Venezuela Nicolas Maduro Arrest Video Leak: વેનેઝુએલા (venezuela)ના રાજકારણમાં એક મોટો વિસ્ફોટ થયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડની રાતે શું બન્યું હતું, તેનો એક આઘાતજનક વીડિયો લીક થયો છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ આ વીડિયોમાં દાવો કરી રહ્યા છે કે અમેરિકાએ તેમને અને તેમના કેબિનેટને માત્ર 15 મિનિટનું અલ્ટીમેટમ આપ્યું હતું.
અમેરિકાની એ ધમકી: ’15 મિનિટ અથવા મોત’
લીક થયેલા વીડિયોમાં ડેલ્સી રોડ્રિગ્ઝ દાવો કરી રહ્યા છે કે જ્યારે અમેરિકાની સેનાએ માદુરોને પકડ્યા, ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો તેમની શરતો માનવામાં નહીં આવે, તો કેબિનેટના તમામ સભ્યોને ગોળી મારી દેવામાં આવશે. રોડ્રિગ્ઝે જણાવ્યું કે દેશને આંતરિક સંઘર્ષ અને લોહીની નદીઓ વહેતી અટકાવવા માટે તેમને આ શરતો માનવી પડી હતી.
ટ્રમ્પ સાથેની તે ગુપ્ત ડીલ?
વીડિયોમાં રોડ્રિગ્ઝે સ્વીકાર્યું છે કે સત્તા સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રશંસા કરી હતી, કારણ કે તેમણે અમેરિકાની ઘણી માંગણીઓ સ્વીકારી લીધી હતી. જોકે, એક્સપર્ટ્સ માને છે કે આ એક સોશિયલ મીડિયા ડ્રામા પણ હોઈ શકે છે જેથી રોડ્રિગ્ઝ પોતાને સમર્થકો સામે સાચા સાબિત કરી શકે. એવું કહેવાય છે કે ટ્રમ્પના સમર્થન પાછળની મુખ્ય શરત વેનેઝુએલાના તેલ ભંડાર સુધી અમેરિકાની પહોંચ બનાવવાની હતી.

કેવી રીતે થઈ હતી માદુરોની ધરપકડ?
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ખુલાસો કર્યો હતો કે આ આખું ઓપરેશન માત્ર 30 મિનિટમાં પૂરું કરવામાં આવ્યું હતું. માદુરો સ્ટીલની દિવાલો ધરાવતા ‘સેફ રૂમ’માં છુપાવા ગયા હતા, પરંતુ અમેરિકી સૈનિકો દરવાજો બંધ થાય તે પહેલાં જ અંદર પહોંચી ગયા હતા. આ ઓપરેશન દરમિયાન કારાકાસ શહેરની વીજળી કાપી નાખી અંધારપટ કરી દેવાયો હતો અને તે સમયે 7 મોટા ધડાકા પણ સંભળાયા હતા. અમેરિકન સેના પાસે માદુરોની પળેપળની માહિતી હતી અને આ મિશન માટે મહિનાઓથી નકલી ભવન બનાવીને સંપૂર્ણ તૈયારી સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
venezuelaની સરકાર આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો
અમેરિકાના મતે venezuelaની સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક સુરક્ષા માટે મોટો ખતરો બની રહી હતી. ટ્રમ્પે ગંભીર આરોપ લગાવ્યો હતો કે venezuela કોકેઈન અને ફેન્ટેનાઈલ જેવા નશીલા દ્રવ્યોની તસ્કરીનો મુખ્ય માર્ગ બની ગયું હતું, એટલું જ નહીં પણ માદુરોએ જેલના ખતરનાક અપરાધીઓને અમેરિકા મોકલીને શરણાર્થી કટોકટી ઊભી કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
