Gujarat News : ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની પ્રક્રિયામાં ત્રીજો ઓનલાઇન રાઉન્ડ આજથી (6 જૂન) શરૂ કરવામાં આવ્યો છે. બીજા રાઉન્ડ બાદ પણ રાજ્યભરમાં કુલ 7022 બેઠકો ખાલી રહી હોવાથી લાયક વાલીઓને ફરી એકવાર સ્કૂલ પસંદગી કરવાની તક આપવામાં આવી છે.
RTE હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1ની 25 ટકા બેઠકો પર આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને મફત શિક્ષણ માટે પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષે રાજ્યની 9770 ખાનગી શાળાઓમાં 83 હજારથી વધુ બેઠકો માટે 1.82 લાખથી વધુ અરજીઓ માન્ય ઠરી હતી.
પ્રથમ રાઉન્ડમાં કુલ 77,925 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલીક બેઠકો ખાલી રહેતા અને કેટલાક વાલીઓએ પ્રવેશ કન્ફર્મ ન કરાવતા બીજા રાઉન્ડનું આયોજન કરાયું હતું. બીજા રાઉન્ડમાં 5814 બેઠકો ફાળવાઈ હતી, જેમાંથી 4244 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા છે.
બીજા રાઉન્ડ બાદ હજુ પણ 7022 બેઠકો ખાલી છે. તેમાં અંગ્રેજી માધ્યમની 3911, ગુજરાતી માધ્યમની 1358, હિન્દી માધ્યમની 1578 અને અન્ય માધ્યમની 175 બેઠકોનો સમાવેશ થાય છે.
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ત્રીજા રાઉન્ડ માટે પાત્ર 1.02 લાખથી વધુ વાલીઓને SMS મારફતે જાણ કરવામાં આવી છે. વાલીઓ 6 જૂનથી 8 જૂન દરમિયાન ઓનલાઇન સ્કૂલ પસંદગી કરી શકશે. આ દરમિયાન તેઓ નવી શાળાઓ પસંદ કરી શકશે તેમજ અગાઉ પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર પણ કરી શકશે.
અમદાવાદ જિલ્લામાં પણ RTE પ્રવેશ પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફાળવાયેલા 2091 પ્રવેશમાંથી 1899 પ્રવેશ કન્ફર્મ થયા છે, જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં 14,579 ફાળવાયેલા પ્રવેશમાંથી 13,660 પ્રવેશ કન્ફર્મ થઈ ચૂક્યા છે.
રાજ્યભરમાં કુલ 83,687 બેઠકો સામે અત્યાર સુધીમાં 77,425 વિદ્યાર્થીઓના પ્રવેશ પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે ત્રીજા રાઉન્ડ દ્વારા બાકીની બેઠકો ભરવાનો પ્રયાસ કરવામાં આવશે.
