સુરેન્દ્રનગર/ સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યોજાઇ વિવિધ સ્પર્ધાઓ

લખતર તાલુકાની ઓળક માધ્યમિક શાળા અને ડેરવાળા માધ્યમિક શાળા ખાતે “મત મારો અમૂલ્ય” વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધામાં ધોરણ-૯ અને ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તારીખ ૧૯ મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જે અન્વયે જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત પાટડી તાલુકાની ગેડીયા પ્રાથમિક શાળા, અખિયાણા પ્રાથમિક શાળા અને નાગડકા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ચોટીલા તાલુકાની ખેરાણા માધ્યમિક શાળામાં “મતદાન મહાદાન” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુમાં લખતર તાલુકાની ઓળક માધ્યમિક શાળા અને ડેરવાળા માધ્યમિક શાળા ખાતે “મત મારો અમૂલ્ય” વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધામાં ધોરણ-૯ અને ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત શાળાના કર્મચારીગણ અને વિદ્યાર્થીઓના સહયોગથી ઓળક અને ડેરવાળા ગામમાં મતદાર જાગૃતિ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ રેલી મારફત ગ્રામજનોને મતદાનનું મહત્વ અને તે અંગેની ફરજો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.