અશ્વિન-અક્ષરની ઘાતક બોલિંગ, રોહિત-પંત-સુંદર અને અશ્વિનનું બેટીંગ પરફોર્મન્સ અને ફીલ્ડરોની શાનદાર ફીલ્ડીંગના સહારે ભારતને વિશ્વ ક્રિકેટ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે પોતાની ટિકિટ પાકી કરી
કમ બેક એ ટીમ ઈન્ડિયાનું આગવું લક્ષણ બની ગયું છે. વિદેશની ભૂમિ પર પણ ભારતનું આ લક્ષણ ચાલી ગયું છે અને ભારતની જમીન પર પણ આજ પ્રકારની પરંપરા વધુ એકવાર જાળવી રાખી છે. ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો પ્રારંભ કંગાળ થયો. પ્રથમ ટેસ્ટમાં તેના બીજા દાવમાં ભારતનો વાવટો માત્ર 36 રનમાં સંકેલાઈ ગયો. 1974માં જેમ 42 રનમાં ખખડી જવાનો ભારતે જે વિક્રમ ઈંગ્લેંડની ધરતી પર સર્જયો હતો. તેનો વિક્રમ પણ તૂટી ગયો તે વખતે તમામ પ્રચાર માધ્યમો ભારત પર તૂટી પડ્યા હતા. જો કે બીજી ટેસ્ટ જીતી ભારતે શ્રેણી સરભર કરી અને અનેક ધુરંધરોની ગેરહાજરી વચ્ચે અને વિદેશી વિશ્લેષકો જેને ‘એ’ ટીમ ગણતા હતા ને પોતાના સિનિયરો કરતા વધુ આક્રમકતા સાથે ચોથી ટેસ્ટ જીતી 2 વિ 1 થી શ્રેણી જીતી લીધી.

હવે ઘર આંગણે પરત આવેલી ભારતીય ટીમમાં આજ પાછા જૂના જોગીઓ ટીમમાં પરત આવી ગયા હતા. (ઈજાગ્રસ્તો સિવાય) ચેન્નાઈના ચેપોક ખાતે પ્રથમ બે ટેસ્ટ અને અમદાવાદના નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડીયમ ખાતે બે ટેસ્ટમેચ રમવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો. ચેપોકના મેદાન પર પ્રથમ જ મેચમાં ભારતનો 327 રનથી મોટો પરાજય થયો. ઈંગ્લેડ જીત્યું. પરંતુ ચેપોકની બીજી મેચથી ટીમ ઈન્ડિયાએ વિજય સાથે ઓસ્ટ્રેલીયામાં સર્જેલા ઈતિહાસનું પૂનરાવર્તન કર્યુ અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર રમાયેલી બંન્ને ટેસ્ટમેચ જીતી અને તેમાંય ચોથી અંતિમ ટેસ્ટ તો ટીમ ઈન્ડિયા 1 ઈનિંગ્ઝ 25 રને જીતી ગઈ અને શ્રેણી 3 વિ 1 મેચથી જીતી લીધી. ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર સાવજ સમાન પૂરવાર થયેલા ભારતીય ખેલાડીઓએ જવામર્દી અને બહાદુરી સાથે કમબેક કરી પોતાનું આગવું સ્થાન પણ જાળવી રાખ્યું.
![]()
આ કાંઈ જેવી તેવી સિદ્ધી તો નહોતીજ. અનોખી સિદ્ધી હતી. ભારતે જીતેલી ત્રણ અને પ્રારંભમાં હારેલી એક મેચમાં પણ ભારતીય ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાએ જરા પણ પાછી પાની કરી નહોતી. અમદાવાદમાં રમાયેલી પ્રથમ અને શ્રેણીની ત્રીજી મેચમાં અક્ષર પટેલ, રવિ ચંદ્રન, અશ્વિન, રોહિત શર્મા અને ઋષભ પંત સહિતના ખેલાડીઓનો ફાળો હતો. અશ્વિનનો સદી સાથેનો દેખાવ જવાબદાર હતો તો અંતિમ ટેસ્ટમાં તો રોહિત શર્મા, ઋષભ પંત, વોશીંગ્ટન સુંદર, અક્ષર પટેલના ધમાકેદાર બેટીંગ અને ત્યારબાદ અશ્વિન અને અક્ષર પટેલની બોલીંગે તેમજ સ્પીન ટ્રેક પર ભારતના બોલરો અશ્વિન અને અક્ષર પટેલે વિકેટો સરખા ભાગે વહેંચી લઈ અને તમામ ખેલાડીઓએ ‘અસરદાર’ બોલીંગ કરી ઈંગ્લેડને ઘૂંટણીએ પાડી દીધું આ કાંઈ જેવી તેવી સિદ્ધી તો નહોતીજ. સૌએ સ્વીકારવી પડે તેવી આ સિદ્ધી હતી. હકિકતમાં આ શ્રેણી એ કોઈ એકલ દોકલ ખેલાડીનો વિજય ન કહી શકાય ટીમ સ્પીરીટનો વિજય હતો. જો કે સ્પીનરોએ દાખવેલા કાંડાના કૌવતનું પરિણામ હતું અને તેમાંય ટેસ્ટ ટીમમાં પ્રથમ વાર આગમન કરનારમાં નડિયાદના અક્ષર પટેલનું પ્રદાન તો ગુજરાતની ભૂમિ પર ગુજ્જુ ખેલાડીએ ગુજરાતનેજ નહિ પણ દેશને ગૌરવ અપાવવા પ્રદાન કર્યુ હતું.

મોટા ભાગના રમત વિવેચકોએ આ ટેસ્ટ શ્રેણી પર અનેક પ્રકારની વાતો કરી છે ટીમ ઈન્ડિયાની ટીકા કરનારાઓને બરાબર અને યાદ રહી જાય તેવો જવાબ મળ્યો છે. આમ છતાં પણ એક વાતની નોંધ લેવી પડે ઈંગ્લેડની ટીમને 3 વિ 1 થી ધરાશાયી કરનાર ભારતીય ટીમે ટોસ જીતવા સિવાયના દરેક ક્ષેત્રમાં પોતાની સર્વોપરીતા પૂરવાર કરી છે. ભારતે 4 ટેસ્ટની શ્રેણીમાં 1703 રન કર્યા છે. જેમાં રોહિત શર્માના 4 ટેસ્ટમાં 345 રન અને ઋષભ પંતના 4 ટેસ્ટમાં 270 રન મળી 615 રન મહત્વના ગણી શકાય. ચોથી ટેસ્ટમાં જે પીચ પર ઈંગ્લેડ માત્ર 205 રનમાં ખખડી ગયું હતું તેજ પીચ પર ભારતે રોહિતના 49, પંતના 101, વોશીંગ્ટન સુંદરના 96 નોટ આઉટ અને અક્ષર પટેલના 46 રનના સહારે ભારતે 365 રન ખડકી દીધા તે કાંઈ જેવી તેવી સિદ્ધી તો નજ કહી શકાય અને આજ પીચ પર અશ્વિન અને અક્ષર પટેલની જોડીએ ઈંગ્લેડને 135 રનમાં સમેટીને તેને ઘૂંટણીએ પાડી દીધું અને ભવ્ય વિજય મેળવી લીધો.

આ ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેડની 80 વિકેટો પડી. જે પૈકી અશ્વિને 32 અને અક્ષર પટેલે 27 વિકેટ લીધી. આ બન્નેએ લીધેલી વિકેટનો સરવાળો 59 થાય છે. જ્યારે બાકીની વિકેટોમાં પણ નદીમ અને સુંદરે 1 વિકેટ અને કુલદીપ યાદવે મેળવેલી બે વિકેટ ગણીએ તો 63 વિકેટ સ્પીનરોએ લીધી. રોહીત શર્મા તો લગભગ ચારેય ટેસ્ટમાં સારું રમ્યો જ્યારે પંતે તો પોતાની કારકીર્દીમાં પ્રથમ વખત પોતાની વિકેટ ફેંકી દેવાની જૂની પરંપરાને ફગાવી દઈ ભારતના આધારભૂત બેટધરોમાં સ્થાન મેળવી લીધુ જ્યારે અશ્વિનની સદી અને વોશીંગ્ટન સુંદરના ચોથી ટેસ્ટમાં અણનમ 96 રન તે ભારતના વિજયના કારણ હતા. વોશીંગ્ટન સુંદરને ભલે બોલીંગમાં ઓછી તક મળી અને તેના કારણે તેને વિકેટો માત્ર બે જ લીધી પણ તેનું બેટીંગ જેમ ઓસ્ટ્રેલિયા માટે ભારતના વિજયનું કારણ બન્યું હતું તેમ ભારતમાં પણ ભારતના વિજયનું કારણ બન્યું. આ બાબતની નોંધ લીધા વગર ચાલે તેમ નથી.

ટૂંકમાં ભારતનો ઈંગ્લેડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3 વિ 1થી વિજય થયો તે બાબતે 1962માં ટ્રેડ ડેક્ષટરની આગેવાની હેઠળની ટીમ સામે ગુજરાતી કેપ્ટન નરીમાન કોન્ટ્રાક્ટર જે નરી કોન્ટ્રાક્ટર તરીકે ઓળખાતા હતા તેની આગેવાની હેઠળની પોલી ઉમરીગર સી સુરતી, ચંદુ બોરડે, બાપુ નાડકર્ણી જેવા ખેલાડીઓની ટીમે જે વિજય મેળવ્યો તેની યાદ તાજી કરાવી તો સાથોસાથ 1972ની ટેસ્ટ શ્રેણી વખતે અજીત વાડેકરની આગેવાની હેઠળની ટીમે જે ભવ્ય વિજય સાથે શ્રેણી જીતી હતી અને ઈંગ્લેડને તેનીજ પીચ પર ધૂળ ચાટતું કર્યુ હતું તેની યાદ તાજી કરાવી દીધી હતી. 1972ની ઈંગ્લેડ સિરીઝમાં જે સિદ્ધી ભારતના સ્પીનર બી.એસ.ચંદ્રશેખરે મેળવી હતી તેજ પ્રકારની સિદ્ધી આ વખતે રવિચંદ્રન અશ્વિન ને 32 વિકેટો ઝડપીને મેળવી.

ટૂંકમાં ભારતનો આ વિજય તે ભારતીય ક્રિકેટ વિજયની પરંપરાનો ભવ્ય વિજય છે-યશકલગ લગાડનારી જીત છે. સ્પીનરો સામે (ભલે તે ભારતીય ટીમ જેવા અસરકારક ન હોય) પણ સ્પીનરો ચાલે તેવી પીચ પર સાડા ત્રણસોથી વધુ રન કરવા તે જરાય ઓછું પરિણામ નથી. આ ટેસ્ટ શ્રેણીમાં ઓપનર શૂભમન ગીલની નિષ્ફળતા ખૂંચે તેવી છે તો ભારતના સુકાની વિરાટ કોહલી પોતાને જેના માટે ખ્યાતિ છે નામ છે તેવી બેટીગ સીદ્ધી મેળવી શક્યો અને વિરાટની કેપ્ટનશીપ ઈંગ્લેડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ સિવાય દરેક ઈનિંગ્ઝમાં ખીલી ઉઠી પણ એક પણ સદી ન ફટકારી શક્યો. જ્યારે 2019માં એક સદી ફટકાર્યા બાદ અને ઓસ્ટ્રેલીયામાં સદી ન ફટકારવા છતાં લડાયક દેખાવ દ્વારા ટીમ ઈન્ડિયાના વોલનેર બની રહેલા સૌરાષ્ટ્રના સાવજ ચેતેશ્ર્વર પૂજારાએ નબળા બેટીંગ સાથે નિરાશ કર્યા. સદી ફટકારવાની ચેતેશ્ર્વરની ઈચ્છા પણ અધુરીજ રહી ગઈ આ વાતની નોંધ તો લીધા વગર ચાલે તેવું નથી.

ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ મેચ હાર્યા બાદ એક મેચ ડ્રો કરી બે મેચ જીતી શ્રેણી વિજય સાથે ભારત ટેસ્ટ ક્રિકેટ વિશ્વ ચેમ્પિયન શીપની નજીક પહોંચી ગયું હતું. પરંતુ પ્રથમ ટેસ્ટમાં વિજય સાથે ઈંગ્લેડ બીજા સ્થાને પહોંચી ગયું હતું અને ભારત છેક ચોથા સ્થાને ધકેલાઈ ગયું હતું. પરંતુ ઈંગ્લેડ સામેની ત્રણ ટેસ્ટમેચ લાગલગાટ (સતત) જીતી ભારતે વિશ્વ ટેસ્ટ ક્રિકેટની ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવી લીધું છે. હવે જૂન માસમાં ઈંગ્લેડના લોર્ડઝ ખાતે રમાનારી વિશ્વ ક્રિકેટ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે રમવાની ટીકીટ પાકી થઈ ગઈ છે. વિશ્વ ક્રિકેટ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટેનું જે પોઈન્ટ ટેબલ છે તેમાં ભારતે પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
વિશ્વ ક્રિકેટ ચેમ્પિયનશીપ પહેલા ભારતે પોતાની તાકાત દેખાડવાની હજી બાકી છે. લોર્ડઝમાં ભારત વિશ્વને શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ ગણાતી ન્યૂઝીલેન્ડની ટીમને પછાડી ભારત ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સર્વોપરીતા ફરી એકવાર સાબીત કરશે તે વિષે હવે કોઈને પણ જરાય શંકા નથી.
ઈંગ્લેડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ પણ ભારતની યોગ્ય ઓપનરની તલાશ માટેની શોધ ચાલું રાખવી પડે તેવી સ્થિતિ છે તો ફાસ્ટ બોલરની તો લાંબી લાઈન છે તેમાં કોનો વારો આવશે તે પ્રશ્ર્ન છે. તો ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા કોની સાથે સમાવવા તે પણ સવાલ છેજ.
