Vadodara News/ 6 મહિનાની પીડાનો આવ્યો અંત! વડોદરા SSGમાં બાળકની શ્વાસનળીમાંથી ઠળિયો કાઢી તબીબોએ જીવ બચાવ્યો

વડોદરાની SSG Hospital માં 8 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી 6 મહિનાથી ફસાયેલો બોરનો ઠળિયો કાઢવામાં આવ્યો. જાણો શું છે આ પૂરો કિસ્સો અને તબીબોની સલાહ.

Gujarat Vadodara Trending
SSG Hospital Vadodara : તબીબોએ 8 વર્ષના બાળકની જટિલ સર્જરી કરી જીવ બચાવ્યો

Vadodara SSG Hospital Surgery: તબીબી જગતમાં કિસ્સાઓ તો ઘણા બનતા હોય છે, પરંતુ વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) માં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રાજસ્થાનના એક 8 વર્ષના બાળકની શ્વાસનળીમાં છેલ્લા 6 મહિનાથી જંગલી બોરનો ઠળિયો ફસાયેલો હતો, જેના કારણે બાળક વારંવાર ન્યુમોનિયાનો શિકાર બનતું હતું. અંતે SSG હોસ્પિટલના ENT વિભાગે સફળ સર્જરી કરી બાળકને મોતના મુખમાંથી ઉગારી લીધું છે.

6 મહિનાની હાલાકી અને ખોટું નિદાન

રાજસ્થાનના ધોલપુર જિલ્લાનો 8 વર્ષીય બાળક છ મહિના પહેલા રમતા-રમતા અકસ્માતે જંગલી બોરનો ઠળિયો ગળી ગયો હતો. માતા-પિતા આ વાતથી અજાણ હતા. ત્યાર બાદ બાળકને વારંવાર શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયા થવા લાગ્યો હતો. ઉદયપુરની સરકારી હોસ્પિટલ અને વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં લાંબી સારવાર છતાં કોઈ સુધારો થયો નહોતો. ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધુ હોવાથી પરિવાર અંતે SSG હોસ્પિટલ પહોંચ્યો હતો.

SSG Hospital Vadodara : તબીબોએ 8 વર્ષના બાળકની જટિલ સર્જરી કરી જીવ બચાવ્યો

SSG Hospital: બ્રોન્કોસ્કોપી દ્વારા ઠળિયો બહાર કાઢવામાં આવ્યો

બાળકના સીટી સ્કેનમાં જાણવા મળ્યું હતું કે જમણી બાજુના ફેફસામાં ઠળિયો ફસાયેલો છે. જોકે, જ્યારે બ્રોન્કોસ્કોપી (દૂરબીનથી તપાસ) કરવામાં આવી ત્યારે ઠળિયો ખસીને ડાબી બાજુ આવી ગયો હતો. ડૉ. જયમન રાવલ, ડૉ. આનંદ ચૌધરી અને એનેસ્થેટિસ્ટ ટીમની જહેમત બાદ સફળતાપૂર્વક આ ઠળિયો બહાર કાઢવામાં આવ્યો છે.

SSG Hospital Vadodara : તબીબોએ 8 વર્ષના બાળકની જટિલ સર્જરી કરી જીવ બચાવ્યો

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

બાળકની હાલતમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ તબીબોએ આ કિસ્સાના માધ્યમથી વાલીઓ માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. ડોક્ટરોનું કહેવું છે કે જો બાળકને વારંવાર ન્યુમોનિયા કે શ્વાસની તકલીફ થતી હોય અને એન્ટીબાયોટિક દવાઓ આપવા છતાં પણ કોઈ સુધારો ન જણાય, તો વિલંબ કર્યા વિના તુરંત ENT નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ઘણીવાર બાળકો રમતા-રમતા સિક્કા, સીડ્સ, ઠળિયા કે નાના રમકડાં ગળી જતા હોય છે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આથી, લાંબા સમય સુધી રહેતા કફ કે શ્વાસની તકલીફને ક્યારેય પણ અવગણવી જોઈએ નહીં.

બાળકના પિતાએ સફળ સર્જરી બાદ રાહતનો શ્વાસ લીધો હતો અને SSG હોસ્પિટલની સુવિધાઓ અને તબીબોનો આભાર માન્યો હતો.


આ પણ વાંચો: વડોદરાઃ SSG હોસ્પિટલમાં બારીમાંથી કૂદેલા દર્દીનું મોત…

આ પણ વાંચો:વડોદરાની સયાજી હોસ્પિટલના પહેલા માળેથી દર્દીએ પડતું મુક્યું

આ પણ વાંચો: વડોદરામાં SSG હોસ્પિટલના તબીબોનું સફળ ઓપરેશન, યુવતીના પેટમાંથી ટાંકણી કાઢી