Vaibhav Suryavanshi U19 World Cup Final Century: ભારતના 14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં બેટિંગનું એવું વાવાઝોડું ફૂંક્યું કે ઈંગ્લેન્ડના બોલરો લાચાર બની ગયા. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલા આ ખિતાબી મુકાબલામાં વૈભવે માત્ર 55 બોલમાં સદી ફટકારીને અનેક દિગ્ગજોના રેકોર્ડ તોડી નાખ્યા છે.
માત્ર 80 બોલમાં 175 રનનો ‘બ્લાસ્ટ’
વૈભવે પોતાની ઇનિંગ દરમિયાન મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 80 બોલમાં 175 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. તેણે માત્ર 71 બોલમાં પોતાના 150 રન પૂરા કરી લીધા હતા.

વૈભવે તોડ્યા આ મોટા રેકોર્ડ્સ
વૈભવ સૂર્યવંશી U19 World Cupના ઇતિહાસમાં ફાઈનલ મેચમાં માત્ર 55 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ફાઈનલમાં 175 રન બનાવીને ઉન્મુક્ત ચંદ અને મનજોત કાલરાનો રેકોર્ડ તોડીને ફાઈનલનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. આ ઉપરાંત, તેણે એક જ ઇનિંગમાં 15 છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, અને આખી ટૂર્નામેન્ટમાં કુલ 30 છગ્ગા ફટકારીને ડેવાલ્ડ બ્રેવિસનો 18 સિક્સનો અગાઉનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો છે.

સૌથી ઝડપી સદીની યાદી (U-19 વર્લ્ડ કપ)
51 બોલ – વિલ મલાજચુક (ઓસ્ટ્રેલિયા) વિ. જાપાન, 2026
55 બોલ – વૈભવ સૂર્યવંશી (ભારત) વિ. ઈંગ્લેન્ડ, 2026
63 બોલ – કાસિમ અક્રમ (પાકિસ્તાન) વિ. શ્રીલંકા, 2022
માત્ર 14 વર્ષની નાની ઉંમરે આવી પરિપક્વ અને આક્રમક બેટિંગ કરીને વૈભવે સાબિત કરી દીધું છે કે તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. સોશિયલ મીડિયા પર અત્યારે ચારેબાજુ આ નવા ‘રન મશીન’ ની ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો:પાકિસ્તાન ભારત સામે મેદાનમાં નહીં ઉતરે તો ગંભીર પરિણામો આવશે: ICC
આ પણ વાંચો:મુંબઈના ગ્રાઉન્ડ પર રનનો વરસાદ કરતા પહેલા ખેલાડીઓ તૂટી પડ્યા પાણીપૂરી પર!
