રાશિફળ/ આ નવા વર્ષે કોને થશે ફાયદો? શું કહે છે તમારું રાશિફળ

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]

Top Stories Rashifal

સંવત 2077નું વાર્ષિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

કારતક સુદ એકમ એટલે હિંદુઓનું નૂતન વર્ષ. પ્રત્યેક મનુષ્યો પવિત્ર સંકલ્પ સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરે છે. આપણે સૌ ઈશ્વરની કૃપા ઇચ્છનારા છીએ. આપણે સદાય આપણા પુરૂષાર્થમાં ઈશ્વરકૃપાને સમન્વિત કરીએ છીએ. તા. 16 નવેમ્બર 2020, સોમવાર, સંવત 2077ના નૂતન વર્ષના નવલપ્રકાશે આપ સૌને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. પરમ કૃપાળું ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું આપ સૌનું નૂતન વર્ષ નિરામય આરોગ્ય, સુખ અને સમૃદ્ધિની વર્ષા કરનારું બની રહે.

નૂતન વર્ષના ગ્રહોનું બળાબળ પ્રત્યેક રાશિ માટે કેવું હશે તેની તેની વાત કરવાની છે. નૂતન વર્ષના સૂર્યોદયે ગ્રહોનું બળાબળ જોતાં પહેલા હું નવગ્રહોને પણ પ્રાર્થના કરું છું કે જીવનમાત્ર ઉપર ગ્રહદેવતા કૃપાવર્ષા કરે. સૌને ત્રિવિધ પીડાથી મુક્ત કરે અને શાંતિનો અનુભવ કરાવે. નવ ગ્રહોને વંદન કરીને હવે મેષથી લઈને મીન એમ બારેય રાશિની સંભવિત શક્યતાઓનો વિચાર કરીએ. સંવત 2077ના નૂતન પ્રભાતે સૂર્ય, ચંદ્ર અને શુક્ર એમ ત્રણ ગ્રહો પોતાની નીચ રાશિમાં ભ્રમણ કરશે.

મેષ (અ,લ,ઈ) –

ગ્રહોની સ્થિતિ – આપની રાશિથી રાહુ બીજા સ્થાને રહેશે તો કેતુ અને ચંદ્રદેવ આઠમા સ્થાને રહેશે. રાશિ સ્વામી મંગળ મીન રાશિમાં બારમા સ્થાને રહેશે. ધન સ્થાનનો સ્વામી શુક્ર છઠ્ઠા સ્થાને છે વળી, શનિ દેવ દશમા સ્થાને સ્વગૃહી રાશિમાં ભ્રમણ કરશે. સૂર્ય અને બુધ સાતમા સ્થાને રહી દેહ સ્થાન તરફ દૃષ્ટિ કરી રહ્યા છે.

આરોગ્યની દૃષ્ટિએ – પહેલું સુખ તે જાતે નર્યા આ ઊક્તિને આપણે સદાય કેન્દ્ર સ્થાને મૂકીને જીવતા આવ્યા છે માટે, પ્રથમ આરોગ્યનો વિચાર કરીએ. દેહસ્થાનનો સ્વામી એટલે કે, રાશિ સ્વામી મંગળ બારમા સ્થાને મિન રાશિમાં ભ્રમણ કરે છે. મિન રાશિ એટલે ગુરૂની રાશિ અને મંગળના મિત્રની રાશિ છે. પોતાના મિત્રની રાશિમાં ભ્રમણ કરતો મંગળ આપના આરોગ્યને વિશેષ પીડા આપે તેવું લાગતું નથી પણ, તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે. પ્રવાસ રહી શકે છે અને પ્રવાસ દરમિયાન આપે આપનું આરોગ્ય વિશેષ જાળવવાનું રહેશે. ખાન-પાનમાં આપે વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. બીજા સ્થાન એટલે મુખના સ્થાનમાં રાહુ મહારાજ બિરાજે છે એટલે જો કોઈ વ્યસન હોય તો તેનો ત્યાગ કરજો નહીંતર વ્યસનના કારણે મુશ્કેલીમાં સપડાવાનું થશે. જો આપણે સબળી બાજુનો વિચાર કરીએ તો સમજાય છે કે દેહસ્થાન ઉપર ગુરૂ જેવા શુભગ્રહની દૃષ્ટિ છે માટે આગામી વર્ષે આપના આરોગ્ય માટે કંઈ બહુ મોટો ખતરો નથી. જો જન્મના ગ્રહો વિપરીત હશે તો આપે થોડી મુશ્કેલીનો સામનો કરવો પણ પડે માટે સાવધાન રહેવું સારૂં. રાશિ સ્વામી મંગળ ઉપર શનિદેવની ત્રીજી વક્રદૃષ્ટિ છે માટે માથુ દુઃખવાનો વ્યાધિ સતાવે. વાહન ચલાવતી વખતે વિચારવાયુ ઉપર કાબૂ રાખવો અને જો તમે ગુસ્સામાં હોવ તો વાહન ચલાવતી વખતે વધારે સાચવવાનું રહેશે.

રાશિ સ્વામી બારમા સ્થાને હોવાથી ગુસ્સો તો રહે અને વળી તેમાં શનિદેવની ત્રીજી દૃષ્ટિ પરિસ્થિતિને બેકાબૂ બનાવે તેવી શક્યતા પણ રચાય છે. જેથી, જો તમે ગુસ્સામાં હોવ તો શક્યતઃ વાહન ન ચલાવો તે વધારે યોગ્ય છે. પોતાના કામ-ધંધે જાવ ત્યારે પણ નિશાળેથી નિસરી જવું પાંસરા ઘેર એ ઊક્તિને ધ્યાનમાં રાખીને રોજ-બ-રોજની મુસાફરી કરવાની રહેશે. સાથે સાથે, જો કોઈ ચામડીની બિમારી અથવા સ્નાયુની બિમારી અગાઉથી તમને સતાવતી હોય તો તમારે વધારે સાચવવાનું રહેશે. ઈજનેરી, ઈલેક્ટ્રીકલ, લુહારી અથવા મિસ્ત્રીકામ કરતા વ્યક્તિઓએ કુલમળીને ઓજાર સાથે કામ કરનાર વ્યક્તિઓએ વધારે સાવચેતી રાખવી અને રોજ ગણેશજીની એક માળા કરીને જ પોતાના રોજીંદા કાર્યનો પ્રારંભ કરવો સલાહભર્યું છે.

આર્થિક દૃષ્ટિએ- શુક્રદેવ છઠ્ઠા સ્થાનમાં છે અને જ્યારે ગુરૂ રાશિ પરિવર્તન કરીને દસમા સ્થાનમાં આવશે ત્યારે ધન સ્થાન ઉપર દૃ્ષ્ટિ કરશે માટે કુલમળીને તમને ધન બાબતે કોઈ મોટી મુશ્કેલી જણાતી નથી. પરિસ્થિતિ સ્થિર રહે તેવું જણાય છે પણ હાથ થોડો ભીડમાં રહે તેવું જણાય છે. જો જન્મના ગ્રહો મજબૂત હશે તો તમારી નૈયા સારી રીતે હાલક-ડોલક થયા વિના ચાલતી રહેશે. ચંદ્રથી બીજે ગુરૂ છે એટલે એક પ્રકારે ધર્મકાર્યોમાં ખર્ચ વધુ થાય પણ પૈસા માટે તમારે વલખાં મારવા પડે તેવી પરિસ્થિતિની રચના થવાની શક્યતા નહીંવત્ છે. ક્યારેક ક્યારેક નાણાંકીય દૃષ્ટિએ ભીંસમાં આવી ગયાનો તમને અહેસાસ થાય પણ ક્યાંકથી તમને માર્ગ મળી રહેશે અને કાર્ય સિદ્ધ થઈ રહેશે. નાણાંકીય દૃષ્ટિએ જો કોઈ તક આવે તો તેને વધાવી લેજો. પહેલી દૃષ્ટિએ તમને આવેલી તક થોડી નબળી લાગે પણ સ્વીકારી લેશો તો આગળ વિશેષ લાભ થવાની શક્યતા નકારી ન શકાય.

જેમ જેમ વર્ષ આગળ વધતું જાય તેમ તેમ તમારી નાણાંકીય ક્ષમતા વધતી જણાય છે. કુળદેવી ઉપાસનાની સાથે સાથે કનકધારા સ્તોત્ર અને શ્રીસૂક્તનો પાઠ પણ કરવો. દેવીની ઉપાસનાથી તમારી નાણાંકીય નૈયા પાર ઉતરી જશે. ધન સ્થાનના સ્વામી ઉપર અષ્ટમેશ મંગળની દૃષ્ટિ છે આ મંગળ દેવ તમારા રાશિસ્વામી પણ છે. કુલમળીને રાશિ સ્વામી મંગળ અને ધન સ્થાનના સ્વામી શુક્રનો દૃષ્ટિ સંબંધ થાય છે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા પણ વધી જાય છે. જો કોઈ વારસાઈ પ્રશ્ન ચાલતો હશે તો પણ તે સંબંધ ધન પ્રાપ્તિ થવાની શક્યતા વધી જાય છે. પોતાના પૂજાના સ્થાનમાં અથવા પાકીટમાં રિદ્ધિ-સિદ્ધિ સહીત ગણેશજીનું યંત્ર રાખશો તો તમને ધન સંબંધી મામલે રાહત જણાશે. જો તમને ચેતવણી આપવી હોય તો ફક્ત એટલું જ કહીશ કે કોઈપણ પ્રકારના આડા સંબંધોમાં ફસાશો નહીં. જો તમે આ પ્રકારના સંબંધ રાખશો તો ધનનો મોટો વેડફાટ થઈ શકે છે માટે સાવધાન.

કૌટુંબિક દૃષ્ટિએ- આજના યુગમાં પરિવારની વ્યાખ્યા દિવસે દિવસે ખૂબ સિમિત થતી જાય છે. પરિવાર શબ્દ લખું તેના કરતા એમ લખું કે તમે જેની સાથે સંકળાયેલા છો તે બધાં જ. આપણે નોકરી કરતા હોઈએ તો તે વ્યાવસાયિક પરિવાર, ઘરમાં રહેતા હોઈએ તે કૌટુંબિક પરિવાર, સમાજમાં રહેતા હોઈએ તે સામાજિક પરિવાર એટલે એક પ્રકારે પરિવારનો મોટા પરિપ્રેક્ષ્યમાં મૂલવવાની વાત છે. આગામી સમયમાં જવાબદારીમાં ઉમેરો થાય. બીજાનું કાર્ય કરવું પડે. સાદા શબ્દોમાં એમ પણ કહેવાય કે, થોડું સહન પણ કરવું પડે. એક હકારાત્મક બાબત એ પણ છે કે જેટલું કરશો તેટલું પામશો પણ ખરા.

લાગણીના સંબંધોમાં થોડું વેઠવાનું આવે તો વેઠજો પણ ભાષામાં સંયમ રાખજો. તમને એમ થશે કે મારું બોલેલું લોકો પકડી લે છે પણ સંયમ રાખજો. બીજાના કડવા વેણ સહન કરીને પણ તમારે ચૂપ રહેવાનું છે. ‘ગમ ખાના ઔર કમ ખાના’ આ ઊક્તિ તમારા માટે આગામી સમયમાં ખૂબ જ અનુરૂપ થઈ રહેશે. ખૂબ લાગણીશીલ થઈ ન આપવાની સલાહ ન આપી બેસતા. તમારે ડિપ્લોમેટીક પણ થવું પડશે અને સહન પણ કરવું પડશે. જ્યારે વ્યતિપાત અને મહાપાત યોગ હોય ત્યારે શિવજીની ઉપાસના કરજો. સંધ્યા સમયે શિવવંદના અવશ્ય કરવી. તમારા સુખીજીવનની ચાવી શિવજી પાસે છે એટલું યાદ રાખજો. (ઈતિ શુભમ્)

વૃષભ (બ,વ,ઉ) –

ગ્રહોની સ્થિતિ – વૃષભ રાશિ આમ તો સશક્ત રાશિ કહેવાય. મહેનત કરી જાણે અને વખત આવે ઊંડાથી ઊંડા દુઃખ પણ સહન કરી જાણે. સુખ-વૈભવ અને આનંદી રાશિ કહેવાય. પોતાનું હિત શેમાં છે એ વાત આ રાશિને બરાબર ખબર હોય છે પણ, તેમ છતાં ક્યારેક સ્વાર્થમાં પોતાનું નુકશાન કરી બેસે છે. નૂતન વર્ષના પ્રભાતે તેમની રાશિમાં રાહુદેવે સ્થાન લીધું છે સાથે સાથે ચંદ્ર અને કેતુએ વૃશ્ચિક રાશિ એટલે કે બરાબર સામેની રાશિમાં રાહુ સાથે પ્રતિયોગ કર્યો છે. આ પ્રકારનો યોગ થોડો મુશ્કેલીને નોંતરું આપનારો કહી શકાય પણ, જન્મના ગ્રહો જો મજબૂત હશે તો શૂળીના ઘા સોયે પણ સરી જશે. આઠમા સ્થાને ભ્રમણ કરનારો ગુરૂ ધનસ્થાન ઉપર દૃશ્ટિ કરે છે અને બારમા સ્થાન ઉપર પણ દૃષ્ટિ કરે છે એટલે આરોગ્યમાં કંઈ બહુ મોટી હાનિ ન કહી શકાય.

આર્થિક દૃષ્ટિએ- વૃષભ રાશિને ધન સ્થાન ઉપર ગુરૂ જેવા શુભગ્રહની દૃષ્ટિ છે માટે ધન સંબંધી કાર્યોમાં વાંધો નહીં આવે. પરદેશના કાર્યોમાંથી ધન પ્રાપ્ત થઈ રહેશે. સાથે સાથે, જો જમીન-મકાનના કાર્યો હશે તો તેમાંથી પણ ધનપ્રાપ્તિના અવસરો રચાશે. તા. 20 નવેમ્બર પછી જેવા ગુરૂદેવ રાશિપરિવર્તન કરશે કે થોડો ફરક વર્તાશે. કોર્ટકચેરીમાં ધનખર્ચ થઈ શકે છે. ભૂતકાળમાં કરેલી ભૂલો તમારી ધનહાનિનું કારણ બનતું જણાય છે. તમારે ખરાબ સમય પૂરો થયેલો જાણવો પણ એક વાત ધ્યાનમાં રાખજો કે જો તમને તમે કરેલા કાર્યોનો પસ્તાવે હશે તો જ આગામી સમયનો લાભ મળશે. સમય જેમ જેમ આગળ વધશે તેમ તેમ મહેનત વધુ કરવી પડશે. પૈસા કેવી રીતે કમાવા એ તમારો મુખ્ય ધ્યેય રહેશે. એક સમય એવો આવે કે તમને એમ થાય કે મારે ઘણા બધા પૈસા જોઈએ છીએ અને આવક મર્યાદિત છે. ધન મેળવવા તમારે હડીયાપટ્ટી વધારે થાય. ક્યારેક ગુસ્સો પણ આવશે પણ સંયમ રાખવો પડશે. ધન સંબંધી વાતોમાં થોડો કલેશ પણ થઈ શકે છે માટે સાવધાન રહેજો. આગામી વર્ષ મહેનત કરીને પૈસા કમાવાનો સમય જાણવો.

વર્ષ જેમ જેમ વીતતું જશે તેમ તેમ તમારે મહેનત વધારે કરવી પડશે. જો તમે કોઈ માર્કેટીંગના કાર્યો સાથે સંકળાયેલા હશો તો તમારે માર્કેટીંગ ક્ષેત્રે વધુ મહેનત કરવી પડશે. સવાર-સાંજ ઘરમાં ગાયના ઘીનો દિવો કરશો તો તમને પ્રમાણમાં રાહત જોવા મળશે.

આરોગ્યની દૃષ્ટિએ – આરોગ્ય તમારા માટે કેન્દ્રસ્થાને રહેશે. દિવાળીથી માર્ચ મહિના સુધી કંઈ ખાસ વાંધો જણાતો નથી. પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં રહેતી જણાય છે પણ જો તમારા જન્મના ગ્રહો નબળા હશે તો તમારે સાવધાની રાખવાની રહેશે. જેમ જેમ વર્ષ વીતતું જશે તેમ તેમ જુદા જુદા રોગ દેખા દેશે. જો તમારે વયોવૃદ્ધ હોવ તો તમારે ખાસ સાચવવાનું રહેશે. વર્ષનો મધ્યકાળ તમારા માટે થોડો પડકારજનક કહી શકાય. એક પ્રકારે તમે દેખીતી રીતે સાજા દેખાવ પણ તમારી આંતરીક પીડા વધી જાય. ક્યારેક શરીર સાજું તો મન માંદું અને ક્યારેક મન માંદું તો શરીર સાજું એવો ઘાટ રચાઈ શકે છે. ગમે તે હોય પણ વર્ષનો અંતિમ તબક્કો તમારા માટે પીડામાંથી છૂટવાનો જણાય છે. રોગ ઉપર તમારો વિજય પ્રાપ્ત થતો જણાય છે માટે તમે આશ્વસ્ત રહેજો. સૂર્યદેવની ઉપાસના કરજો અને તેમને પ્રાર્થના કરો. સૂર્યદેવની કૃપાથી સૌ સારાવાના થશે.

કૌટુંબિક દૃષ્ટિએ- આ વર્ષ કૌટુંબિક દૃષ્ટિ વધુ લાભદાયી દેખાય છે. વર્ષના પ્રારંભમાં ક્યાંક રીસામણા-મનામણાં દેખાય છે. તમે એક વાત ધ્યાનમાં રાખજો સમાધાનકારી વલણ અપનાવવું તમારા માટે વધુ યોગ્ય રહેશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ લાવનારી તક તમે ઝડપી લેજો. જો ખોટી આનાકાની કરશો તો વાત વધુ ખેંચાઈ જશે. વર્ષનો મધ્ય સમય સારીનરસી બેઉ બાબતોનો આપનારો બની રહેશે. તમારે જુદી જુદી અને બાબતો ઉપર વિચાર કરવો પડશે. બિલકુલ, સંતુલનથી તમે નિર્ણય લેશો તો વાંધો નહીં આવે. વર્ષના છેલ્લા તબક્કામાં મને સકારાત્મક પરિસ્થિતિ દેખાય છે. કંઈક એવું અચાનક થઈ શકે કે વાતનો નિવેડો આવી જાય. પેલી કહેવત તો આપણે સૌ જાણીએ છીએ કે- અંત ભલા તો સબ ભલા.

મિથુન (ક,છ,ઘ)-

ગ્રહોની સ્થિતિ – રાશિ સ્વામી બુધ પોતે મારકેશ સૂર્ય સાથે પાંચમા સ્થાનમાં યુતિમાં ગોઠવાયો છે. ધન સ્થાનનો સ્વામી ચંદ્ર છઠ્ઠા સ્થાને કેતુ સાથે ગોઠવાયેલો છે અને ભાગ્યસ્થાનનો સ્વામી શનિદેવ પોતાનાથી બારમા સ્થાને રહીને ત્રીજા સ્થાને બેઠેલા મંગળને જોઈ રહ્યો છે. અત્યંત શુભગ્રહ ગુરૂ મહારાજ સાતમા સ્થાને રહી દેહ સ્થાન તેમજ પરાક્રમ તેમજ લાભસ્થાનને જોઈ રહ્યો છે.

આર્થિક દૃષ્ટિએ- ધન સ્થાનનો સ્વામી જ્યારે છઠ્ઠે કેતુ સાથે બેઠેલો હોય ત્યારે કાં તો શત્રુપીડામાં ધન ખર્ચ થાય, આરોગ્ય પાછળ ખર્ચ થાય અથવા કોર્ટકચેરીમાં ધન ખર્ચ થતો હોય છે. ચંદ્ર અનુરાધા નક્ષત્રનો છે આ નક્ષત્ર દેવગણ નક્ષત્ર કહેવાય છે પણ તેનો સ્વામી શનિદેવ છે અને શનિદેવ મિથુન રાશિમાં આઠમા સ્થાને ભ્રમણ કરી રહ્યા છે. શનિદેવની દૃષ્ટિ ધન સ્થાન ઉપર છે. ધન વ્યય થાય તેવું જણાય છે. ગ્રહો તો તેમનું કાર્ય કરશે પણ સાથે સાથે ગ્રહો આધારીત હું તમને ઉપાય પણ આપવા ઇચ્છું છું. તમે જેટલા ઉદાર બનશો તેટલું તમારું કાર્ય સરળ બનશે. નવેમ્બર પછી પરિસ્થિતિ થોડી વધારે સખત બને તેવું વર્તાય છે. તમે વધારે કંજુસાઈ કરવા જશો પણ ધન ખર્ચ તો થશે તેવું દર્શાવે છે. મેં તમને ઉદારતા કેળવવાનો ઉપાય આપ્યો છે પણ સાથે સાથે પ્રમાણિક પણ થવું પડશે.

આરોગ્યની દૃષ્ટિએ-ગમે તેવી પરિસ્થિતિ હશે પણ તમારું આરોગ્ય જળવાઈ રહેશે તેવું દર્શાવે છે. આરોગ્ય જાળવવા બાબતે તમે થોડા વધારે જ ઉત્સુક થઈ જશો. હોસ્પિટલની પીડામાંથી તમને રાહત મળશે. જો તમને કોઈ હોસ્પિટલમાં દાખલ થવાનો ભય સતાવતો હોય તો તેમાંથી પણ તમને મુક્તિ મળતી જણાય છે. કોઈક ઉપચાર તમને લાગુ પડી જાય અને હઠીલી બિમારીમાંથી તમને રાહત મળતી જણાય છે. વધુ પડતી ચિંતા તમને સતાવશે પણ છેવટે રાહત મળશે. જન્મના ગ્રહો જો તમને સાથ આપશે આરોગ્ય ઉત્તમ પ્રકારે જળવાશે.

કૌટુંબિક દૃષ્ટિએ- હસતા મોંઢે સહન કરવાની વૃત્તિ તો પ્રત્યેક સામાજિક જીવન જીવતા મનુષ્યે રાખવી જ પડતી હોય છે. આ ઊક્તિ તમને એટલા માટે યાદ અપાવું છે આવનારા વર્ષમાં આ સમજણની જરૂર પડશે. ઘરની અંદર ખર્ચને લઈને થોડો મતભેદ રહે તેવું જણાય છે. તમારી ભાષા તમારા માટે ઘરમાં મતભેદ ઊભો કરી શકે છે માટે, ભાષામાં સંયમ રાખજો. સંતાન સંબંધી પીડા તમને વધારે અકળાવનારી બની રહે તેવું લાગે છે. બ્રાહ્મણોને સન્માન આપજો, ગુરૂગ્રહ સંબંધી ઉપાસના કરશો તો તમને રાહત મળશે. ગ્રહોના વરતારા અને ઉપાયની સાથે સાથે હું તમને એક સાલહ પણ આપવા માંગું છું કે આપનું સાહસ દુઃસાહસ ન થાય તે વાતનો બરાબર ખ્યાલ રાખીને કોઈ જોખમ ઉઠાવવાનો પ્રયત્ન કરજો.

કર્ક (ડ,હ) –

ગ્રહોની સ્થિતિ – રાશિ સ્વામી ચંદ્ર દેવ પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે. ચંદ્રદેવનું ભ્રમણ પાંચમા સ્થાનમાં કેતુ સાથે છે અને ચંદ્રનું અનુરાધા નક્ષત્ર છે. સૂર્યબુધ ચોથા સ્થાનમાં છે સૂર્ય પરિવારના સ્થાનનો માલિક છે અને બુધ વ્યયેશ પણ છે અને તૃતિયેશ પણ છે. મંગળ ભાગ્યસ્થાનમાં મિન રાશિમાં છે અને તેની બરાબર સામે શુક્ર બિરાજમાન છે. શનિ અને ગુરૂ જેવા લાંબાગાળાના ગ્રહો અનુક્રમે સાતમે અને છઠ્ઠે ભ્રમણ કરી રહ્યા છે.

આર્થિક દૃષ્ટિ- ધન સંબંધી કાર્યોમાં તમારો રથ સંતુલિત ગતિથી આગળ વધશે. ગુરૂ જેવા શુભગ્રહની દૃષ્ટિ ધન સ્થાન ઉપર છે માટે કોઈ મુશ્કેલીનું કારણ દેખાતું નથી. બચતની અનેક યોજનાઓ તમારા મનમાં આકાર લેતી જશે. જુદા જુદા રોકાણ અને તેનાથી મળતા ફાયદા બાબતે આપનું મન વિચારમાં રહેશે. જેમ જેમ વર્ષ આગળ વધશે એમ તમે થોડા થોડા ચિંગુશ એટલે કે જ્યાં રૂપિયાની જરૂર હોય ત્યાં દસ પૈસા વાપરવાની વૃત્તિ જ કેળવશો. સોના-ચાંદીમાં પૈસા રોકવાની ઇચ્છા વિશેષ થશે. આગામી વર્ષ ધન બાબતે કોઈ મોટી ચિંતા આપે તેવો અંદેશો વર્તાતો નથી. જો જન્મના ગ્રહો બળવાન હશે તો આગામી વર્ષે વધુ પૈસા મેળવી શકશો.

આરોગ્યની દૃષ્ટિએ- આરોગ્યની સાથે દોડપક્કડ રમવી પડે તેવી સ્થિતિ રચાય. જોકે, તમારા પ્રયત્નો આરોગ્ય જાળવવા પ્રતિ રહેશે એટલે કોઈ વાંધો આવતો જણાતો નથી. આરોગ્ય બાબતે તમારા મનમાં છૂપો ભય સતાવતો રહે તે પણ હકીકત છે. પેટની ગરબડ થોડી પરેશાન કરી શકે છે. પેટમાં ગેસ, ઓડકાર આવવા, પેટ ભારે લાગવું વગેરે સમસ્યા આપને સતાવી શકે છે માટે સાવધાન રહેવું. ગ્રહો મને એવું સૂચન પણ કરે છે કે જો આરોગ્યની પરેશાની સતાવે તો ગણપતિદેવની ઉપાસના કરજો પણ દાક્તરી ઈલાજ કરાવવાનું ભૂલતા નહીં. સાથે સાથે માતાની સલાહને પણ ધ્યાનમાં લેજો. પેટની બિમારીની સાથે માનસિક આરોગ્ય પણ તમારે જાળવવું પડશે. જુદા જુદા અનેક વિચારોથી ઘેરાઈને કોઈ ખોટો નિર્ણય ન લેવાઈ જાય તેનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. પોતાના મનમાં કોઈ કાલ્પનિક દુનિયા બનાવી તેને વશ ન થઈ જતા તેનું ધ્યાન રાખજો.

કૌટુંબિક દૃષ્ટિએ- પોતાના પરિવારનું સુખ કુબેરની સંપત્તિ કરતા પણ મોટું છે એ વાત તમારે યાદ રાખવી પડશે. તમારા મનમાં કુટુંબના સભ્યો પ્રત્યે સતત એવું જ રહ્યા કરે કે તમારે આમ નહોતું બોલવાનું, મને તમારાથી આમ ન કહેવાય, મારા સાથે તમે ખોટું વર્તન કર્યું વગેરે વગેરે મતમતાંતરો સતત ચાલ્યા કરે. કૌટુંબિક આરોગ્ય જાળવવું એ તમારા હાથમાં એ વાત યાદ રાખજો. જેમ જેમ વર્ષ વીતતું જશે એમ કૌટુંબિક બાબતોમાં સુખ જણાતું જશે પણ હમણાંનો થોડો સમય સંઘર્ષવાળો છે તે યાદ રાખજો. ઘરના બધા સભ્યો તમને અનુકૂળ થશે પણ તમે એમને અનુકૂળ થાવ તે વધુ જરૂરી છે. ખાસ કરીને માતા-પિતા સાથે તમારા સંબંધો જોખમાઈ શકે છે. તમારા મનમાં કોઈ ગ્રંથિ ન બંધાઈ જાય તેનું તમારે ધ્યાન રાખવું પડશે.

સિંહ (મ,ટ) –

ગ્રહોની સ્થિતિ – ધન સ્થાનમાં નીચનો શુક્ર, પરાક્રમ સ્થાનમાં નીચનો સૂર્ય અને સાથે બુધ મહારાજ બિરાજમાન છે. ચોથા સ્થાનમાં ચંદ્ર અને કેતુ સાથે એટલે સામે રાહુ મહારાજ હોય જ. પંચમ સ્થાનમાં ગુરૂ અને છઠ્ઠે શનિ દેવ બિરાજમાન છે. એક પ્રકારે મોટા ભાગના ગ્રહો અદૃશ્ય ગોળાર્ધમાં બિરાજમાન છે, દૃશ્ય ગોળાર્ધમાં ફક્ત રાહુ મહારાજ જ ગોઠવાયેલા છે.

આર્થિક દૃષ્ટિએ – નૂતન વર્ષે ધન કમાવાની લાલસા વધી જશે. પૈસા પાછળ મન દોડતું થઈ જાય તેવું દર્શાવે છે. એકલું મન નહીં તમારા પ્રયત્નો પણ ઘણાં વધી જશે. એક વાત આ બાબતે યાદ રાખવી કે પ્રયત્ન વધુ હશે પણ તેટલા પ્રમાણમાં ધન મળતું જણાતું નથી. છેવટે બીજો બધો આધાર તમારા જન્મના ગ્રહો ઉપર આધારીત છે. પૈસા આવે તે પણ ક્યાંક રોકાઈ જાય. ખર્ચ વધી જાય એટલે આવેલું ધન દેખાય નહીં. આગામી વર્ષે તમારે આરોગ્ય બાબતે ધનખર્ચ થઈ શકે અથવા કોર્ટકચેરી બાબતે પણ ધન ખર્ચ થઈ શકે તેવું દર્શાવે છે. સૂર્યદેવની ઉપાસના કરજો બધુ સારાવાના થશે.

આરોગ્ય દૃષ્ટિએ – તમારી શારીરિક શક્તિ ઉત્તમ રહેશે. જો અગાઉથી તમને કોઈ બિમારી ચાલી આવતી હશે તો તેમાં તમને રાહત મળતી જણાય છે. શરીરમાં સ્ફૂર્તિ વર્તાશે. આવનારા સમયમાં તમારા આરોગ્યને હાનિ પહોંચે તેવા સંકેત મળતા નથી. જો કોઈ નાનીમોટી શારીરિક તકલીફ આવશે તો પણ તેના ઉપચાર દ્વારા તમને રાહત મળતી જણાશે. જો વ્યક્તિનું આરોગ્ય ઉત્તમ હોય તો વ્યક્તિ કોઈપણ સમસ્યા સામે લડી શકે છે. અહીં તમારા આરોગ્યને કોઈપણ પ્રકારની હાનિ જણાતી નથી એટલી તમે ઈશ્વરની કૃપા જાણજો.  સામાન્ય પીઠનું દર્દ થઈ શકે છે પણ તેમાં પણ ધીમે ધીમે તમને રાહત મળતી જણાશે. વાહન ચલાવતા આ વર્ષે તમારે ધ્યાન રાખવાનું છે. અકસ્માતથી ચેતવું અને ઘરમાં પણ હરતા-ફરતા તમારે સાવધાન રહેવાનું છે એ વાત યાદ રાખવી.

કૌટુંબિક દૃષ્ટિએ – મોજ-મજા વધારે દેખાય છે. હરવું-ફરવું, નીત-નવું જમવું અને જલસાવાદી અભિગમ રહેશે. પરિવારમાં શાંતિ રહેશે. જો તમને કોઈ વ્યસન હોય તો તેનો ત્યાગ કરજો. નશો તમને કરવો વ્હાલો લાગશે પણ સરળવાળે એ તમારા માટે સમસ્યા નોંતરશે એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. ધૂમ્રપાન આદિકની કુટેવ વધી જાય તેવું દર્શાવે છે. જીભનો સ્વાદ વિશેષ રહેશે એટલે પરિવારમાં બધા ભેગા મળી આનંદ કરશો. પરિવારમાં નિર્મળ આનંદનું સુખ આવકાર્ય છે પણ તેમાં અતિરેક થાય અને મર્યાદા ચૂકાય તેવું ન કરશો. હું તમને એટલા માટે આ ચેતવણી આપું છું કારણ કે આ પ્રકારની સંભાવના અહીં વર્તાય છે.

કન્યા (પ,ઠ,ણ) –

ગ્રહોની સ્થિતિ – દેહસ્થાનમાં નીચનો શુક્ર છે જે ભાગ્ય સ્થાનનો સ્વામી પણ છે. દેહ સ્થાનનો સ્વામી વ્યયેશ સૂર્ય સાથે બીજા સ્થાનમાં ગોઠવાયેલો છે. લાભ સ્થાનનો સ્વામી ચંદ્ર કેતુ મહારાજ સાથે ત્રીજા સ્થાનમાં ગોઠવાયેલો છે. ભાગ્યસ્થાનમાં રાહુ દેવ છે અને સાતમા સ્થાનમાં ગુરૂ મહારાજ અને પાંચમા સ્થાનમાં શનિ દેવ સ્વગૃહી બિરાજમાન છે.

આર્થિક દૃષ્ટિએ-પૃથ્વી તત્ત્વ અને દ્વિસ્વભાવ કન્યા રાશિ આવનારા વિક્રમ સંવત 2077માં ખુશનામાં વાતાવરણમાં વૃદ્ધિ પામશે. એક સિદ્ધાંત પ્રમાણે દેહ સ્થાનમાં બેઠેલા નીચના ગ્રહો જાતકને લાભ આપતા હોય છે. દેહ સ્થાનનો સ્વામી લાભ સ્થાનમાં ગોઠવાયેલો છે એટલે અને તે પણ વ્યય સ્થાનના સ્વામી સાથે છે. એક વાત અહીં સ્પષ્ટ છે પૈસા આવશે તો ખરા પણ વપરાશે પણ ખરા. એક સબળી વાત એ છે કે વ્યય સ્થાનનો સ્વામી દેહ સ્થાનના સ્વામીનો મિત્ર છે એટલે હું અહીં સુખ-સમૃદ્ધિ વિશેષ જોઈ રહ્યો છું. કાર્ય બધા સવળા પડે અને ધન પ્રાપ્તિ થાય. ટૂંકમાં આવનારું વર્ષ આર્થિક દૃષ્ટિ આનંદ લઈને આવશે. અહીં મને તમને ચેતવણી આપવાની પણ ઇચ્છા થાય છે. જે રીતે આપણે વધુ જમી લઈએ અને પછી આકળવિકળ થઈએ તેવો હિસાબ તમારો થઈ શકે છે. એટલે કે, ખરીદી કરવા જાવ ત્યારે બજેટને ધ્યાનમાં રાખજો. ગજા બહારનો ખર્ચ થઈ જાય અને છેવટે વધુ મેળવીને દુઃખી થવાનો સમય ન આવે તેની ખાસ સાવચેતી રાખવી પડશે.

આરોગ્ય દૃષ્ટિએ-સામાન્ય રીતે ગ્રહોની ચાલ પણ ખરેખર બહુ રસપ્રદ હોય છે. ગ્રહોને જે કરવું હોય તે કરે પણ તેના માટે માધ્યમ તમને જ બનાવે છે. જો ગ્રહો તમાને સરપાવ આપવા ઇચ્છતા હોય તો તમને બહુ સૂઝસમજવાળા બનાવી દે અને અંતે તમને ફાયદો અપાવે. પણ, એથી ઉલટું જો ગ્રહો તમને પાઠ ભણાવવા માંગતા હોય તો તમને ભાન ભૂલાવી દે છે એ વાત પણ સારી પેઠે આપણે યાદ રાખવી પડશે. આ તમને એટલા માટે સમજવું છે તમારે આ વાત યાદ રાખવી પડશે. ધનની પ્રાપ્તિ કદાચ તમને ભાન ભૂલાવી દે એ શક્યતા છે. ખાસ કરીને મુસાફરી કરતી વખતે તમારે વધારે સાવધાની રાખવાની છે. જ્યારે જરૂર કરતા વધારે ધન આવે છે ત્યારે ખાનપાનમાં ભાન ભૂલાવી જવાય છે, શિસ્તનું પાલન થતું નથી એ સિદ્ધાંત તમને લાગુ પડે છે. વધારે પડતી પાર્ટી અને જલસાવાદી અભિગમ તમને રોગમાં સપડાવી શકે તેવું દેખાય માટે સાવધાન કરું છું. દાંતની સમસ્યા સતાવી શકે છે તો ક્યારેક જીભ ઉપર નાનીમોટી ચાંદી પડવાની સમસ્યા પણ સતાવી શકે છે માટે સૌમ્ય ભોજન જમવાની સલાહ છે.

કૌટુંબિક દૃષ્ટિએ-તમારા કાર્યો અને વાણી ઉપર લગામ રાખવી પડશે. પેલી કહેવત યાદ રાખવી કે- વાણી તો ઘીની પેઠે વાપરવી. એટલે આપણા મોંઢામાંથી નીકળેલો એક એક શબ્દ તોલી તોલીને બોલવો. તમારે આ વાત યાદ રાખવી જોઈએ. ઘરમાં મનદુઃખના એંધાણ વર્તાય છે. એક સમયે સ્થાનાંતરનો સમય પણ આવી જાય તેવું દેખાય છે. હા… જો તમે પરદેશ જવાનું આયોજન કરતા હશો તો તે આયોજન અહીં સફળ થતું જણાય છે. જીવનસાથી સાથે પણ નોંકઝોક થયા કરે તો નવાઈ નહીં. જો જન્મના ગ્રહો નબળા હશે તો જીવનસાથી સાથે રજનું ગજ થતા વાર નહીં લાગે માટે સાવધાન રહેજો. કોર્ટ-કજીયાની શક્યતા નકારી નથી શકાતી માટે સાવધાન રહેજો. હું તમને ગણેશજીની પૂજા ઉપાસના કરવાની સલાહ આપું છું જેથી આ પ્રકારની શક્યતાને નિવારી શકાય. સાથે સાથે તમારે તમારી જન્મકુંડળીનો અભ્યાસ પણ કરાવી લેવો જોઈએ.

તુલા (ર,ત) –

ગ્રહોની સ્થિતિ – નૂતન વર્ષનો સૂર્યોદય તમારી રાશિમાં જ થયો છે. તુલા રાશિ એ શિર્શોદય રાશિ છે. ચર સ્વભાવ છે અને વાયુતત્ત્વની રાશિ પોતાનો પ્રભાવ બતાવ્યા વિના રહે જ નહીં.  ચંદ્ર મહારાજ ધન સ્થાનમાં કેતુ સાથે અને દેહ સ્થાનમાં સૂર્ય અને બુધ ગોઠવાયા છે. ગુરૂ મહારાજ ત્રીજા સ્થાનમાં અને શનિદેવ જે યોગકારક બને છે તે ચોથા સ્થાનમાં ભ્રમણ કરે છે. વૈભવ અને વિલાસના કારક શુક્ર બારમા સ્થાનમાં અને બરાબર પ્રતિયુતિમાં મંગળ મહારાજ છઠ્ઠે છે. રાહુ દેવને પણ ભૂલવાના નથી કારણ કે, આઠમા સ્થાનમાં તેમના ભ્રમણને પણ ધ્યાનમાં લેવું પડશે.

આર્થિક દૃષ્ટિએ- ધન સ્થાનમાં ચંદ્ર મહારાજ દશમા સ્થાનના માલિક બનીને આવ્યા છે અને જે ચોથા સ્થાનના કારક પણ છે. કેતુ સાથે આ પ્રકારે ચંદ્ર મહારાજે સ્થાન ગ્રહણ કરીને ખૂબ સૂચક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. પોતાના નાણાંકીય વ્યવહાર ચલાવવા મદદ લેવી પડે. અહીં, રસપ્રદ વાત એ છે તમારે મદદ જોઈએ અને તમને મદદ મળે પણ ખરી. આમ હોવા છતાં, રણમાં વરસાદ પડે તો કેટલો ટકે ? થોડા સમય પછી વરસાદ શોધવા જવું પડે કે વરસાદ ક્યાં પડ્યો હતો… આ પરિસ્થિતિ તમારા માટે રચાય તો નવાઈ ન પામતા. ભાગ્ય સ્થાનનો સ્વામી દેહ સ્થાનમાં ગોઠવાયો છે જે સ્થિતિ સાનુકૂળ તો કહેવાય જ સાથે સાથે તેની ઉપર યોગકારક શનિદેવની દશમી દૃષ્ટિ. બધુ સારું હોવા છતાં પણ ધનની તંગી વર્તાય તેવા યોગ ગોઠવાયા છે માટે, આયોજન ચોક્કસ રાખવું પડશે.

આરોગ્ય દૃષ્ટિએ-રાહુ દેવની ભૂમિકા મુખ્ય રહેશે. આરોગ્યની દૃષ્ટિ હું તમને કંઈ પણ માહિતી આપું તે પહેલા એક વાત સ્પષ્ટ કરવા માંગું છું કે સ્હેજ પણ અસુખ વર્તાય તો તરત જ દાક્તરી તપાસ કરાવી લેવી. રાહુ દેવ એ ઉધઈનું કાર્ય કરે છે એ અંદરથી પોતાનું કાર્ય શરૂ કરી દે છે. દેખાય સામાન્ય પણ નીકળી કંઈક અજુગતું માટે સાવધાન રહેવું. શરદી-કફ કે કોઈ અન્ય વાઈરલ ઈન્ફેક્શનમાં ફસાઈ ન જવાય તે માટે સાવધાન રહેવું પડશે. આમ તો, જેમ જેમ વર્ષ આગળ વધતું રહેશે તેમ તેમ તમારા આરોગ્ય ઉપર ખતરો ટળતો જણાય છે. સંવત 2077નું વર્ષ પૂરું થતાં થતાં તમને ગજબની સ્ફૂર્તિ વર્તાશે. એ તો અંતે થશે પણ પ્રારંભમાં થોડું સાચવવું પડશે. ભક્તિ-ભાવમાં ખૂબ ઉમેરો થતો જણાય છે. જુદી જુદી અનેક સ્તુતિનો પાઠ કરવાની ઇચ્છા થશે. પરમાત્માની શ્રદ્ધાના બળે તમારી વૈતરણી પાર ઉતરી જશે. છઠ્ઠા સ્થાને બિરાજમાન થયેલા મંગળ દેવ ઉપર શનિદેવની ત્રીજી દૃષ્ટિ ખૂબ ઉત્તમ લખવા માટે રજા નથી આપતી પણ હા… એ શનિદેવ યોગકારક છે માટે નરસાની સાથે સારું અવશ્ય આપશે. બાકી તો… તમારે હનુમાનજીની ઉપાસના કર્યેથી જ પાર આવતો જણાય છે.

કૌટુંબિક દૃષ્ટિ-ભગવાન રાખે તેમ રહેવાની વૃત્તિ રાખવી. વધારે પડતા બોલકા બનશો તો પરિવારમાં પરાયાણ થશે એ વાત ભૂલતા નહીં. ખાસ તો, ગૃહસ્થજીવનમાં નાની-મોટી મુશ્કેલી આવતી જણાય છે. જો તમારી ઉંમર 28 વર્ષની આસપાસ હશે તો સ્હેજ વધારે સાચવવાની જરૂર છે. મંગળ મહારાજ તેમનો પ્રકોપ બતાવી શકે છે. ગુસ્સો તમારી આખી ય બાજી બગાડી શકે છે તો સાચવજો. રાહુ મહારાજ જેમ જેમ મેષ રાશિ તરફ આગળ વધે તેમ તેમ માથાકૂટ વધી શકે છે માટે એક ઉપાય આપવાની ઇચ્છા થાય છે. શિવજીની ઉપાસના કરજો. શિવજી તમને સારધાર તારી શકે છે. પરિવારીક સુખ અખંડ રાખવા માટે શીવજીને ભજવું વધુ યોગ્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય) –

ગ્રહોની સ્થિતિ – ચંદ્ર અને કેતુ દેહ સ્થાનમાં છે માટે રાહુ મહારાજ બરાબર સામેની રાશિ એટલે કે વૃષભ રાશિમાં બિરાજમાન છે. ગુરૂ મહારાજ બીજા સ્થાનમાં અને સૂર્ય અને બુધ બારમા સ્થાનમાં ભ્રમણ કરે છે. શનિ દેવ સ્વગૃહી રાશિમાં ત્રીજે, મંગળ દેવ મિન રાશિમાં પાંચમે અને શુક્ર દેવ નીચ રાશિમાં અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે.

આર્થિક દૃષ્ટિએ – ધન સ્થાનમાં ગુરૂ મહારાજ બિરાજમાન છે માટે, એક પ્રકારે સિદ્ધાંત અનુસાર કારકો ભાવનાશાયની વાત થઈ શકે પણ અહીં કારક બધી જ શુભ બાબતોનો નાશ નથી કરતા, એકાદ વાતમાં થોડો વ્યય થઈ શકે છે. વળી, ગુરૂ મહારાજ તા. 20 નવેમ્બરે બપોરે 1.55 મિનિટે રાશિ પરિવર્તન કરી મકર રાશિમાં ભ્રમણ પ્રારંભ કરશે. ધન સંબંધી બાબતોમાં થોડો અંતરાય આવી શકે છે. ઉત્સાહ પ્રેરનારી બાબત એ પણ છે કે ગુરૂની નવમી દૃષ્ટિ લાભ સ્થાન ઉપર છે માટે વડીલો અને મિત્રોથી લાભ થશે. સંબંધો સુધરશે અને લાભ તેમના દ્વારા જ પ્રાપ્ત થશે. ભક્તિ માર્ગે તમે આગળ વધશો. એક પ્રકારે આવનારા સમયમાં તમે તમારી ભક્તિથી જ જીતશો. જો તમે અભ્યાસુ હશો તો તમને તમારા કાર્યમાં સફળતા મળવના યોગ પણ છે. જે મનુષ્યો શોધ-સંશોધન સાથે જોડાયેલા છે તેમના માટે સુંદર મજાના યોગ ખીલી રહ્યા છે. પ્રવાસમાં વધુ ધન વપરાય તેવું પણ વર્તાઈ રહ્યું છે માટે થોડું આયોજન જરૂરી થઈ રહેશે.

જો તમે નોકરી કરતા હશો તો નોકરીમાં સ્થાન પરિવર્તન થઈ શકે છે અને વેપારી મિત્રો માટે કંઈ મુશ્કેલીનો સમય દેખાતો નથી. ગમે તેવા સંજોગોમાં પણ તમારી નૈયા પાર લાગી જાય તેવા સંકેતો અહીં મળી રહ્યા છે. કુલ મળીને, ગણતરી પ્રમાણેના સાહસથી જીત થશે પણ હિંમત હારવી નહીં.

આરોગ્યની દૃષ્ટિએ- પ્રારંભમાં જ એક વાક્ય લખવાનું મન થાય છે કે, ચિંતા એ ચિતા સમાન છે એ વાત તમારે યાદ રાખવાની છે. વધુ પડતી ચિંતા જ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તે બાબતનું ધ્યાન રાખજો. સારી બાબતો તમારી સામે આવે પણ તમે તેની ઉપર અમલ કરવાનું ચૂકી જાવ અથવા તો અમલ કરવાનું ટાળો તેવું પણ થઈ શકે છે. ઋતુગત બિમારીથી વધારે સાવધાન રહેવાનું છે. ભોજન સંબંધી કેટલીક બાબતોમાં ચોક્સાઈ રાખવાનું સૂચન કરી રહ્યો છું. માર્ચ મહિનાથી વધારે સંઘર્ષ દેખાય છે. જો તમે બ્લડપ્રેશરના દર્દી હોવ તો તમારે સ્હેજ વધારે સાવધાન રહેવું. ઉંમરલાયક જાતકોએ જનનાંગોની બિમારીથી સાવધાન રહેવું. મે મહિના સુધી થોડો સંઘર્ષ ચાલશે ત્યારબાદ થોડી શાંતી વળતી જણાય છે. આ પરિસ્થિતિ હોવા છતાં તમે જો ગણેશજીની ઉપાસના કરશો તો તમારો આ સમય સુખરૂપ વિતી જશે. ગણેશજીની કૃપાથી તમારા દર્દમાં તમને રાહત પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે.

કૌટુંબિક દૃષ્ટિએ-કોણ કેવી રીતે કેવો નિર્ણય લે છે તેના ઉપર બધો આધાર છે. પરિસ્થિતિને આધીન સંયુક્ત પરિવારમાંથી વિભક્ત પરિવારનું નિર્માણ કરવું કંઈ ખોટું નથી. વિભક્ત થવાની આખી ય વાત ખૂબ સુંદર રીતે કાર્યાન્વિત થાય તો કોઈ વાંધો નહીં આવે. જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હશો તો અલગ થવાની શક્યતા છે. સાથે સાથે જો તમે પરદેશ જવા ઇચ્છતા હશો તો પણ તમારા માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. મને પતિ-પત્નીના સંબંધો ઉપર પણ પ્રકાશ કરવાની ઇચ્છા થાય છે. થોડી શક્યતા પતિ-પત્નીના સંબંધોમાં ઉણપ આવવાની શક્યતા છે માટે, સાવધાન ! તમારે એક જ વાત મનમાં રાખવી કે ગ્રહોના બળાબળને આધારે થોડો મતભેદ થઈ રહ્યો છે પણ એ પછી બધું જ શમી જવાનું છે. મેં તમને ચેતવણી આપી છે તો મારે ઉપાય પણ આપવો છે, તમારા કુળદેવીની ઉપાસના અચૂક કરજો. કુળદેવીની ઉપાસનાથી સાચો જ માર્ગ સમજાશે અને જીવન વધુ મધુર થશે.

ધન (ભ,ધ,ફ,ઢ) –

ગ્રહોની સ્થિતિ – દેહ સ્થાનમાં ગુરૂ, ધન સ્થાનમાં શનિદેવ સુખ, સુખસ્થાનમાં મંગળ મહારાજ ભ્રમણ કરી રહ્યા છે. રાહુ મહારાજ છઠ્ઠે અને ચંદ્ર અને કેતુ યુતિમાં બારમા સ્થાને ભ્રમણ કરી રહ્યા છે. સૂર્ય બુધ યુતિમાં અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે અને શુક્ર મહારાજ દશમા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે.

આર્થિક દૃષ્ટિએ –નૂતન વર્ષનો સૂર્યોદય તમારા માટે આર્થિક દૃષ્ટિએ નવી તક લઈને આવશે. તમે જો વેપાર કરતા હશો તો તમારા વેપારમાં પ્રગતિની તકો પણ આવી શકે છે. ગણી ગણીને પૈસા ભેગા કરવાની વૃત્તિ વધુ વિકસીત થશે. જો તમે સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરતા હશો તો તમને સફળતા મળવાના યોગ પણ વિગસીત થઈ રહ્યા છે માટે પૂરી નિષ્ઠાથી મહેનત કરજો. કોઈપણ ભોગે પૈસા કમાવા એ પ્રકારની વૃત્તિથી દૂર રહેવું તમારા માટે વધુ હિતાવહ રહેશે. તમારી મુશ્કેલીઓને તમે હળવી ચોક્કસ કરી શકશો. પેલી કહેવત સદાય યાદ રાખવી જોઈએ કે- લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય. આવેલી તકને વધાવી લેવી. દેખીતી નજરે કદાચ આવેલી તક નબળી હોય તો ઈશ્વરકૃપાને સાથે રાખી તેમજ પુરૂષાર્થ દ્વારા તકને બળવાન બનાવી દેવાનો પ્રયત્ન કરવો પણ, પૂર્વગ્રહથી પ્રેરાઈને કોઈપણ નિર્ણય ન લેવો.

આરોગ્યની દૃષ્ટિએ –જો તમે વિચારવાયુના વમળમાં ફસાશો તો મુશ્કેલી સર્જાશે અન્યથા તમે આરોગ્યપ્રદ જીવન જીવી શકશો. ભૂલથી પણ તમે એવું ન વિચારતા કે મારું આયુષ્ય હવે પૂરું થયું. મજબૂત મનોબળ રાખશો તો તમે કોઈપણ પરિસ્થિતિમાંથી સુખરૂપ બહાર આવી શકશો. શિવજીની ઉપાસના તમને મદદરૂપ થઈ શકશે. ખાસ કરીને, જ્યારે જ્યારે ઋતુ બદલાય ત્યારે ત્યારે તમારે વિશેષ સાવધાની રાખવાની રહેશે. ગુરૂ દેવ બદલાશે અને રાહુ ધીમે ધીમે પોતાની રાશિ પરિવર્તિન તરફ આગળ વધે ત્યારે એટલે કે વર્ષાંતના સમયમાં તમને ધીમે ધીમે વધુ સારું લાગવા લાગશે. હું અહીં શારીરિક મુશ્કેલી કરતા પણ માનસિક મુશ્કેલીને વધુ પ્રાધાન્ય આપી રહ્યો છું. ફેબ્રુઆરી પછી તમે થોડા વધુ આક્રમક મૂડમાં આવી જશો તેવું પણ વરતાય છે. ગુસ્સામાં તમે કોઈ ખોટો નિર્ણય ન લેવાઈ જાય તે માટે પણ સાવધાની રાખજો. આ સમયમાં શીવજી અને ગણેશજીની ઉપાસના તમારા માટે વધુ સાનુકૂળ થઈ રહેશે.

કૌટુંબિક દૃષ્ટિએ –બધા જ મારા અને હું બધાનો આ વિચાર સાથે આગળ વધવું. આપણે બીજાનું હિત ઇચ્છતા હોઈએ અથવા તો એક શુભ વિચાર આપણા મસ્તિષ્કમાં એટલો હાવી થઈ જાય કે આપણે બીજી બાબતો પણ ધ્યાન આપવાનું ચૂકી જઈએ છીએ. અતિશય ઉત્સાહમાં ભાન ન ભૂલવું તે જ આ સમયની ચેતવણી છે. હા, એક વાત અહીં એ પણ વર્તાય છે તમારું ધ્યાન દોરવાવાળા મળી રહેશે અને મિથ્યા પ્રયાસોમાંથી બચી જશો. ઘરમાં શાલીન વર્તન કરવું સાથે સાથે ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે. તમારી ભાષાને કોઈ સ્વાર્થથી રસાબોળ ન સમજી લે તે વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે.

મકર (ખ,જ) –

ગ્રહોની સ્થિતિ – સ્વગૃહી શનિ દેહ સ્થાનમાં, મંગળ મહારાજ ત્રીજે અને રાહુ દેવ પાંચમા સ્થાને ભ્રમણ કરી રહ્યા છે. રાહુથી નીચનો શુક્ર ભાગ્યમાં, સૂર્યબુધ દશમે, ચંદ્ર-કેતુ અગિયારમે અને ગુરૂ મહારાજ બારમા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે.

આર્થિક દૃષ્ટિએ – એક નૂતન વર્ષે તમારે એક સ્પષ્ટ સિદ્ધાંત મનમાં રાખવાનો છે કે ધન મેળવવાની વૃત્તિ અને પ્રવૃત્તિ બેઉ રાખશો તો ધન પ્રાપ્ત થશે. જો તમે ઉદાસીન થયા તો વાત હાથમાંથી ચાલી જશે એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. થોડી વધારે મહેનત પડે, ક્યારેક હતાશ થઈ જવાય પણ છેવટે તો નાણાં કોથળી વજનદાર બની રહેશે એ વાત પણ અહીં જોવા મળે છે. ધન કમાવા માટે તમે અત્યાર સુધી જે કંઈ પ્રયત્નો કર્યા તે પ્રયત્નોથી ઓછો લાભ મળ્યો પણ હવે પછીના સમયમાં તમારા પ્રયત્નો રંગ લાવે તેવું જણાય છે. વડીલ વ્યક્તિઓ તમારી વ્હારે આવે અને તમને વિશેષ લાભ થતો જણાય છે. જો તમે કોઈ જમીન-મકાન વેચવા માંગતા હશો તો તે વાત તમારા પક્ષમાં રહેશે અને તમે તે વેચી પૈસા ઊભા કરી શકશો. ગણેશજીની પૂજા-ઉપાસના કરશો તો તમને વધુ લાભ થતો જણાય છે.

આરોગ્યની દૃષ્ટિએ –આરોગ્ય જળવાય કંઈ બહુ ગંભીર પરિસ્થિતિ દેખાતી નથી. તમારે પેટની બિમારીથી સાચવવાનું છે. નાની-મોટી બિમારી તમારો ધન ખર્ચ કરાવે તેવું દર્શાવે છે. તમારી અભિવ્યક્તિથી અન્ય કોઈ વ્યક્તિ ન કહી શકે કે તમને બિમાર છો એટલે કુલ મળીને એમ લાગે છે કે બધુ સચવાઈ રહેશે. પતિની ચિંતા વધારે સતાવે તો પણ તમારું આરોગ્ય કથળે. જો તમે ભાગીદારી પેઢી ચલાવતા હશો તો થોડી વધુ ચિંતા તમને સતાવે. આ એક એવા પ્રકારની ચિંતા હોય કે જ્યાં તમને લાભ ઓછો ન થાય તેવા વિચારો આવે. હું તમને એમ પણ કહી શકું કે નફામાં નુકશાન ન થાય તે બાબતે સ્હેજ વધારે ચિંતીત હશો. પીઠના દર્દોથી તમારે સાવધાન રહેવું પડશે. વાહન ચલાવતી વખતે તમારે આ વર્ષે ખાસ જાળવવું. જ્યારે જ્યારે વાહન ચલાવવાની શરૂઆત કરો ત્યારે ગણશજીને મનોમન વંદન અવશ્ય કરવા. કુલ મળીને આરોગ્યની દૃષ્ટિએ આવનારું વર્ષ તમને મિશ્ર પ્રતિસાદ આપે તેવું વર્તાય છે.

કૌટુંબિક દૃષ્ટિએ-પરિવાર અને ઘરનું સુખ આ બેઉ બાબતો પ્રત્યેક તબક્કે અગત્યની થઈ રહેતી હોય છે. જો તમારી પાસે ખૂબ ધન હશે તો પણ પરિવાર વિના તમે એ ધનનો આનંદ નહીં લઈ શકો. વળી, જો તમારી પાસે ધન નહીં હોય અને સંઘર્ષના દિવસો હશે તો પણ પરિવાર વિના તમે એ સંઘર્ષના દિવસો પસાર નહીં કરી શકો. કુલ મળીને, ઘર અને ઘરનું સુખ આ બેઉ બાબતો ઉપર આપણે વિચાર કરીએ. એક સીધી અને સટ વાત કહું તો પરિવાર તમારી સાથે જ રહેશે. પરિવારનું સુખ આગામી વર્ષમાં તમને પ્રાપ્ત થતું જણાય છે. પરિવાર તમારી ચિંતા કરશે અને તમે પણ પરિવાર માટે કાર્ય કરશો. માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન પરિવારમાં થોડો સંઘર્ષ આવશે. ગમા-અણગમા જેવો વ્યવહાર સામે આવશે પણ તા. 20 નવેમ્બર 2020થી ગુરૂદેવ તમારા લગ્નસ્થાનમાં આવશે એટલે તમારો વ્યવહાર ખૂબ શાંત અને સૌમ્ય થઈ જશે. લાંબાગાળાના બે ગ્રહો તમારા દેહસ્થાનમાં છે એટલે એ તમને ખૂબ શાંતિપૂર્ણ કાર્ય કરવાની પ્રેરણા આપશે. તમારા પોતાનો વ્યવહાર જ એવો હશે કે બીજા તમારી સમક્ષ રૌદ્ર સ્વરૂપ ધારણ નહીં કરી શકે. જીવનસાથી સાથે પણ સુમેળ રહેશે, બેઉ એકબીજાની દરકાર કરશો અને સાથેમળીને આખું ય વર્ષ શાંતિથી પસાર કરી દેશો.

કુંભ (ગ,શ,ષ,સ) –

વાયુતત્વની રાશિ છે વળી, ઘડો તેની મુખ્ય નિશાની છે. ઘડાની અંદર શું શું ચાલી રહ્યું છે તે કોઈને ય ખબર ન પડે. સાડાસાતીનો પ્રથમ તબક્કો છે. શનિદેવ બારમા સ્થાને ભ્રમણ કરી રહ્યા છે. મંગળ દેવ બીજા એટલે કે ધન સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. રાહુ મહારાજ સુખસ્થાનમાં અને ચંદ્ર તેમજ કેતુ દેવ દશમા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. શુક્ર આઠમે, સૂર્ય તેમજ બુધ નવમા અને શુભગ્રહ ગુરૂ લાભ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે.

આર્થિક દૃષ્ટિ-પ્રત્યેક જાતક નવા વર્ષમાં પોતાનું વાર્ષિક રાશિફળ વાંચે એટલે શુભ વાંચવાની જ ઇચ્છા હોય. કોઈપણ વ્યક્તિ પોતાનું નબળું ભવિષ્ય ઇચ્છતો નથી. જ્યારે રાશિફળ વાંચીએ ત્યારે તેને કેવળ ભવિષ્યની દૃષ્ટિએ ન મૂલવીએ પણ ચેતવણીના સ્વરૂપે પણ મૂલવવું જોઈએ જેથી આપણી મુશ્કેલી ઘણી હળવી થઈ જાય. આગામી વર્ષ ધનની જોગવાઈ કરવામાં જ વીતી જાય તેવું જણાય છે. વેપાર તેમજ નોકરી બેઉ ક્ષેત્રે અસુખ વર્તાય. તમને એમ થાય કે મારી સાથે જ કેમ આમ થાય છે ? લાભ થાય, કંઈક ન મળવા જેવું પણ પ્રાપ્ત થઈ જાય એ વાત તમારા માટે શુભ છે પણ તેમ છતાં આર્થિક દૃષ્ટિએ થોડાં કપરાં ચઢાણ કહી શકાય કારણ કે, વ્યયેશની દૃષ્ટિ ધનસ્થાન ઉપર છે અને મંગળ જેવો અશુભ અને આક્રમક ગ્રહ ધન સ્થાનમાં બેઠો છે. વેપારમાં ચિંતાનું વાતાવરણ રહે અને તમારા દ્વારા ન કરવા જેવા કાર્યો થાય જે તમને આર્થિક દૃષ્ટિએ મુશ્કેલીમાં મૂકી શકે છે. સૌ પ્રથમ તમારે બિલકુલ શાલીન વર્તન કરવું અને તદ્દન ન્યાયીક અને પ્રમાણિક આ બેઉ શબ્દ ઉપર ભાર મૂકું છું કારણ આ બે મુદ્દા જ તમને આર્થિક કટોકટીમાંથી તારી શકે છે. જેમ જેમ, વર્ષ આગળ વધશે તેમ તેમ ખર્ચનું પ્રમાણ વધતું જણાય છે તે બાબત ઉપર પણ મારે તમારું ધ્યાન દોરવું રહ્યું. બ્રાહ્મણોનું સન્માન કરજો અને શક્ય હોય તો અગિયારસનું વ્રત પ્રારંભ કરજો… સૌ શુભ થશે.

આરોગ્યની દૃષ્ટિએ-આગામી વર્ષે કોઈ મોટી બિમારીના સંકેતો મળવા નથી. હા… જન્મના ગ્રહો જો નબળા હશે તો આ વર્ષે આરોગ્ય બાબતે થોડી ચિંતા સતાવી શકે છે. એક પ્રકારે નૂતન વર્ષના ગ્રહો બહુ મોટી આરોગ્યહાનિ પહોંચાડે તેવા સંકેતો પ્રાપ્ત નથી થતા. ઋતુગત બિમારીનું પ્રમાણ વધશે. એક પ્રકારે તમે સ્વસ્થ હશો પણ ખરા અને નહીં પણ, હોવ આવી રમત ચાલશે. આરોગ્ય તમારી સાથે ચેડાં કરશે. ગુજરાતીમાં આપણે પેલો એક શબ્દ વાપરીએ છીએ ને કે “સળી કરવી”. આરોગ્ય તમને સુખેથી બેસવા નહીં દે. તમને શું થાય છે વાત તમને જ ખબર હશે કારણ કે કોઈ દેખીતા લક્ષણ શરીર ઉપર નહીં પ્રભાવિત થાય. જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ તમને આરોગ્યની દૃષ્ટિએ લાભ પ્રાપ્ત થતો જણાય છે. હનુમાનજીની ઉપાસના કરવી. હનુમાનજીને રાજી રાખજો અને સૂર્યદેવને રાજી રાખજો આ બેઉ દેવ તમારા આરોગ્યની સુખાકારીનું રક્ષણ કરશે. વાહન તેમજ દૈનિક ચાલચલગત ઉપર ખાસ ધ્યાન આપજો. હરતાં-ફરતાં પડી ન જવાય તેમજ કોઈ નાના અકસ્માતમાં પણ અસ્થિભંગની ઇજા ન થાય તેની સાવધાની રાખવી રહી.

કૌટુંબિક દૃષ્ટિએ-ઘરની પરિસ્થિતિ ધીમે ધીમે નિયંત્રીત થતી જશે પણ સંતાન સાથે વૈમનસ્ય વધી શકે છે એ વાત યાદ રાખજો. જો તમે ગૃહસ્થ છો તો તમારે માટે સંતાન સાથે સુમેળ રાખવો એક પડકાર હોઈ શકે છે. તમને એમ થશે કે વાતમાં કંઈ હતું જ નહીં તો પછી આટલો બધો ઉશ્કેરાટ શા માટે થયો ? કોઈ જૂના પોપડા ઉખડી શકે છે. સંતાન સાથે કોઈ જૂની વાતમાં રકઝક થઈ જાય. માર્ચ મહિનાની આસપાસ જીવનસાથી સાથે પણ થોડી રકઝક થઈ જાય. જો પરિવારમાં શાંતિ રાખવી હોય તો ગણેશજીની ઉપાસના કરજો. ગણેશજી તમારા ઘર પરિવારમાં શાંતિની જાળવણી કરશે. જીવનસાથીના પક્ષે એટલે પોતાના સાસરી પક્ષમાં પણ ગમા-અણગમાનો સામનો કરવો પડે તેવું વર્તાય છે. હમણાંનો સમય તમારો થોડો પરીક્ષાનો સમય તમારે સમજવો અને પૂજા-ઉપાસનાથી જ એ સમય હળવો થશે. બાકી, આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિએ ગ્રહોનો પ્રભાવ તો વેઠવો જ પડે છે. બીજાની મદદ લેવા જશો તો પણ એવો સહારો મળવાની શક્યતા ઓછી વર્તાય છે. આખી ય વાતનો સાર એટલો જ છે કે સહનશક્તિ કેળવજો અને ગણેશજીની ઉપાસના કરજો સૌ સુખી થશે.

મીન (દ,ચ,ઝ,થ) –

ગ્રહોની સ્થિતિ – દેહ સ્થાનમાં ભાગ્ય સ્થાનનો માલિક મંગળ ભ્રમણ કરે છે. ત્રીજે રાહુ મહારાજ, સાતમે શુક્ર દેવ, આઠમે તુલા રાશિમાં સૂર્ય અને બુધ દેવ, ભાગ્ય સ્થાનમાં ચંદ્ર અને કેતુ મહારાજ, દશમે ગુરૂદેવ અને લાભસ્થાનમાં શનિમહારાજ ભ્રમણ કરી રહ્યા છે.

આર્થિક દૃષ્ટિએ –

આર્થિક દૃષ્ટિએ મુશ્કેલી ભોગવ્યા પછી હવેનો સમય થોડો નિરાંતવાળો આવી રહ્યો છે. ધનસ્થાન અને ભાગ્યસ્થાનના સ્વામી મંગળદેવ લગ્નમાં છે એટલે પૈસો આવશે. એમાં ય વળી, લાભેશ શનિદેવની દૃષ્ટિ છે એટલે જમીન-મકાનથી તમને લાભ મળી શકે છે. જો તમે એ પ્રકારનો કોઈ વ્યવસાય કરતાં હશો તો લાભ થશે. સાથે સાથે, ઈલેક્ટ્રોનિક તેમજ વાહન ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ માટે પણ લાભપૂર્ણ પરિસ્થિતિની રચના થયેલી જણાય છે. મંગળવાર હોય અને ચંદ્ર ચિત્રા નક્ષત્રનો હોય ત્યારે ઘઉંના દાન કરશો તો તમારા માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થશે. મૂળ વાત સારી હોવા છતાં વર્ષના મધ્યગાળામાં આર્થિક ક્ષેત્રે સંઘર્ષનો સામનો કરવો પડે. તમારા નાણાં ક્યાંક ફસાઈ ન જાય તેની સાવધાની રાખવી પડશે.  નાણાંકીય રોકાણના યોગ તમારા યોગ છે. ક્યા આર્થિક રોકાણમાં કેટલો ફાયદો છે તે તરફ તમારી દૃષ્ટિ રહેશે. અહીં, જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ તમારો ઉત્સાહ પણ બમણો થતો જણાય છે. જેમ જેમ ધન આવતું જશે એમ એમ તમે થોડા વધુ કંજૂસ થતા જાવ તો નવાઈ નહીં. કુલ મળીને તમારું આર્થિક સ્તર સ્વસ્થ રહે તેવું જણાય છે.

આરોગ્યની દૃષ્ટિએ-આરોગ્યની દૃષ્ટિએ મને કંઈ બહુ મોટી હાનિ દેખાતી નથી. તમારે ફક્ત ખાન-પાનમાં સાવધાની રાખવાની છે. વધુ પડતું ટેસ્ટી ખાવાના ઉત્સાહમાં આરોગ્યને હાનિ થઈ શકે તેવું દેખાય છે. કોરોનાકાળમાં તમે કેટલાક પડકારોનો સામનો કર્યો હશે પણ હવે તમારે સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્યપ્રદ અને તાજો ખોરાક ખાવાનો આગ્રહ રાખશો તો તમારું આરોગ્ય કથળવાની શક્યતા ઘણી ઓછી છે. તમે જો સ્વાદ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો સ્વાસ્થ્યને વિપરીત અસર થઈ શકે છે માટે સાચવજો. આરોગ્યની દૃષ્ટિએ પણ જેમ જેમ વર્ષ આગળ વધતું જશે તેમ તેમ તમારા માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. ધીમે ધીમે તમને સ્ફૂર્તિ વરતાશે અને કાર્ય કરવાનો ઉત્સાહ પણ વધશે. જો તમને કોઈ હાડકાની બિમારી હોય તો સ્હેજ વધારે સાવધાની રાખવી પડશે. સ્ત્રી જાતકોને ગુહ્યઅંગોની બિમારીથી વધારે સાચવવાનું રહેશે. સ્વસ્થ હોવા છતાં આગામી વર્ષે હાડકાં નબળા પડેલા જણાય તો નવાઈ નહીં. સ્નાયુના દુઃખાવાની ફરિયાદ પણ આગળ જતાં રહી શકે છે સાથે સાથે ચામડીના કોઈ દર્દથી તમે પીડાતા હોવ તો હાલના સમયમાં તમારે વિશેષ કાળજી લેવાની જરૂર છે. તમે વર્ષ દરમિયાન કુળદેવીની ઉપાસના કરશો તો આરોગ્ય જાળવવામાં તમને કુળદેવીની કૃપા પ્રાપ્ત થશે અને સૌ સુખરૂપ થશે.

કૌટુંબિક દૃષ્ટિએ- લોહીના સંબંધોનો પરિવાર, નોકરીના સંબંધોનો પરિવાર અને વેપારી સંબંધોનો પરિવાર આ ત્રણે ય પરિવારમાં એક પ્રકારે કોઈ જોખમ નથી. પણ, તમારે સંતાનો સાથે મતભેદ ન થાય તે સાચવવું. આગામી વર્ષમાં સંતાનો વિદેશ જવા માટે સ્હેજ કઠણ વલણ દર્શાવે તો નવાઈ ન પામતા. આ બાબતે તમારા વિચારો અને સંતાનોના વિચારો સ્હેજ અલગ પડે. જો સંતાન નાના હોય તો તેમને ભણવા માટે બહારગામ મોકલવા બાબતે પણ વિચાર થાય. તમારું ધ્યાન ક્યાંક બીજે ન આકર્ષાય તેની સાવધાની વિશેષ લેજો. બધી પ્રકારે સુખ હોય ત્યારે મન થોડું ભટકી જાય તેવું બનતું હોય છે અને તમારે આ વર્ષે થોડી શક્યતા વધુ છે. આ બધું હોય તો પણ જન્મના ગ્રહો ઉપર આ શક્યતા આધારીત છે. જો તમે કુંવારા છો તો તમારા માટે ખુશનુમા વાતાવરણનું નિર્માણ થશે. આ વર્ષ તમે કોઈને દિલ દઈ બેસો તેવું પણ દેખાય છે. પ્રેમ સંબંધ જેટલો પવિત્ર રહેશે તેટલો જ લાભ થાય છે એ વાતને બરાબર ધ્યાને લેજો. વેપાર અને નોકરીમાં કંઈ વિશેષ ચિંતા જણાતી નથી. બધું સારી રીતે આગળ વધતું જણાય છે. વડીલો સાથે તમારા સંબંધો વધશે. જે વડીલ જાતકો છે અને ધર્મ સાથે જોડાયેલા જાતકો છે તેમની સાથે તમારો સંબંધ ઘેરો બનશે. વડીલો પ્રત્યે તમારો સેવાભાવ પણ વધશે. પણ હા… જીવનસાથી સાથે ખોટો મતભેદ ન કેળવતા. વધુ પડતી દલીલો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખાઈ ઊભી કરશે એ વાત યાદ રાખજો. “કમ ખાના ઔર ગમ ખાના” આ વાત યાદ રાખશો તો સુખમાં વધુ ઉમેરો થશે.

નોંધ – અહીં નૂતન વર્ષની કુંડળીની આધારે વાર્ષિક રાશિ ફળ લખવામાં આવ્યું છે. અહીં લખવામાં આવેલી પ્રત્યેક શુભ-અશુભ બાબતો જન્મના ગ્રહો ઉપર આધાર રાખે છે. જો જન્મના ગ્રહો સાથ આપે તો શુભ બાબતોમાં વધારો થાય. આ જ રીતે અશુભ બાબતોમાં વધારો અથવા ઘટાડો કે પછી અશુભનો સમૂળગો રકાસ થઈ શકે છે આ વાત ભૂલવી નહીં.

આપ સૌને નૂતન વર્ષની શુભકામના અને આશિર્વાદ.

(ઇતિ શુભમ્)