Rajkot News:રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આડાસંબંધના આરોપસરના ઝઘડાએ ભયાનક અંજામ આપ્યો છે. પત્નીના ભત્રીજા સાથેના પ્રેમસંબંધથી કંટાળેલા પતિએ 15 નવેમ્બરની સવારે બિલ્ડિંગના પરિસરમાં પોતાની લાઇસન્સી રિવોલ્વરથી પત્નીને ગોળી મારી હતી અને ત્યારબાદ પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ પત્નીએ સારવાર દરમિયાન આજે દમ તોડ્યો છે. આ ઘટનાએ એક 20 વર્ષીય યુવાનને માતા-પિતા બંનેની છત્રછાયા વિહોણો બનાવી દીધો છે.
પત્નીના અનૈતિક સબંધોને કારણે મારી હતી ગોળી
ઘટના રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના પરિસરમાં બની હતી. મૃતક પતિ અને પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી વૈવાહિક વિવાદ ચાલી રહ્યો હતો. પત્ની પર પોતાના ભત્રીજા સાથે અનૈતિક સંબંધના આરોપ હતા, જેની જાણ થતાં પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.આ તકરારને કારણે પત્નીએ લગભગ દોઢ મહિના પહેલાં પતિ અને 20 વર્ષીય પુત્રને છોડીને ઘરની સામેની જ બિલ્ડિંગમાં રહેતી પોતાની નજીકની સહેલીના ઘરે આશરો લીધો હતો. પતિ છેલ્લા દોઢ મહિનાથી પત્નીને મનાવવાના પ્રયાસ કરી રહ્યો હતો. તે વારંવાર કહેતો હતો કે, “ભૂતકાળની બધી ભૂલો ભૂલીને ઘરે પાછા આવી જા.” પરંતુ પત્ની પરત ફરવા તૈયાર નહોતી.
નાગેશ્વર વિસ્તારમાં પતિએ પત્ની પર કર્યું હતું ફાયરિંગ
15 નવેમ્બરની સવારે પતિ ફરી એકવાર પત્નીને મનાવવા તેની સહેલીના ઘરની સામેની બિલ્ડિંગમાં ગયો હતો. તે જ સમયે પત્ની જીમમાંથી પરત ફરી રહી હતી. બિલ્ડિંગના પટાંગણમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઉશ્કેરાયેલા પતિએ પોતાની લાઇસન્સી રિવોલ્વર કાઢીને પહેલાં પત્નીને ગોળી મારી. ત્યારબાદ તેણે પોતાના કાનમાં ગોળી મારીને આત્મહત્યા (Suicide) કરી લીધી. બંને લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.ઘટનાસ્થળે હાજર પત્નીની સહેલીએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પત્નીને તાત્કાલિક સારવાર માટે પહેલાં રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલ અને પછી ખાનગી હોસ્પિટલમાં (Hospitel) ખસેડવામાં આવી હતી. જોકે, ગંભીર ઇજાઓને કારણે તેણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા. પતિનું મોત ઘટનાસ્થળે જ થઈ ગયું હતું.પોલીસે ઘટનાસ્થળની તપાસ કરતાં ત્રણ ખાલી કારતૂસ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે રિવોલ્વરમાંથી ઓછામાં ઓછા ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી
દંપતીનો 20 વર્ષીય પુત્ર પિતા સાથે જ રહેતો હતો. ઘટના બાદ તે માતા-પિતા બંનેને ગુમાવીને અનાથ બની ગયો છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ વર્ષથી દંપતી વચ્ચે સંબંધો તંગ હતા, પરંતુ છેલ્લા દોઢ મહિનાથી તેઓ સંપૂર્ણપણે અલગ રહેતા હતા.મૃતક પતિની બહેને મીડિયા સમક્ષ ગંભીર આરોપો લગાવ્યા છે. તેને કહ્યું, “દોઢ મહિનાથી બંને અલગ રહેતા હતા. મારો ભાઈ હાથ-પગ જોડીને મનાવતો હતો કે ‘ભઈ, તું આવી જા. તેં જે કર્યું તેનું હું એક્સેપ્ટ કરી લઈશ.’ પરંતુ તેની પત્ની, તેનો પ્રેમી, અન્ય બે મહિલાઓ આ ચારેયએ મળીને મારા ભાઈનો જીવ લીધો છે.”બહેને વધુમાં આરોપ લગાવ્યો કે, “પત્નીએ ઘર છોડતી વખતે કેટલુંય સોનું, પ્રોપર્ટીના કાગળો અને 5 લાખ રૂપિયા લઈ લીધા હતા. તેના પૈસા ખાવા માટે જ તેનો પ્રેમી અને અન્ય સાથીઓ તેને પતિના ઘરે પાછા જવા દેતા નહોતા. મારા ભાઈનો 20 વર્ષનો છોકરો છે, જે હવે અનાથ થઈ ગયો છે.”
ઘટનાની જાણ થતાંની સાથે જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો અને પત્નીના મૃત્યુ બાદ તેના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. હત્યાની કલમો (IPC 302) ઉમેરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજકોટમાં માતાએ બે દીકરીને ગળેફાંસો આપી કર્યો આપઘાત, કારણ હજુ પણ અકબંધ
આ પણ વાંચો:રાજકોટ: માજી શ્રમ મંત્રી તથા માજી પાલિકા પ્રમુખનું નિધન
આ પણ વાંચો:રાજકોટ મનપા કમિશનર તરીકે હર્ષદ પટેલની પસંદગી, સીટી એન્જિનિયરની ભરતી પડતી મુકાઈ
