@પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિયેટ એડિટર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના TDO ખાતા દ્વારા GDCR-બાંધકામના સરકારે નક્કી કરેલા કાયદા અને નિયમોને બાજુએ મૂકીને માત્ર રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બોન્ડ લઈને પ્લાન પાસ કરી રજાચિઠ્ઠી આપી દેવામાં આવે છે. પૂર્વ ઝોનમાં આ બદી સવિશેષ જોવા મળે છે. જમીનની માલિકીના મામલે કોર્ટમાં ગંભીર પ્રકારના કેસો ચાલતા હોવા છતાં ઝોનના અધિકારીઓ તગડો હપ્તો લઈને પ્લાન પાસ કરાવવામાં મદદરૂપ થતાં હોય છે. જો કોર્ટ કેસની ગંભીરતાને કે ગુણવત્તાને ધ્યાને લીધા વગર જ આડેધડ પ્લાન પાસ કરાતા હોય તો GDCRના કાયદાનો કોઈ અર્થ જ રહી જતો નથી. GDCRમાં ક્યાંય લખ્યું નથી કે રૂ. 300ના સ્ટેમ્પ ઉપર બોન્ડ લઈને પ્લાન પાસ કરી દેવા. અમદાવાદ મ્યુનિ.ને આવી છૂટ કોણે આપી છે તે પ્રશ્ન છે.
આ અંગેની વિગતો એવી છે કે રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર જે લખાણ લખાવવામાં આવે છે તે પણ ઢંગધડા વગરનું છે. એક બાંયધરી આપતી વખતે નોંધમાં લખાયું છે કે ‘અરજદાર શ્રી દ્વારા રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બાંયધરી આપેલ છે કે નામદાર કોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવે તે માન્ય રાખી તે મુજબ વર્તશે.’ આવું ના લખ્યું હોય તો પણ કોર્ટનો હુકમ માનવા માટે બંધનકર્તા જ હોય. આ તો પોતે જાણે મોટી બાયધરી લીધી તે દર્શાવવાનું નાટક માત્ર છે ! ‘નીચે લખ્યું છે કે નામદાર કોર્ટમાં થયેલા મેટર તથા ગુજરાત સરકારશ્રીને લગતી અન્ય અરજીઓમાં જે કંઈ નિર્ણય થશે તે મુજબ અમો બંધનકર્તા રહીશું તેવી મૌખિક સંમતિ આપેલ છે. વહીવટમાં મૌખિક સંમતિનો કોઈ અર્થ જ હોતો નથી. બીજું આવો ડ્રામા ના કરે તો પણ કોર્ટ અને સરકારનો હુકમો જે તે પક્ષકારે અને મ્યુનિ.ના અધિકારીએ પાળવાના જ રહે.
જ્યારે ટાઇટલ ખરડાયેલું હોય, કોઈ જમીનમાં ખોટી પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ કરી નાખ્યો હોય અને પાવર ઓફ એટર્નીની સહી ખોટી છે તેવો FSLનો રિપોર્ટ હોય તો પણ તેને ધ્યાને લીધા વગર જ મ્યુનિ. બાંધકામની રજાચિઠ્ઠી મીલાપીપણામાં રૂ. 300ના સ્ટેમ્પ પેપરની પોતે ઉભી કરેલી જોગવાઈની ઓથ લઈ આપી દે છે. હવે જો કોર્ટમાં જજમેન્ટ આપતા વાર થઈ અને બિલ્ડર મકાનો વેચીને જતો રહે તો મ્યુનિ. પાસે તેને પકડવાના કયા પાવર્સ છે !
બીજું હમણા એક મહાનગરની કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ફ્લેટ કે દુકાન વેચાઈ જાય અને તેમા ત્રીજી વ્યક્તિ નાણા ખર્ચીને આવી હોય તો તે જમીનના ઝઘડામાં સીલ ના થઈ શકે. મિલકત લેનાર બોનાફાઇડ ગ્રાહક છે. હવે વિચારો કે બિલ્ડરના સામેના પક્ષકારની તરફેણમાં ચુકાદો આવ્યો તો શું મ્યુનિ. મકાનો તોડી અગાઉ હતો એવો જ પ્લોટ તેને આપી શકવા માટે સક્ષમ છે? જો ના હોય તો રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બાંધકામની જેટલી પણ મંજૂરી આપી હોય તેની સમીક્ષા થવી જોઈએ અને કેસમાં વ્યાજબીપણું હોય તો કોર્ટ કેસના નિકાલ સુધી રજાચિઠ્ઠી જ સ્થગિત કરી જ દેવી જોઈએ. બિલ્ડરને ન્યાય આપવાની ઉતાવળમાં મૂળ જમીન માલિક કે જેની ખોટી પાવર ઓફ એટર્નીથી દસ્તાવેજ થઈ ગયો હોય, કોઈનું રજિસ્ટર્ડ બાનાખત હોય, મોટી રકમ ચૂકવાઈ ગઈ હોય તેને તો અન્યાય ન જ થવો જોઈએ ને? આખીય વાતનો સાર એ છે કે GDCRના કાયદા સરકારે માળિયે પડેલી ચોપડીમાં ધૂળ ખાવા નથી બનાવ્યા એ તો તંત્રએ સ્વીકારવું જ પડે. આવા કોર્ટ કેસો ચાલતા હોય તો બિલ્ડરનું શું થાય તેની ચિંતા કરવાની જવાબદારી મ્યુનિ. તંત્રની નથી અને નથી જ.
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ
આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી