- નેશનલ કોન્ફરન્સ દ્વારા એક વર્ષથી વધુ સમયથી રહેનારાઓને મતદાર તરીકે નોંધવા સામે વિરોધ
- મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં 25 લાખ નવા મતદારો ઉમેરવા પ્રયત્નશીલ
- ભાજપ ચૂંટણી હારી જવાના ડરથી આ પગલું લઈ રહ્યુ હોવાનો નેશનલ કોન્ફરન્સનો દાવો
- જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી નજીકના ભવિષ્યમાં થવાની પ્રબળ સંભાવના
જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાના એક નિર્ણયથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે એક મોટી જાહેરાત કરતા તેમણે આદેશ આપ્યો કે જે કોઈ વ્યક્તિ જમ્મુમાં એક વર્ષથી વધુ સમયથી રહે છે તેણે નવા મતદાર તરીકે રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. તેમના નિર્ણય બાદ જો કોઈ બહારની વ્યક્તિ પણ એક વર્ષથી વધુ સમય સુધી જમ્મુમાં રહે છે તો તેને મત આપવાનો અધિકાર મળશે.
નેશનલ કોન્ફરન્સે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ વિરોધમાં તે વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીમાં 25 લાખ નવા મતદારોને ઉમેરવાનો પ્રયાસ કરી રહી છે.એનસીએ કહ્યું છે કે સરકાર 25 લાખ બિન-સ્થાનિક લોકોને મતદાર યાદીનો ભાગ બનાવવા જઈ રહી છે. અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. ભાજપ ચૂંટણીથી ડરે છે, તે જાણે છે કે તે ખરાબ રીતે હારી જવાની છે. લોકોએ ભાજપના આ ષડયંત્રને મતપેટી દ્વારા પરાસ્ત કરવું જોઈએ.
ડેપ્યુટી કમિશનરના આદેશ પર પ્રતિક્રિયા આપતા, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે પાર્ટી સરકારના આ પગલાનો વિરોધ કરે છે. ટ્વીટમાં વધુમાં કહ્યું કે ભાજપ ચૂંટણીથી ડરે છે અને જાણે છે કે તે ખરાબ રીતે હારી જશે.
આ મુદ્દો સૌપ્રથમ ઓગસ્ટમાં સામે આવ્યો હતો જ્યારે તત્કાલિન મુખ્ય ચૂંટણી અધિકારી હૃદેશ કુમારે જણાવ્યું હતું કે મતદાર યાદીના વિશેષ સંશોધન પછી J&Kને બહારના લોકો સહિત લગભગ 25 લાખ વધારાના મતદારો મળવાની સંભાવના છે. ભાજપ સિવાય લગભગ તમામ રાજકીય પક્ષોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહે પણ જમ્મુની મુલાકાત લીધી હતી, તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે ઘાટીમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે.
