ગુજરાત/ વલસાડ ઓરંગા નદીના પાણી ઓસર્યા : નીચાણ વાળા વિસ્તારનાં રહીશોએ લીધો રાહતનો શ્વાસ

મધુબન ડેમમાં પણ સતત ત્રણ દિવસ સુધી ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થઈ રહી હતી. ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 65 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી હતી.

Gujarat Others
વલસાડ

વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં કાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જોકે ગઈ મોડી રાતથી જિલ્લામાં વરસાદનું જોરઘટતા વલસાડ જિલ્લાના લોકો અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારે રાત્રે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં જળસ્તર વધતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

ઓરંગા નદીના ઉપરવાસમાં ભૈરવી  નજીક મોનિટરિંગ પોઇન્ટ પર નદીનું જળસ્તર એકાએક વધતા વલસાડ કલેક્ટર એ પણ ટ્વિટ કરી અને વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થવા અને નદીના પાણી  કિનારા વિસ્તારોમાં ભરાવાની શક્યતા વ્યક્ત કરી હતી. અને નદી કિનારાના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જે તે વિસ્તારમાં જઈ અને લોકોને સૂચનો કરવામાં આવ્યા હતા. જોકે મોડી રાત્રે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા અને નદીમાં પણ પાણીની આવકમાં ઘટાડો થતાં વલસાડ શહેરના ઓરંગા નદી કિનારાના વિસ્તારોમાં પાણી ઓસર્યા  હતા. આથી સ્થાનિક લોકો અને તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

વલસાડ

વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પણ સતત ત્રણ દિવસ સુધી ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થઈ રહી હતી. ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 65 હજાર  ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી હતી. આથી ડેમમાંથી 78 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને વધુ વરસાદની શક્યતા જોતા મોડી રાત્રે તંત્ર દ્વારા મધુબન ડેમમાંથી દમણગાં નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી કરવામાં આવી હતી. આથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને વલસાડ જિલ્લાના નદી કિનારાના લોકોને એલર્ટ કર્યા હતા. નદી કિનારાથી દૂર રહેવા સૂચન કર્યું હતું. પરંતુ મોડી રાત્રે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમમાં પાણીની આવકમાં પણ ઘટાડો થયો હતો. આથી  અત્યારે ડેમ માં  22,370 ક્યુસેક પાણીની  જ આવક થઈ રહી છે. જેથી ડેમમાંથી માત્ર 21,382 ક્યુસેક જ પાણી જ દમણગંગા  નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા  નદીના  પાણી પણ કિનારાથી ઓછા થયા હતાં  નદી કિનારાના લોકો અને તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આજે પણ વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ  આપવામાં આવ્યું છે. આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર  એલર્ટ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડમાં એન ડી આર એફ ની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

વલસાડ

આ પણ વાંચો : રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ : જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં થયો કેટલો વરસાદ