Mahesana News: મહેસાણામાં હિન્દી ફિલ્મના કલાકાર દીપક તિજોરી વિસનગરની મુલાકાતે આવ્યા હતા. દીપક તિજોરીએ જણાવ્યું હતું કે વિસનગર મારું વતન છે. તેમની આ વાતે કેટલાયને ચોંકાવી દીધા હતા. દીપક તિજોરીએ તરત જ હસતા-હસતા જણાવ્યું હતું કે મારા પરદાદા વિસનગરમાં રહેતા હતા. તેમણે આગળ બધાને વધારે આશ્ચર્યચકિત કરતા જણાવ્યું હતું કે વિસનગરના ત્રણ ટાવર છે તે તેમના દાદાએ બનાવડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારા દાદા-પરદાદા અહીં જ રહેતા હતા. તેઓ અહીંથી જ નીકળી મુંબઈ ગયા.
પત્રકારો પણ બોલિવૂડ કલાકાર દીપક તિજોરીની વાતથી હતપ્રભ થઈ ગયા હતા. દીપક તિજોરી હાલમાં વિસનગરમાં છે અને તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મારી વાત પર વિશ્વાસ ન આવે તો આ ત્રણેય મુખ્ય ટાવર પર મારા દાદાનું નામ આજે પણ લખેલું છે તે વાંચી જજો.
દીપક તિજોરી વિસનગર પછી મહેસાણાની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. એક સમયે દીપક તિજોરી બોલિવૂડમાં જાણીતું નામ હતુ. તેમણે કેટલીય બોલિવૂડ ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી હતી. તેમને શાહરૂખ ખાન પછીના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાં ગણવામાં આવતા હતા, પરંતુ પહલા નશા જેવી એક કે બે ફિલ્મોને બાદ કરતાં તેમની ફિલ્મો ઉચકાઈ ન હતી.
તેના પછી તે ફિલ્મોમાં મહદઅંશે હીરોના મિત્રની ભૂમિકામાં વધુને વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા. હાલમાં કોઈ બોલિવૂડ પ્રોજેક્ટ હાથ ધરવાના છે કે નહીં તેના અંગે તેમણે કોઈ ફોડ પાડ્યો ન હતો, પરંતુ દીપક તિજોરીનું મૂળ ગુજરાતમાં છે તે જાણી બધાને આનંદ અને ગર્વની લાગણી થઈ હતી. તેની સાથે હાલમાં ગુજરાતની ફિલ્મોનું માર્કેટ વિકસ્યું છે તે અંગે તેમણે આનંદની લાગણી વ્યકત કરી હતી. તેમનું માનવું છે કે ગુજરાતી ફિલ્મોનું મેકિંગ હવે નવા સ્તરે પહોંચતા અને વિષયોમાં વૈવિધ્યતાના કારણે માર્કેટ નવા સ્તરે પહોંચ્યું છે.
આ પણ વાંચો: મહેસાણામાં નકલી પનીર માફિયાનો પર્દાફાશ, LCB પોલીસે ગાંધીનગરથી ઝડપ્યો મુખ્ય આરોપી
આ પણ વાંચો: મહેસાણા : વિજાપુરમાંથી બનાવટી પનીરની ફેક્ટરી ઝડપાઇ
આ પણ વાંચો: મહેસાણામાં ચોંકાવનારો બનાવ, વહુએ વૃદ્ધ સાસુને ફટકારી, બળજબરીથી દીકરીને લઈ જતાં ગુનો નોંધાયો
