RTE Gujarat Admission 2026-27 Registration: ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ અપાવતા ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાનો આજથી (શનિવાર) વિધિવત પ્રારંભ થયો છે. રાજ્યની હજારો ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત બેઠકો પર આ પ્રવેશ ફાળવવામાં આવશે.
17 એપ્રિલ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ, વાલીઓ 17 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, જેથી હવે આજથી પોર્ટલ પર ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
‘શિફ્ટ’ પસંદ કરવાની તક
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે RTE હેઠળની બેઠકોમાં ઘટાડો જોવા મળ્યો છે:
ચાલુ વર્ષે બેઠકો: 84,000 થી વધુ
ગત વર્ષે બેઠકો: 94,000 જેટલી હતી.
આ વખતે પ્રવેશ પ્રક્રિયામાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વાલીઓ ફોર્મ ભરતી વખતે શાળાની પાળી (શિફ્ટ) પણ પસંદ કરી શકશે, જે કામકાજ કરતા વાલીઓ માટે મોટી રાહત સાબિત થશે.
માધ્યમ પ્રમાણે બેઠકોની વિગત
આ વર્ષે કુલ 84 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ અપાશે, જેમાં માધ્યમ મુજબ બેઠકોની વહેંચણી નીચે મુજબ છે:
ગુજરાતી માધ્યમ: 41,411 બેઠકો
અંગ્રેજી માધ્યમ: 40,262 બેઠકો
હિન્દી માધ્યમ: 2,235 બેઠકો
અન્ય માધ્યમ: 320 બેઠકો
પ્રવેશ માટેની પાત્રતા અને પ્રાથમિકતા
RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા અને અન્ય કેટેગરી મુજબ પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે. વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ ચોકસાઈપૂર્વક અપલોડ કરવાના રહેશે, જેથી ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા ન રહે.
આ પણ વાંચો: કચ્છના નાના રણમાં શિક્ષણનો ઉજાસ, અગરિયાના બાળકો માટે સોલાર પાવર્ડ ‘મોબાઈલ રણશાળા’
આ પણ વાંચો: બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સાકર ખવડાવી વિદ્યાર્થીઓને આપી શુભેચ્છાઓ
આ પણ વાંચો: સુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી, કચેરી ખાલી કરાવાઈ
