Mehsana News: મહેસાણા (Mehsana) જિલ્લામાં નકલી પનીરનું ઉત્પાદન કરતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ કર્યા બાદ મહેસાણા સ્થાનિક ગુના શાખા (LCB) પોલીસે આ કેસના મુખ્ય આરોપી દિનેશ પટેલને ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે. આરોપી દિનેશ પટેલ વિજાપુરમાં નકલી પનીર બનાવવાની ફેક્ટરીના રેડ પડાયા બાદ ફરાર થઈ ગયો હતો અને ગાંધીનગરમાં પોતાના ભાઈના ઘરે સંતાઈ રહ્યો હતો.
ગયા અઠવાડિયે મહેસાણા LCB પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે વિજાપુરમાં એક ગેરકાયદેસર ફેક્ટરીમાં નકલી પનીરનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા અને ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી પનીર, રાસાયણિક પદાર્થો અને ઉત્પાદન માટે વપરાતા નીચી ગુણવત્તાના કાચા માલનો જથ્થો જપ્ત કર્યો. આ નકલી પનીર બજારમાં વેચાતું હોવાનું અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું.
આ ઘટનાને કવર કરવા ગયેલા મીડિયાકર્મીઓ પર આરોપી દિનેશ પટેલે જીવલેણ હુમલો કર્યો હતો. રેડ દરમિયાન દિનેશે મીડિયાકર્મીઓના કેમેરા અને સાધનો તોડવાનો પ્રયાસ કર્યો અને શારીરિક હુમલો કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાએ મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચાવી હતી.
LCB પોલીસે દિનેશ પટેલની શોધખોળ માટે વિશેષ ટીમ રચી અને ગાંધીનગરમાં તેના ભાઈના ઘરે સંતાયેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે, જેમાં નકલી પનીરના ઉત્પાદન, વેચાણ અને તેના નેટવર્ક વિશે મહત્વની માહિતી મળવાની શક્યતા છે.
આ પણ વાંચો:મહેસાણામાં જમીન માલિકને મારવાનો મામલો, પોલીસે આરોપીઓનું કર્યું પંચનામુ
આ પણ વાંચો: મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું ચોંકાવનારૂં નિવેદન
