વડોદરા
વડોદરા શહેરનાં કલાલી વિસ્તારમાં આવેલી સોસાયટીઓનાં રહીશોને તંત્રની બેદરકારીના કારણે મુશ્લીઓનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ પાલિકા, વુડા અને બિલ્ડરોની મિલીભગતને કારણે નવાં વિકસતા વિસ્તારોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

નવા આવાસોમાં વસતા નાગરિકોને રસ્તા, પાણી, ગટર, લાઇટ જેવી પાયાની સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં ચાણક્યનગરી પાછળ પણ બિલ્ડરો દ્વારા સોસાયટીઓ બનાવી દેવામાં આવી છે. જો કે, પાલિકા તેમજ બિલ્ડરોની મિલીભગતથી વિસ્તારમાં ટીપી પડ્યા વગર જ આ સોસાયટીઓ બનાવી દેવામાં આવી છે.જેને કારણે કલાલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સહિતની સંખ્યાબંધ સોસાયટીઓનાં આશરે 10 હજાર જેટલાં રહીશો હેરાન થઇ રહ્યાં છે.

રહીશોએ 8 વર્ષ અગાઉ જ્યારે મકાનો ખરીદ્યા ત્યારે બિલ્ડરો દ્વારા નકશા પર તેઓને રોડ, રસ્તા, ડ્રેનેજ, લાઇટ સહિત તમામ સુવિધાઓ બતાવવામાં આવી હતી. પરંતુ આટલા વર્ષો બાદ પણ સુવિધાઓ ન મળતાં હવે રહીશો બિલ્ડરો તરફથી છેતરાયાનો અનુભવ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે કાઉન્સિલરો, ધારાસભ્ય, સાંસદ કે વારંવાર રજુઆત કરવા છતાં તંત્રનાં અધિકારીઓ પણ આ વિસ્તારનાં નાગરિકોની રજુઆત નથી સાંભળી રહ્યાં અને સમસ્યાઓનો ઉકેલ પણ નથી લાવતા.

કાચા રસ્તા તેમજ ગંદકીને લીધે વરસાદમાં અહીંનાં રહીશોની મુશ્કેલીમાં વધારો થઇ જાય છે. એવામાં ત્રાસેલા રહીશોની માંગ છે કે, સત્વરે તેઓની સમસ્યા નિવારવામાં આવે.હેવ જોવાનું એ છે તંત્ર ક્યારે આ મામલે યોગ્ય પગલા લેશે.
