@સચીન પીઠવા, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ.
સુરેન્દ્રનગરના કંકાવટી ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ, સામાન્ય બાબતે એકબીજા પર લાકડીઓ અને ધારિયા લઈ તૂટી પડ્યા
જૂથ અથડામણમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા
પોલીસે કંકાવટી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના કંકાવટી ગામે બે જૂથો વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. આ જૂથ અથડામણમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામા આવ્યા છે. પોલીસે ગામમાં ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.
ક્રિકેટ રમવા જેવી બાબતે બોલાચાલી થયા બાદ અથડામણ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે બે જૂથો વચ્ચે મારામારીનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયો અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે બે જૂથો વચ્ચે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતાં સામાન્ય ઝઘડાએ પળવારમાં વરવુ સ્વરૂપ ધારણ કર્યા બાદ મામલો બિચક્યો હતો. આ જૂથ અથડામણમાં સામ સામે લાકડીઓ વડે મોટા પાયે ટોળાઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા પહેલા ધ્રાંગધ્રા અને પછી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામ આવ્યા છે.
કંકાવટી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જૂથ અથડામણની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો કંકાવટી ગામમાં પહોંચી ચૂક્યો છે. ગામમાં હાલ સ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે. કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસે હાલ બંદોબસ્ત ગોઠવી દીધો છે. અથડામણ મામલે પોલીસે ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.
