Vadodara News: શહેરના સલાટવાડા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. શૌચાલય (Vadodara Toilet Blast)માં બીડી સળગાવવાનો પ્રયાસ એક આધેડ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયો હતો. ગેસ લીકેજના કારણે શૌચાલયમાં ગેસ ભરાઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને દીવાસળી સળગાવતાં જ જોરદાર ભડકો થયો હતો. ઘટનામાં વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સલાટવાડા વિસ્તારમાં આવેલી તુલસીબાઈની ચાલમાં રહેતા હરિચરણ શર્મા રોજિંદી ક્રિયા માટે પોતાના ઘરના શૌચાલયમાં ગયા હતા. આ દરમિયાન તેમણે બીડી સળગાવવા માટે દીવાસળી પેટાવી હતી. જોકે, દીવાસળી સળગતાની સાથે જ શૌચાલય (Vadodara Toilet Blast)માં અચાનક જોરદાર ભડકો થયો હતો.અચાનક થયેલા વિસ્ફોટના કારણે હરિચરણ શર્મા આગની લપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. ભડકાનો અવાજ અને ચીસો સાંભળીને આસપાસના લોકો તથા પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
Vadodara Toilet Blast: સયાજી હોસ્પિટલમાં સારવાર
ઘટના બાદ ઇજાગ્રસ્ત હરિચરણ શર્માને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી (સયાજી) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ગેસ લીકેજ કારણ હોવાની આશંકા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શૌચાલયમાં ગેસ એકત્રિત થવાના કારણે આ ઘટના બની હોઈ શકે છે. સ્થાનિક સ્તરે થોડા સમય પહેલા નવી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાઇપલાઇનમાંથી ક્યાંક ગેસ લીક થતો હતો અને તે બંધ શૌચાલય (Vadodara Toilet Blast)માં એકત્રિત થઈ ગયો હતો.જેમ જ દીવાસળીનો સ્પાર્ક થયો, તેમ ગેસે આગ પકડી લીધી અને જોરદાર ભડકો થયો હતો. જોકે, ઘટનાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.
સાવચેતી રાખવાની અપીલ
આ ઘટના ગેસ લીકેજ જેવી પરિસ્થિતિમાં આગ કે ધુમ્રપાન કેટલું જોખમી બની શકે છે તેનું ગંભીર ઉદાહરણ બની છે. નિષ્ણાતો દ્વારા ગેસની ગંધ આવતી હોય ત્યારે કોઈપણ પ્રકારની આગ, દીવાસળી, લાઈટર અથવા ઇલેક્ટ્રિકલ સ્વિચનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો:ગેસ લીકેજ થાય ત્યારે કયો ગેસ સૌથી વહેલો ફેલાય છે? જાણો LPG અને PNG ના ગુણધર્મો અને બચાવના ઉપાયો
આ પણ વાંચો:ઉમરગામમાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ, વિસ્ફોટથી કામદારો ઘાયલ, તપાસ શરૂ
આ પણ વાંચો:સોલા ભાગવત પાસે ગેસ લીકેજથી નાસભાગ, બાટલો ફેંકીને અજાણ્યો શખ્સ ફરાર, લોકોને આંખ-શ્વાસની તકલીફ
