Not Set/ શા માટે કોઈ કહે તેને જ સુખ કે શાંતિની હવેલી ગણવી?

હે મારી માનીતી જિંદગી, ચાલ આજે હવે હું કંઈક પૂછું તને. તેણે આંખોના ઈશારામાં જવાબ આપ્યો “હા”. સૌને મતે સુખની વ્યાખ્યા શું હોય ? અને એ બોલી…

Trending
nilesh dholakiya શા માટે કોઈ કહે તેને જ સુખ કે શાંતિની હવેલી ગણવી?

હે મારી માનીતી જિંદગી, ચાલ આજે હવે હું કંઈક પૂછું તને. તેણે આંખોના ઈશારામાં જવાબ આપ્યો “હા”. સૌને મતે સુખની વ્યાખ્યા શું હોય ? અને એ બોલી : જો, એક તો તું મને સમજે, મારી સંભાળ કરે, વાર-તહેવારે મને હરાવે-ફરાવે અને હા, મારા માટે સમય કાઢે, સંબંધોની માવજત કરે,

આ પણ વાંચો – સાવધાન! / દેશની રાજધાનીમાં ઓમિક્રોનનો કહેર, વધુ 10 કેસ નોંધાયા, ચિંતામાં કેજરીવાલ સરકાર

પછી જો આમ-તેમ…. બસ એ બોલે જતી હતી. મેં હળવેથી એનો હાથ ઝાલી, મારી પાસે બેસાડી એના માથાને મારા ખભા પર ઢાળ્યું. એ શૂન્ય મનષ્ક બનીને બોલી, બસ મારે આથી વધુ, “જગત”થી કંઈ જ ન જોઈએ.

ઉપર મુજબના શબ્દો મારા મિત્ર શ્રી જે.એન. પટેલ (જગત)ના હતા જેને મેં થોડા સુધારીને, મઠારીને અહીં ઠપકાર્યા. આ સંદર્ભે મને ગમેલી તથા મારી સ્મરણબેંકમાં સાચવી રાખેલી અજ્ઞાતની વાત પ્રાસંગિક પ્રસ્તુતિ ગણાય : હા, છે મારી પાસે સુખનું સરનામું. મનથી ઝંખના કરો તો મળી જશે, અનેક જગ્યાએ છુપાયેલું છે. અનેક સંબંધોમાં, અનેક ઘટનાઓમાં, અનેક વસ્તુઓમાં, ભીતર અને બહાર પણ ઠેર ઠેર વેરાયેલું છે સુખ. એને સાંભળવા માટે કાન જોઈએ, સમય પણ જોઈએ, એમ ધડાઘડમાં ન દેખાય, ન સંભળાય, ન અનુભવી શકાય !

આપણે સતત બીજા વ્યક્તિના ઓપિનિયનના ભાર નીચે જીવીએ છીએ. આપણે હંમેશા બીજી વ્યક્તિને સારું લાગે તે રીતે જીવીએ છીએ. પરીણામે આપણે ઓથેન્ટિક – અસલી, સાત્વિક નહીં, પણ નકલી જીવન જીવીએ છીએ. આપણે શું ખાવું, પીવું, પહેરવું, વાંચવું, જોવું એ બીજી વ્યક્તિ નક્કી કરે છે. આપણે ‘આપણે’ નથી, આપણે ‘બીજા’ છીએ. શા માટે કોઈ કહે તેને જ સુખ કે શાંતિની હવેલી ગણવી ?

જિંદગી, મને કોઈ જ ફરિયાદ નથી
ક્યારે મજા આવી’તી એ યાદ નથી
વ્યસ્તતાએ માઝા મૂકી છે બરાબર
ક્યારે રજા આવી’તી એવું યાદ નથી
આંખના ખૂણા મેં સાફ કર્યા હતા –
ખરી ગયું એ પાણી જે ધ્યાને નથી
સતત હાસ્ય રાખું મારા ચેહરા પર
ખરું ક્યારે હસ્યો’તો એ ખબર નથી
વરસાદે તો ભીંજવ્યો હતો દિલથી
વરસ્યો’તો મેહ ક્યારે એ યાદ નથી
ઉભો નથી હું કતારમાં તારા મંદિરે
પ્રભુ, તને ભૂલ્યાનું ય મને યાદ નથી.

મનને સુકુન જોઈએ, આત્મા ઓળઘોળ થવો જોઈએ – સુખશાંતિ પામવા ! આમ જુએ તો સુખશાંતિ ક્યાં નથી ? અત્ર, તત્ર, સર્વત્ર છે જ, મિત્ર !

કર્મના સિદ્ધાંતને સ્વીકારીને સમય-સંજોગો પ્રમાણે આપણા નસીબે જે મળે એનો આનંદથી સ્વીકાર કરીએ, એને માણીએ, એને પામીએ તો એ ચારે ય દિશાએ સુખ જ છે. અગમ નિગમ આપણને જે આપવામાં રાજી હોય એને જ આપણું સુખ ગણવું જોઈએ.

સુખ માતાના ગર્ભમાં રહેવામાં, પૂરા સમયે જન્મ લેવામાં, ખાવામાં, પીવામાં, હસવામાં, ક્યારેક રડવામાં પણ, મિત્રતામાં, સંબંધોમાં, કામમાં, આરામમાં, રળવા માટે દોડવામાં, દોડતાં દોડતાં થાકીને બેસવામાં, પાથરણું ન હોય તો પણ જમીન ઉપર આવી જતી ઊંઘમાં, ખૂબ ભૂખ લાગી હોય ત્યારે ઉકરડામાંથી મળતી સૂકી રોટલીમાં, શરીર ઢાંકવા મળતાં એક ચીંથરામાં, બિમારોની સેવા કરવામાં, જરૂરિયાતવાળાને તન, મન કે ધનથી મદદ કરવામાં એમ અઢળક જગ્યાએ સુખ જ સુખ છે.

એ પણ હકીકત છે કે દરેકનું સુખ અલગ અલગ છે. સુખ માત્ર સાધનોમાં જ નથી. વસ્તુઓ સગવડ આપે છે પણ સુખ નથી આપતી. એ.સી. રૂમમાં સો મણ રૂની તળાઈમાં માણસ ઊંઘ માટે તરફડીયા મારતો હોય છે. જ્યાં સંતોષ છે, સમતા છે, સહનશીલતા છે, મમતા છે, સમર્પણ છે ત્યાં બધે જ સુખ છે. સુખ દેખાતું નથી કારણકે એ ભીતર છે, તે એક એહસાસ છે, એક સુંદર અનુભૂતિ છે જે મનને ખૂબ શાંતિ આપે છે !

આ પણ વાંચો – Miss World 2021 / ભારતની મિસ વર્લ્ડ સ્પર્ધક માનસા વારાણસી કોરોના સંક્રમિત,મિસ વર્લ્ડ સ્પર્ધા હાલ સ્થગિત…

સંબંધ ને સ્વજનમાં વેતરાય માણસ,
પૂરો નહીં તો જરા છેતરાય માણસ !

ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ જ નથી, એનો મતલબ એ છે કે આપણે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે ! વીતી જશે આ સમય પણ, બસ ધીરજ રાખો. સુખ ન ટકી શક્યું તો, દુઃખની શ ઔકાત છે ! સ્મિતના દોરાથી દુઃખને સીવી લે છે,
અમુક લોકો ખુમારીથી જીવી લે છે !

સુખનું સરનામું મેળવવાની મુળભૂત શરત એક જ છે કે જીવનમાં જે તકલીફો, આપત્તિઓ, અકસ્માતો, મુશ્કેલીઓ, બિમારીઓ, વસ્તુ કે પૈસાની અછત દ્વારા જે કોઈ દુઃખ મળે એને સાથે લઈને ચાલો તો એ દુઃખોનો રસ્તો ખૂટતો જશે અને સુખનો રસ્તો ખુલ્લો થતો જશે. એમ ચાલતા ચાલતા સુખનું સરનામું પણ મળી જ જશે.

સારા માણસની કીંમત બે વખતે તો થાય જ છે : ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે.
જાતને ખુશખુશાલ મેં યથાવત રાખી છે,
ઈચ્છાને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે !
લોખંડને તોડવું ખુબ જ અઘરું છે પણ તેનો કાટ જ તેને તોડી નાખે છે, એ જ રીતે માણસને કોઈ હરાવી નથી શકતું – તેના પોતાના નબળા વિચારો જ તેને હરાવી દે છે. અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને ત્યારે ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે !

ઢળતી સંધ્યાનું આકાશ કેટલું ખૂબસુરત લાગે છે, તો પછી પાક્તી ઉંમરનો કેમ થાક લાગે છે ? કોઈ તબક્કે જ અધૂરા સપના પૂરી કરવાની આશા જાગે છે તો પછી હાંફતી ઉંમરનો કેમ થાક લાગે છે ? જવાબદારીઓથી મુક્ત થઈને પોતાની જાતને મળવાની પ્યાસ જાગે છે, તો વિતતી ઉંમરનો કેમ થાક લાગે છે ? અંધારી રાત પછી સોનેરી પ્રભાતનો કેવો ઉજાસ લાગે છે તો આથમતી ઉંમરે જિંદગીના અનુભવોની સમજણનો અહેસાસ જાગે છે, તો પછી વહેતી ઉંમરનો કેમ થાક લાગે છે ? સુખ-દુઃખ એ જીવનનું સનાતન સત્ય છે – એને બાજુ પર મૂકી જિંદગી જીવીએ. હવે જુઓ, જિંદગી કેવી ખાસ લાગે છે ! તનથી થાકવું એ નિયતી છે પરંતુ મનથી થાકવું એ વિપત્તિ છે, વ્હાલા !
એક વાત સત્ય છે કે કોઈનાય જીવનમાં એકલું સુખ કે એકલું દુઃખ હોતું નથી. હા, એનું પ્રમાણ વધારે ઓછું હોય છે. દુઃખના સ્વીકારમાં પણ સુખ છુપાયેલું છે જ.

બનાવટ, મિલાવટ વિનાની સજાવટ એટલે બાળપણ ! તે બહુ જ મોટી વાત શીખવી જાય છે :
ભણવા જતા ત્યારે પહેરવા સ્લીપર ન્હોતી છતાંયે ધૂળની ડમરી નડતી ન્હોતી.
થાય વરસ છ પૂરા ને થયા દાખલ શાળામાં, ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી ન્હોતી.
પેન ને પાટી, પેન્સિલ, રબ્બર ને પુસ્તકે શીખ્યા – કોમ્પ્યુટર પર આંગળી ત્યારે ફરતી ન્હોતી.
ખાવા માટે ‘બા’ દેતી મમરા-ધાણીનો ભાગ, નાસ્તા માટે પાસ્તા/મૅગી ત્યારે બનતી ન્હોતી.
રોજ સવારે ચાલીને નિશાળે પહોંચતા, આંખ પ્રતિક્ષા કોઈ વાહનની કરતી ન્હોતી.
શિયાળે, ન મફલર કે ન માથે ટોપી, સૂરજની ગરમીમાં ઠંડી ટકતી ન્હોતી.
વર્ષો પહેલા ભેરુ સંગે આંગણમાં રમતા – મોબાઈલની તે વખતે હસ્તી ન્હોતી.
બચપણ વિત્યું તોય મજામાં એવું સુંદર : જાણે કે દુનિયામાં દુ:ખની વસતી ન્હોતી.

દેશની ગતિ, પ્રગતિ, અધોગતિ આપણાં સૌની ભૂમિકા પર નિર્ભર છે. આપ અયોધ્યામાં રહો છો કે લંકામાં તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી – ફરક પડે છે તો કેવળ આપણી ભૂમિકાથી જ : મંથરા બનીએ છીએ કે વિભીષણ !? હનુમાન કે મેધનાદ !? શાંતિ, સંતોષ તથા સમૃદ્ધિની વૃદ્ધિની મનોકામના.