Vadodara VMC Ward 1 Result 2026: વર્ષ 2026ની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 1 માં જોવા મળ્યો છે. વર્ષ 2021માં જ્યાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરીને ચારેય બેઠકો કબજે કરી હતી, ત્યાં આ વખતે કોંગ્રેસના કિલ્લામાં ગાબડું પડ્યું છે. આંતરિક વિખવાદ અને ટિકિટ વહેંચણીની નારાજગી કોંગ્રેસને એવી નડી કે પક્ષે ત્રણ મહત્વની બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે.
Vadodara : અપક્ષ હરીશ પટેલે સર્જ્યો ઇતિહાસ
વોર્ડ નંબર 1 ના પરિણામોમાં સૌથી વધુ ચર્ચિત નામ હરીશ પટેલ રહ્યું છે. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા તેમણે બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મતદારોએ તેમના પર વિશ્વાસ મૂકીને 13,372 મતો સાથે વિજયી બનાવ્યા છે. હરીશ પટેલની આ જીતે સાબિત કર્યું છે કે વ્યક્તિગત લોકચાહના પક્ષના પ્રતીક કરતા પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
ભાજપનો પંજો અને કોંગ્રેસનો આંચકો
ભાજપે આ વોર્ડમાં પોતાની સ્થિતિ મજબૂત કરતા બે બેઠકો અંકે કરી છે, જેમાં કુંદનબેન ટેલરે 12,535 મત મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે ભુરસીંગ રાઠવાએ પણ 10,106 મતો સાથે પોતાની જીત નોંધાવી છે.
બીજી તરફ, કોંગ્રેસના કદાવર અને સક્રિય નેતા ગણાતા અમીબેન રાવતને મોટો આંચકો લાગ્યો છે. તેમને 11,920 મત મળ્યા હોવા છતાં તેઓ પરાજિત થયા છે. કોંગ્રેસ તરફથી માત્ર પુષ્પાબેન વાઘેલા (13,341 મત) પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા છે.
શા માટે હારી કોંગ્રેસ?
રાજકીય વિશ્લેષકોના મતે વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની હારનું મુખ્ય કારણ આંતરિક બળવો રહ્યો છે, જેમાં હરીશ પટેલને ટિકિટ ન આપવાનો નિર્ણય પક્ષ માટે એક મોટી રણનીતિક ભૂલ સાબિત થયો હતો. આ ઉપરાંત, અપક્ષ અને અન્ય ઉમેદવારોમાં કોંગ્રેસના પરંપરાગત વોટ વહેંચાઈ ગયા હોવાથી વોટનું વિભાજન થયું હતું અને છેલ્લી ઘડી સુધી ચાલેલા આંતરિક ટિકિટ વિવાદ તથા મતભેદોને કારણે કાર્યકરોમાં પણ ભારે નિરુત્સાહ જોવા મળ્યો હતો, જે અંતે હારમાં પરિણમ્યો છે.
આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા
આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો
આ પણ વાંચો: આ પણ વાંચો:રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યુ, કોંગ્રેસની આખી પેનલ જીતી
