WhatsApp Web Down Today Gujarat : વિશ્વના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppના યુઝર્સ માટે આજની સવાર મુશ્કેલીભરી રહી છે. ખાસ કરીને જે લોકો ઓફિસમાં કામ માટે WhatsApp Web (ડેસ્કટોપ વર્ઝન)નો ઉપયોગ કરે છે, તેમને લોગ-ઇન કરવામાં મોટી સમસ્યાઓ નડી રહી છે. આ ટેક્નિકલ ખામીને કારણે કોર્પોરેટ ઓફિસોમાં કામકાજ પર માઠી અસર પડી છે.
આઇફોન યુઝર્સ માટે WhatsApp Web કામ કરતું બંધ થયું
આ આઉટેજમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમસ્યા મુખ્યત્વે iPhone (iOS) યુઝર્સમાં જોવા મળી રહી છે. iPhone યુઝર્સ જ્યારે પોતાના ફોનથી ડેસ્કટોપ પર WhatsApp લિંક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે વારંવાર ‘લોગઇન એરર’ બતાવે છે. રિપોર્ટ્સ મુજબ, એન્ડ્રોઇડ યુઝર્સ માટે હાલમાં આ સેવા મોટાભાગે સામાન્ય રીતે કામ કરી રહી છે.
શું કહે છે ડેટા?
આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ Downdetector ના આંકડા મુજબ WhatsApp માં મોટી ટેક્નિકલ ખામી સર્જાઈ છે, જેમાં અંદાજે 56% યુઝર્સને WhatsApp Web (વેબસાઇટ) વાપરવામાં ગંભીર સમસ્યા આવી રહી છે. આ ઉપરાંત, 39% યુઝર્સને મોબાઈલ એપ લોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે 6% યુઝર્સ એવા છે જેઓ મેસેજ મોકલી કે મેળવી શકતા નથી.
આ સમસ્યાની શરૂઆત આજે સવારે આશરે 08:37 વાગ્યાથી થઈ હતી, જેને પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર યુઝર્સ સતત પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ઘણા યુઝર્સની ફરિયાદ છે કે કલાકોથી સતત પ્રયાસ કરવા છતાં ડેસ્કટોપ પર વોટ્સએપ ખુલતું નથી, જેના કારણે તેમના કામકાજ પર માઠી અસર પડી રહી છે.

1 માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો કડક નિયમ
આ ટેક્નિકલ ખામીની વચ્ચે કેન્દ્ર સરકારનો એક અત્યંત મહત્વનો નિર્ણય પણ સામે આવ્યો છે, જે અંતર્ગત 1 માર્ચથી ‘સિમ બાઈન્ડિંગ’ (Sim Binding) ના નિયમો વધુ કડક કરવામાં આવશે. આ નવા નિયમ મુજબ, હવેથી જો મોબાઇલમાં સક્રિય સિમકાર્ડ નહીં હોય, તો WhatsApp, Telegram કે Signal જેવી લોકપ્રિય મેસેજિંગ એપ્સ કામ કરશે નહીં.
આ ઉપરાંત, સુરક્ષાના ભાગરૂપે કમ્પ્યુટર પર લોગ-ઇન કરેલું WhatsApp પણ હવે દર 6 કલાકે ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે. સરકારનો દાવો છે કે આ કડક નિયમોના અમલીકરણથી સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી કરતા તત્વો પર અસરકારક રીતે લગામ લગાવી શકાશે અને વપરાશકર્તાઓની સુરક્ષામાં વધારો થશે.
Meta તરફથી શું છે અપડેટ?
વોટ્સએપની પેરેન્ટ કંપની Meta દ્વારા આ ટેક્નિકલ ગ્લિચ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો તમે પણ iPhone યુઝર છો, તો એકવાર એપ સ્ટોર પર જઈને WhatsApp અપડેટ કરો અથવા થોડા સમય પછી ફરી પ્રયાસ કરો.
આ પણ વાંચો: WhatsAppનો ઉપયોગ કરવાની રીત હવે બદલાઈ જશે! આવી રહી છે આ નવી સુવિધાઓ, પ્રાઈવસી થશે વધુ મજબૂત
આ પણ વાંચો: WhatsApp સ્કેમથી કેવી રીતે બચવું ???
આ પણ વાંચો: એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી
