Dang Leopard Attack: ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં હૃદય ચીરી નાખે તેવી ઘટના બની છે, જેમાં જંગલી પ્રાણીના હુમલા (Attack) એ એક નિર્દોષ બાળકનો જીવ લઈ લીધો છે. મહાલના જંગલ વિસ્તારમાં દીપડાએ કરેલા અચાનક હુમલામાં 7 વર્ષનો બાળક સ્થળ પર જ મોતને ભેટતાં સમગ્ર પંથકમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
પશુ ચરાવવા ગયેલા બાળક પર અચાનક હુમલો (Attack)
પ્રાપ્ત વિગતો અનુસાર, સુબીર તાલુકાની બરડીપાડા ફોરેસ્ટ રેન્જ હેઠળ આવતા મહાલના જંગલ તરફ 7 વર્ષનો રિતેક તેની દાદી અંતુબેન સાથે બળદ ચરાવવા માટે ગયો હતો રિતેકની માતા સુગર ફેક્ટરીમાં રોજગાર માટે ગયેલી હોવાથી બાળક દાદી પાસે જ રહેતો હતો. મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ અચાનક આ કરુણ ઘટના બની હતી.
પહેલા દાદી પર હુમલાનો પ્રયાસ, પછી બાળક પર તૂટી પડ્યો દીપડો
અચાનક ઝાડીઓમાંથી નીકળેલા ઘાતકી દીપડાએ પહેલા દાદી અંતુબેન પર હુમલો (Attack) કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દીપડો (Leopard) માસૂમ રિતેક પર તૂટી પડ્યો અને તેના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ભારે લોહી વહેતા રિતેકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોતાની આંખો સામે જ પૌત્રને દીપડાનો શિકાર બનતો જોઈ દાદી અંતુબેન સ્તબ્ધ બની ગયા હતા.
વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ
આ ઘટનાને પગલે સ્થાનિક આદિવાસી સમાજ અને ગ્રામજનોમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જંગલ વિસ્તારોમાં દીપડાની દહેશત વધતી હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે. લોકોની માંગ છે કે આદમખોર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને.
વન વિભાગની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી આગળની તપાસ શરૂ કરી છે. દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે તેમજ સ્થાનિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે
આ પણ વાંચો:ઉનાના ભાચા ગામે દીપડાના હુમલાથી બે વર્ષીય બાળકનું કરુણ મોત
આ પણ વાંચો:ગીર સોમનાથમાં દીપડાનો આતંક ,વલાદર ગામે 50 વર્ષીય મહિલા પર હુમલો
આ પણ વાંચો:અલ્મોડામાં રીંછે બે મહિલાઓના ચહેરા ફાડી ખાધા: દીપડાના હુમલામાં વૃદ્ધના માથામાં 35 ટાંકા
