના 800 સભ્યોએ ભાગ લઈ સામાજિક સ્વીકાર્યતાનો સંદેશ આપ્યો હતો.

Vadodara Marathon 2026 Updates

યુવકે પીઠ પર ‘ઓક્સિજન સિલિન્ડર’ તરીકે છોડ બાંધી દોડી સૌને ચોંકાવ્યા

પર્યાવરણ બચાવવાનો સૌથી અનોખો સંદેશ શશીકાંત પાંડા નામના 30 વર્ષીય યુવકે આપ્યો હતો. શશીકાંતે મોઢે માસ્ક પહેરી અને પીઠ પર જીવંત છોડ બાંધીને 10 કિલોમીટરની દોડ પૂરી કરી હતી. તેમણે સંદેશ આપ્યો કે વૃક્ષો જ આપણા સાચા ઓક્સિજન સિલિન્ડર છે. કોરોના કાળમાં ઓક્સિજનની અછત જોયા બાદ તેમણે વાયુ પ્રદૂષણ રોકવા અને વધુ વૃક્ષો વાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો છે.

Marathon 2026: વિવિધ કેટેગરી અને હેરિટેજ રૂટ

આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ આયોજિત આ મેરેથોનને વિવિધ શ્રેણીઓમાં વહેંચવામાં આવી હતી, જેમાં 42 કિમીની ફૂલ મેરેથોન અને 21 કિમીની હાફ મેરેથોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 10 કિમી અને 5.65 કિમીની ટાઈમ્ડ રન તેમજ હેરિટેજ-ફન રનનું પણ આયોજન કરાયું હતું, જેમાં દોડવીરો શહેરના 15 જેટલા ઐતિહાસિક સ્થળોના દર્શન કરી શક્યા હતા. આ ઇવેન્ટમાં દિવ્યાંગ પેરાલિમ્પિક રન દ્વારા દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અદમ્ય ઈચ્છાશક્તિનું અદભૂત પ્રદર્શન કર્યું હતું.

સુરક્ષા અને આયોજન

વડોદરા પોલીસ દ્વારા મેરેથોનને નિર્વિઘ્ન પૂર્ણ કરવા માટે 81 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપીને લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. શહેરની અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ પણ આ ભગીરથ કાર્યમાં સહયોગ આપ્યો હતો.


આ પણ વાંચો:અમદાવાદમાં નાઈટ મેરેથોનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો, હજારો લોકો જોડાયા

આ પણ વાંચો:મિતાલી રાજ 26 નવેમ્બરે અદાણી અમદાવાદ મેરેથોનને ફ્લેગ ઓફ આપશે

આ પણ વાંચો:હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ જામનગરમાં મેરેથોન, મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો